• સોમવાર, 17 ઑગસ્ટ, 2026

બન્નીનાં ઘાસિયાં મેદાનમાં 20 કાળિયારનું સુરક્ષિત સ્થળાંતર

ભુજ, તા. 16 : ગુજરાતના વન વિભાગ દ્વારા વનતારાના તકનીકી સહયોગ સાથે બન્નીની ઇકો સિસ્ટમને મજબૂત કરવાના ઉદ્દેશ સાથે સ્વાતંત્ર્ય પર્વના દિવસે એશિયાના સૌથી શ્રેષ્ઠ ગણાતા બન્નીનાં ઘાસિયા મેદાનમાં 20 કાળિયારને મુક્ત કરવામાં આવ્યા હતા. સમગ્ર દેશ જ્યારે રાષ્ટ્ર પર્વની ઉજવણીમાં વ્યસ્ત હતો ત્યારે વનતારાથી વિશેષ એમ્બ્યુલન્સ વાન મારફતે 20 કાળિયારને લાવી તેમને બન્નીના ઘાસિયા મેદાનમાં કુદરતી રહેઠાણમાં છોડવામાં આવ્યા હતા. બન્નીના ઘાસિયા મેદાનમાં છોડવામાં આવેલા કાળિયારમાં પાંચ નર અને 15 માદા કાળિયારનો સમાવેશ થાય છે. ગુજરાતના વન વિભાગ દ્વારા ચીફ વાઇલ્ડ લાઇફ વોર્ડન અને સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીની મંજૂરી મેળવ્યા બાદ વન્યજીવ ટ્રાન્સલોકેશન પ્રોટોકોલ હેઠળ કાળિયારને લાવવામાં આવ્યા છે. હાલ આ તમામ કાળિયારને ચિત્તા સંવર્ધન કેન્દ્ર ખાતે વિચરતા કરવામાં આવ્યા હતા. સ્વતંત્રતા દિવસે ધાર્મિક વિધિવિધાન સાથે આ કાર્યનો પ્રારંભ કરાયા બાદ કાળિયારને ઘાસિયાં મેદાનમાં છોડવામાં આવ્યા હતા. જામનગર ખાતે વનતારાની ફેસિલિટીમાં પૂરતી તબીબી તપાસ અને હેલ્થ ક્રીનિંગ પૂર્ણ કરી સુરક્ષિત રીતે બન્નીમાં લવાયા છે. કાળિયારને બન્નીમાં લાવવાનો મુખ્ય ઉદ્દેશ આ વિસ્તારની ઇકો સિસ્ટમને મજબૂત કરી પર્યાવરણીય સંતુલન જાળવવાનો છે. કાળિયારની બન્નીના ઘાસિયાં મેદાનમાં પુન: સ્થાપના, સ્થાનિક શાકાહારી વન્યજીવોને પુન: સ્થાપિત કરવામાં, જૈવ વિવિધતા જાળવવા અને પર્યાવરણીય સંતુલન જાળવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે તેવો આશાવાદ વન વિભાગના સૂત્રો દ્વારા વ્યક્ત કરાયો છે.

સેટેલાઇટ રેડિયો કોર્પ્સ દ્વારા નિરીક્ષણ

બન્નીમાં છોડાયેલા કાળિયારમાં સેટેલાઇટ ટેગ લગાવાયા છે. આ સેટેલાઇટ રેડિયો કોર્પ્સ દ્વારા ખાસ મોનિટરિંગ કરવામાં આવનાર છે. કાળિયારની સુરક્ષા માટે વિશેષ ટાસ્ક ફોર્સ બનાવાઇ છે.

500 કાળિયાર અને 100 ચિંકારા લાવવાનું આયોજન

બન્નીમાં સ્થાપિત વનતારા ચિત્તા સંરક્ષણ-સંવર્ધન કેન્દ્રના લાંબાગાળાના પ્રોજેક્ટના ભાગરૂપે કેન્દ્ર સરકારની મંજૂરી સાથે તબક્કાવાર રીતે 500 કાળિયાર અને 100 ચિંકારાને બન્નીમાં મૂકવાનું આયોજન છે. વન વિભાગના નિષ્ણાતોના મતે કાળિયાર જેવા તૃણાહારી પ્રાણીઓની હાજરીથી ઘાસનાં મેદાનોનું કુદરતી પુન: જીવન વધુ ઝડપી બનશે. બન્નીમાં 200થી વધુ કાળિયાર છે તેમાં 20નો ઉમેરો થયો છે.

સ્થળાંતર માટે બોમા પદ્ધતિનો ઉપયોગ

બન્નીનાં ઘાસિયાં મેદાનમાં કાળિયારને મુક્ત કરવા બોમા પદ્ધતિનો ઉપયોગ કરાયો છે. જામનગરથી કચ્છ સુધી લાવવા, નવા પર્યાવરણમાં અનુકૂલન સાધવા આ પદ્ધતિ મહત્ત્વપૂર્ણ છે. કાળિયારને બોમા એન્કલોઝરમાં રખાયા બાદ સ્થાનિક વાતાવરણ-ખોરાકથી પરિચિત કરાવવા સોફટ રિલીઝ પદ્ધતિ અપનાવાઇ છે.

Panchang

dd