અંબર અંજારિયા દ્વારા : ભુજ, તા. 16 : અષાઢ આખેઆખો વીતી ગયો અને શ્રાવણ
શરૂ પણ થઈ ગયો છે. પૂર્વીય પડખાંને થોડુંક બાદ કરતાં હજુયે કચ્છ કોરુંધોકાર છે. માંડ
ચોથા ભાગની જમીનમાં વાવેતર થયું છે. પરિસ્થિતિ પખવાડિયા પહેલાં હતી તેટલી જ પીડાકારી
છે. હજું પણ વાલીડો વરસે તો ચારાનું વાવેતર થઈ શકે... બાકી હવે મોડું થઈ ગયું છે...
પખવાડિયામાં બીજીવાર રણપ્રદેશના ખેડૂતોની ચિંતા કરતાં `કચ્છમિત્ર'એ જાણકારોને પૂછ્યું તો, એક સત્ય સર્વાનુમતે કહેવાયું છે કે, હવે જો વરસાદ વરસે
નહીં તો છ લાખ હેક્ટર જેટલા વિશાળ ભૂભાગ પર વાવેતર નહીં કરી શકેલા નાના ખેડૂતોને મજૂરી
કરીને આખું વરસ પેટ ભરવું પડશે. કાળાંમાથાંના માનવીથી માંડીને પશુ-પંખી સહિત સમસ્ત
જીવસૃષ્ટિની ભૂખ ભાંગતા ખેડૂતને પોતાની ભૂખ ભાંગવા માટે મજૂરી કરવી પડે, તેવી વિકટ સ્થિતિ ઓછું વરસીને વધુ ખેંચાયેલા વરસાદે સર્જી છે. અભ્યાસુ,
પીઢ કૃષાચિંતકો અત્યાર સુધી મન મૂકીને નહીં વરસેલા વરસાદનાં કારણે ચિંતામાં
મુકાયેલા ખેડૂતો માટે ચિંતામાં છે. ચિંતાજનક હકીકત તો એ છે કે, વાવણી કરી જ નથી શક્યા તેવા કિસાનોનું તો આ વખતે વરસ જ બગડશે. બાકી જેમણે વાવેતર
કર્યું છે તેવા ખેડૂતો પણ વરસાદ ઝંખી રહ્યા છે. કારણ કે વાવેલો પાક પાલર પાણીના પોષણ
વિના ટકી નથી શકવાનો.
નર્મદા કેનાલમાંથી ખેતરો સુધી પહોંચાડો : ફરીવાર માંગ બુંલંદ
કચ્છમાં ખેડૂતોની ચિંતા કરનારા ચિંતકોથી માંડીને ખેડૂતો તેમજ
ખેડૂતોના સંગઠનને વધુ એકવાર નર્મદાનાં પાણી કેનાલોમાંથી આગળ વધારીને વાડી -ખેતરો સુધી
પહોંચાડવાની માંગ ઉઠાવી છે. ભારતીય કિસાન સંઘના કચ્છ વિભાગના સલાહકાર શિવજીભાઈ બરાડિયા
કહે છે કે, હવે જો વરસાદ નહીં વરસે
તો રણપ્રદેશની ખેતી આધારિત અર્થવ્યવસ્થાને કમરતોડ ફટકો પડવાની ભીતિ નકારી ન શકાય. કેનાલ
સુધી પહોંચી ચૂકેલા નર્મદાનાં પાણી વાડી-ખેતર સુધી પહોંચાડવાની વાત કરીએ તો અત્યારે
રાપર અને ભચાઉ તાલુકાને 30 ટકા લાભ મળી
રહ્યો છે. બાકી મુંદરા, અંજારને 10-10 ટકા, માંડવીને તો કેનાલના પાણીનો માંડ સાત-આઠ ટકા
લાભ મળે છે. એ પણ ખેડૂતો પોતાના ખર્ચે ખેચીને લઈ જાય છે.
વાલીડો વરસે નહીં તો હવે કાચી-પાકી વત્તર નહીં ટકે
બીજા દોરના વરસાદ પછી જે નવી વાવણી થોડીક થઈ, તેને પણ 10-12 દિવસનો સમય વીતી ગયો અને હજુ
વરસાદ થયો નથી. વધારાના 10 લાખ એકરફીટ
પાણી કચ્છને આપવાની કવાયત પણ ગોકળગતિએ ચાલી રહી હોવાના આક્ષેપ સાથે ભારતીય કિસાન સંઘના
અધ્યક્ષ કરમણભાઈ ગાગલ પણ કહે છે કે, વરસાદ વિના ખેતરો ખાલી રહેશે, તો ખેડૂતોના ખિસ્સા પણ
ખાલી રહેશે, તો પછી બજારો ક્યાંથી ભરેલી રહે? પરંપરાગત રીતે સદીઓથી થતી અને આજે થતી ખેતીના સંપૂર્ણ સ્વરૂપના જ્ઞાન સાથે
ઊંડી સમજણ ધરાવતા વિચારશીલ કૃષિચિંતક મનોજભાઇ સોલંકી ચિંતાભર્યા સ્વરે કહે છે કે,
કેનાલ સુધી પહોંચેલા નર્મદાનાં પાણી વાડી-ખેતર સુધી સવેળા પહોંચે,
એ વરસાદ વિના સર્જાતી પરિસ્થિતિની માંગ છે. પ્રયોગધર્મી કિસાન અગ્રણી
વેલજીભાઇ ભુડિયા પૂર્વમાં થોડોક પણ વરસાદ વરસ્યો, પશ્ચિમ કચ્છ
કોરું રહી ગયું છે. મગ-મઠ-તલ-ગોવાર જેવા પાકવા માટે વધુ સમય લેતાં લાંબાગાળાના પાકોના
વાવેતર માટે હવે મોડું થઇ ગયું છે. વાવેલા પાકોને પણ હજુ વરસાદના પાલર પાણીના પોષણની
જરૂર પડશે, નહિતર આવા પાકો પણ ટકી નહીં શકે.
કચ્છમાં પાણી ભરાયું હોય તેવા તળાવ માત્ર રાપરમાં જ દેખાય છે
રામમોલ વાવનારા આ વખતે મનરેગા જેવા કામોમાં મજૂરી કરીને પેટ
ભરશે. ચારો થોડો-ઘણો ઊગ્યો છે, તે પણ
દિવાળી સુધી કામ આવશે. પછી ચારા-પાણીની વ્યવસ્થા કપરી થઇ પડતાં પશુઓ પાળતા પરિવારોને
હિજરત કરવી પડે તેવી ભીતિ છે. `સાત્ત્વિક' સંસ્થાના
યુવા સંયોજક અને ઉત્સાહી કાર્યકર પ્રવીણભાઇ મૂંછડિયા કહે છે કે, પાણી ભરાયું હોય તેવાં તળાવ આ વરસે રાપર પંથક સિવાય ક્યાંય જોવા મળતા નથી.
હજુ અઠવાડિયા કે પખવાડિયા સુધી વાદળોનું વહાલ નહીં વરસે તો પાક વગરના ખાલીખમ ખેતરોને
છોડીને ખેડૂતોને મનરેગા, ઉદ્યોગો અને પિયત કરતા મોટા ખેડૂતોની
ખેતીમાં મજૂરી દ્વારા રોજી રળીને વર્ષ માંડ પસાર કરવું પડશે.
આઠમ સુધી વાલીડો વરસે તો હજુ જુવાર વાવી શકાય
અંજાર તાલુકાના નગાવલાડિયા,
બિટ્ટાવલાડિયા, માથક, શિણાય
જેવા વિસ્તારોમાં સામાન્ય વરસાદમાં પણ પાણી ભરાયેલું રહેતાં ચારા માટે જુવારનો પાક
સારો થતો હોય છે. આવા ભાગોમાં જન્માષ્ટમી પછી જુવારનું વાવેતર થતું હોય છે,
એ જોતાં આઠમ સુધી હજુ વરસાદ પડી જાય તો જુવાર વાવેતરથી ઉત્પાદન સુધીનો
પંથ કાપી શકશે, તેવું કચ્છ ઘાસચારા, ફળઝાડ
અને જંગલ વિકાસ ટ્રસ્ટ સંસ્થાના યુવા સંયોજક રાજુભાઇ ચાવડા કહે છે. બીજ પોંખ્યા પછી
મૂળ થાય અને તેના પખવાડિયા પછી તંતુમૂળ થાય જે પાકને ખોરાક લાવી આપે છે, પરંતુ તેના માટે વરસાદ પછી વરસાદ થવો જરૂરી હોય છે.
ક્યાંક તો ત્રણવાર વાવેતર પછી પણ ખેડૂતને રડવું પડે છે
કચ્છમાં કેટલોક ભાગ એવો છે,
જ્યાં ત્રણ-ત્રણ વાર વાવેતર કરવું પડે છે. પહેલા વરસાદમાં વાવ્યા પછી
ન વરસે તો પાક બળી જાય, એટલે ફરી વાવણી અને પછી વરસાદ પડે તો
વાવેતર કરાય અને છેલ્લે સમયસરની સંજીવની રૂપે વરસાદનું પોષણ ન મળતાં પાક વિકસે નહીં
તો ખેડૂતની સ્થિતિ કફોડી થઇ જતી હોય છે. લાંબાગાળાના મગ, મઠ,
ગોવાર, તલ જેવા પાકો હવે ભૂલી જાવ. આ વખતે રાપર
રાજી છે, બાકી કચ્છમાં નારાજી છે. અરે, હજુયે વાલીડો વરસે તો વરસ થોડુંક સુધરે... નહિતર ખેતી આધારિત અર્થતંત્રને મોટી
અસર થશે. ગામડાંઓની ચમક ચાલી જશે તો શહેરોની બજારો સૂની રહેશે.
ચિંતામાં મુકાયેલા ખેડૂતો સરકારી પીઠબળ ઇચ્છે છે
* સરકાર 10 લાખ એકરફીટ
નર્મદાનાં પાણી ખેતરે-ખેતરે પહોંચાડે
* કેનાલોમાંથી પાણી વાડી-ખેતરોમાં આપો.
* નર્મદાનાં પાણીથી ડેમો ભરો.
* કમાન્ડ એરિયામાં ફેરફાર કરો.
* ડ્રીપથી ખેતી કરે તેને જ નર્મદાનાં પાણી.