• સોમવાર, 17 ઑગસ્ટ, 2026

રિન્યૂએબલ એનર્જી ક્ષેત્રે કચ્છ વિશ્વને નવી દિશા આપશે

મુંદરા, તા. 16 : શ્રમ અને રોજગાર રાજ્યમંત્રી તથા કચ્છના પ્રભારીમંત્રી કાંતિભાઈ અમૃતિયાએ મુંદરા ખાતે તિરંગાને સલામી આપી હતી. સ્વાતંત્ર્ય પર્વની જિલ્લાકક્ષાની ઉજવણી નિમિત્તે પ્રાસંગિક ઉદ્બોધન કરતાં પ્રભારીમંત્રીએ ભારતની આઝાદીમાં યોગદાન આપનાર સ્વાતંત્ર્યસેનાનીઓને નમન કરતાં જણાવ્યું હતું કે, અનેક સંઘર્ષો બાદ મળેલી મહામૂલી આઝાદીને જાળવવી દરેક નાગરિકની ફરજ છે. પ્રભારીમંત્રીએ નાગરિકોને `એક ભારત, શ્રેષ્ઠ ભારત' સંકલ્પથી અખંડ ભારતની કલ્પનાને સાકાર કરવા કટિબદ્ધ બનવા હાકલ કરી હતી. કચ્છ જિલ્લાની વિકાસયાત્રાનું શ્રેય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને આપીને શ્રી અમૃતિયાએ જણાવ્યું કે, 2001ના ભૂકંપ બાદ શ્રી મોદીના દૂરંદેશી વિચારને પરિણામે આજ કચ્છના વિકાસને નવી પાંખો મળી છે. નર્મદાનાં પાણી આવવાથી આ વિસ્તાર હરિયાળો બન્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં કચ્છ આજે પ્રવાસનથી લઈને ઔદ્યોગિક ક્ષેત્રે અવ્વલ બન્યું છે. રિન્યૂએબલ એનર્જી ક્ષેત્રે કચ્છ વિશ્વને નવી દિશા આપશે તેમ જણાવતાં પ્રભારીમંત્રીએ ઉમેર્યું હતું કે, વડાપ્રધાનના દિલમાં વસતા કચ્છનો વિકાસ ઊડીને આંખે વળગે તેવો છે. કંડલા અને મુંદરો બંદરોનો વિકાસ, કચ્છ જિલ્લામાં ઔદ્યોગિક વિકાસ, હવાઈમાર્ગ - રેલમાર્ગની સુદ્રઢ કનેક્ટિવિટી, શૈક્ષણિક, કૃષિ, રોજગારી ક્ષેત્રે થયેલા ઐતિહાસિક કામોનો પ્રભારીમંત્રીએ ઉલ્લેખ કર્યો હતો. કાંતિભાઈ અમૃતિયાએ કચ્છ જિલ્લાના સર્વાંગી વિકાસ માટે કટિબદ્ધતા વ્યક્ત કરતાં નાગરિકોને કચ્છની વિકાસની યાત્રા સાથે `િવકસિત ગુજરાતથી વિકસિત ભારત' બનાવવા હાકલ કરી હતી. રાજ્યમંત્રીએ નાગરિકોનું અભિવાદન ઝીલ્યું હતું. આ પ્રસંગે મંત્રી સહિત મહાનુભાવોએ જિલ્લાની વિવિધ સ્કૂલના બાળકો દ્વારા આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમો નિહાળ્યા હતા. મુંદરા તાલુકાના વિકાસ માટે રૂા. 25 લાખનો ચેક એનાયત કરાયો હતો. વિશિષ્ટ સેવા બદલ કર્મયોગીઓ, મહિલા અને બાળવિભાગ, વનવિભાગ, પશુપાલન તથા આરોગ્ય કર્મચારીઓ તથા રમતવીરોનું મોમેન્ટો અને પ્રશસ્તિપત્ર આપીને સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે ગ્રાઉન્ડ પરિસરમાં વૃક્ષારોપણ કરાયું હતું. કચ્છ-મોરબી સાંસદ વિનોદભાઈ, જિલ્લા પંચાયત પ્રમુખ પ્રભાબેન હુણ, ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે, માલતીબેન મહેશ્વરી, વીરેન્દ્રાસિંહ જાડેજા, કેશુભાઈ પટેલ, જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયા, જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ, પશ્ચિમ કચ્છ પોલીસ અધીક્ષક વિકાસ સુંડા, પૂર્વ કચ્છ પોલીસ અધીક્ષક સાગર બાગમાર, મુંદરદ્રા એએસપી ગૌતમ વિવેકાનંદન, નિવાસી અધિક કલેક્ટર પાર્થ કોટડિયા, અધિક કલેક્ટર પ્રણવ વિઠાણી સહિત પદાધિકારીઓ, જિલ્લા અને તાલુકા ઉચ્ચ અધિકારીઓ, શાળાના વિદ્યાર્થીઓ અને શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા. સંચાલન મનન ઠક્કરે કર્યું હતું.

Panchang

dd