નિરોણા (પાવરપટ્ટી) તા. 24 : કચ્છમાં
વરસાદ ખેંચાયા પછી ઘાસચારાની અછતને પગલે વ્યાપક લાંબી માગણી બાદ સરકારે રાહતભાવે ઘાસના
વિતરણનો નિર્ણય લીધો હતો, પરંતુ કાગળકીય કામગીરીને લઈ વિતરણ
વ્યવસ્થામાં વિલંબ થતાં માલધારીઓમાં ધીરજ ખૂટી છે. આ તકનો લાભ લઈ કેટલાક વેપારીઓ રાજ્ય
બહારથી ડાંગરનો ચારો આયાત કરી વેચાણ કરતાં માલધારીઓ ન છૂટકે એ ઘાસની ઘાંસડીઓ મેળવવા
ભારે પડાપડી કરી રહ્યા છે. સ્થાનિક ઘાસ ગોડાઉનોમાં સંગ્રહાયેલું ઘાસ આપવા ઘાસ કાર્ડ
બનાવવાના ચાલુ હોવાથી ઘરનું ઘાસ પશુપાલકો સુધી વિતરણ થઈ શકયું નથી. ઘાસની તંગી વચ્ચે
એક દિવસ પણ માલધારીઓને પસાર કરવો વિકટ બન્યો છે. હાલ કચ્છમાં વરસાદી માહોલ ઊભો થયો
છે. વરસાદની શક્યતાઓ પણ સર્જાઈ છે. વરસાદ પડયા પછી ઘાસચારો ઊગી પશુઓના મુખ સુધી પહોંચે
તેવા સંજોગો હજી દૂર છે. આવી પરિસ્થિતિમાં તકનો લાભ લઈ કેટલાક વેપારીઓ પંજાબ અને હરિયાણામાંથી
ડાંગરના ઘાસની ઘાંસડીઓ ભરી વિતરણ કરવા લાગ્યા છે. કચ્છના અનેક ભાગોમાં આવા ઘાસ આવતાંની
સાથે જ માલધારીઓ ઘાસ મેળવવા વાહનો સાથે ઊમટી વધુમાં વધુ ઘાસ મેળવવા પડાપડી કરી રહ્યા
છે. રૂપિયા 13થી 1પના કિલાના ભાવે વેચાતી આ ઘાસની
ગાડી પલવારમાં વેચાઈ જાય છે. કેટલાકને તો એ ઘાસ પણ નસીબ ન થતાં ખાલી વાહનો સાથે પરત
ફરવાનો વારો આવે છે. પશુપાલકોના જણાવ્યા મુજબ રાહતદરે ઘાસ મેળવવા માટેના કાગળો તૈયાર
કરીને જમા પણ કરાવી દીધા છે, તો વહેલામાં વહેલી કે ઘાસનું
વિતરણ થાય અન્યથા પશુઓની હાલત વધુ કફોડી બની શકે છે તેવું માલધારીઓએ જણાવ્યું હતું.