ભુજ, તા. 24 : સગીર વયની કન્યા સાથે દુષ્કર્મ આચરવાના કેસમાં આરોપી સાહીદ સલીમભાઈ બાફણ
(સામત્રા, તા.
ભુજ)ને પોક્સો કેસો માટેની ખાસ અદાલતે તકસીરવાન ઠેરવી અંતિમ શ્વાસ સુધી કેદની સજા તથા
રૂા. 60 હજારનો દંડ ફટકારતો ચુકાદો આપ્યો હતો. આરોપી
સાહીદે પીડિતાને ડરાવી-ધમકાવી મોબાઈલ નંબર મેળવ્યા હતા અને ઈન્સ્ટાગ્રામ મારફતે વાતચીત
ચાલુ રાખવા બળજબરી કરી હતી. તે પછી આરોપીએ ભોગ બનનારને રસ્તામાં અટકાવી તેના કાયદેસરના
વાલીપણામાંથી તેનું અપહરણ કરી લીધું હતું અને દુષ્કર્મ આચર્યું હતું. ઉપરાંત છરી બતાવી
આ બાબતે કોઈને પણ જણાવશે તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. 2025ના આ કેસમાં અદાલતે 30 દસ્તાવેજી પુરાવા અને 11 સાક્ષી તપાસ્યા હતા અને બંને પક્ષની દલીલ સાંભળી
પોક્સો એક્ટની કલમ છ મુજબ આરોપીને તકસીરવાન ઠેરવી અંતિમ શ્વાસ સુધીની કેદની સજા તથા
રૂા. 50,000નો દંડ તેમજ બીએનએસ-2023ની કલમ 137 (2) મુજબ પાંચ વર્ષની સખત કેદ અને રૂા. 5,000નો દંડ અને બીએનએસ-2023ની કલમ 351 (3) મુજબ એક વર્ષની સખત કેદ અને રૂા. 5,000નો દંડ પણ ફટકાર્યો હતો. આ સાથે અદાલતે પીડિતાને
રૂા. 4,00,000નું વળતર ચૂકવવા માટે ડીએલએસએને ભલામણ કરવાનો
હુકમ કર્યો હતો. આરોપી દ્વારા દંડની રકમ ભરવામાં આવે તે પણ ભોગ બનનારને ચૂકવવા હુકમ
કર્યો હતો. તે ઉપરાંત સીડબ્લ્યુસી તથા ડીસીપીયુને ભોગગ્રસ્તનો સંપર્ક કરી તેનું જીવન
તથા શિક્ષણ પુન: સ્થાપિત થાય તેની કાળજી લેવા માર્ગદર્શન આપવા સહિતનો આદેશ કર્યો હતો.
આ કેસમાં સરકાર તરફે જિલ્લાના મુખ્ય સરકારી વકીલ એચ. બી. જાડેજા, તેમજ ભોગ બનનારના કાયદા સહાયક
તરીકે એડવોકેટ માલશ્રીબેન ગઢવી તથા ફરિયાદીના વકીલ તરીકે કાંતાબેન વેકરિયા હાજર રહ્યા
હતા.