નવી
દિલ્હી, તા.
24 : નીટ પેપર લીક મુદ્દે 27 દિવસથી અનશન પર બેઠેલા સોનમ વાંગચૂકે ગુરુવારની
મોડી રાત્રે ભૂખ હડતાળ ખતમ કરી નાખી હતી. કેન્દ્રીય મંત્રી જે.પી. નડ્ડા અને જિતેન્દ્રસિંહ
ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં પહોંચ્યા હતા, જ્યાં નડ્ડાએ વાંગચૂકને જ્યૂસ પીવડાવી પારણાં કરાવ્યાં હતાં.
વાંગચૂકે શુક્રવારે સવારે એક વીડિયો સંદેશમાં જણાવ્યું હતું કે, છેલ્લા બે દિવસથી સરકાર સાથે સતત વાતચીત ચાલતી હતી. સરકારે પ્રદર્શનકારી છાત્રો
પર કેસ નહીં નોંધવા, પેપરલીક અને પરીક્ષા પ્રણાલીમાં જવાબદારી
નક્કી કરવાના મુદ્દા પર સંસદમાં ચર્ચા તેમજ જીવ ખોનાર છાત્રોના પરિવારોને યોગ્ય વળતરની
માંગો પર લેખિત આશ્વાસન આપ્યું હતું. વાંગચૂકે કહ્યું હતું કે, ધર્મેન્દ્ર પ્રધાનનાં રાજીનામાં પર સરકારે કોઈ આશ્વાસન નહોતું આપ્યું. જો કે,
મારા માટે સૌથી મહત્ત્વનું છાત્રો પર કાર્યવાહી રોકવાનું હતું. પ્રધાનનું
રાજીનામું એટલું જરૂરી નહોતું. વાંગચૂકના અનશન ખતમ કરવા પર કોકરોચ જનતા પાર્ટી (સીજેપી)ના
સ્થાપક અભિજિત દીપકેએ ખુશી વ્યક્ત કરી હતી. જો કે, તેમણે કહ્યું
હતું કે, શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનાં રાજીનામાં સુધી જંતરમંતર પર અમારું આંદોલન
જારી રહેશે.