નવી દિલ્હી, તા. 24 : નીટ પેપર લીક, શિક્ષા મંત્રીના રાજીનામા સહિતની માગણી સાથે જંતર મંતરે ચાલી રહેલા છાત્રોના પ્રદર્શન વચ્ચે કોકરોચ જનતા પાર્ટી (સીજેપી) અને સરકાર વચ્ચે બે કલાક સુધી વાતચીત થઈ હતી. આ વાતચીતમાં પ્રદર્શનકારી છાત્રો સામે નોંધાયેલી એફઆઈઆર પરત ખેંચવા અને પેપર લીકના કારણે આપઘાત કરનારા છાત્રોના પરિજનોને એક કરોડના વળતર ઉપર સરકાર દ્વારા સકારાત્મક વલણ બતાવાયું હતું. જો કે ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા મુદ્દે હજી પણ સરકાર અને સીજેપી વચ્ચે સહમતિ બની શકી નથી. સીજેપીના કહેવા પ્રમાણે સરકારે શનિવાર બપોર સુધીનો સમય માગ્યો હતો. શુક્રવારે દિલ્હીના કોન્સ્ટિટયૂશન ક્લબમાં કોકરોચ જનતા પાર્ટી તરફથી સૌરવ દાસ અને આશુતોષ રાંકાએ કેન્દ્રીય આરોગ્ય મંત્રી જેપી નડ્ડા અને કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહ સાથે મુલાકાત કરી હતી. આ વાતચીત અંદાજીત બે કલાક સુધી ચાલી હતી. મુલાકાત બાદ મીડિયા સાથે વાત કરતા સીજેપી તરફથી સૌરભ દાસ અને આશુતોષ રાંકાએ કહ્યું હતું કે તેઓએ સરકારને સ્પષ્ટ કહી દીધું છે કે ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા સિવાય કંઈ પણ ચલાવી લેવાશે નહી. રાંકાએ કહ્યું હતું કે દેશભરમાં અલગ અલગ આંદોલન ચાલી રહ્યા છે, છાત્રોમાં જે ગુસ્સો છે તે સ્પષ્ટ છે કે ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપવું પડશે. સરકાર સાથે આ મામલે વિસ્તારથી ચર્ચા થઈ છે અને આ મુદ્દે જવાબ આપવા માટે આવતીકાલ બપોર સુધીનો સમય માગ્યો છે. જો સરકાર રાજીનામા ઉપર નિર્ણય નહી કરે તો પ્રદર્શન વધારે વ્યાપક બનશે. રાંકાએ આગળ કહ્યું હતું કે, સરકારે વળતર અને કાનૂની મામલે સૈદ્ધાંતિક સહમતિ વ્યક્ત કરી છે. હવે આ મામલે આવતીકાલે ફરી મુલાકાત થશે અને ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું લેવામાં આવશે. સરકારને બતાવી દેવાયું છે કે આંદોલન મોટું બની રહ્યું છે. બીજી તરફ જેપી નડ્ડાએ બેઠક બાદ કહ્યું હતું કે સીજેપીની મુખ્ય ત્રણ માગ હતી અને પરીક્ષાઓ માટે પાંચ સુધારા સૂચવવામાં આવ્યા હતા. હવે આવતીકાલે બપોરે ફરીથી મુલાકાત કરવામાં આવશે અને સરકારમાં થયેલી ચર્ચા અંગે જાણકારી આપવામાં આવશે.