• શનિવાર, 25 જુલાઈ, 2026

છાત્ર વિરોધની આગ ઠારવા કેન્દ્રનાં બે મોટા કદમ

પેપર લીકમાં 10 વર્ષની સજા , 10 કરોડ દંડ : વિરોધ પ્રદર્શન વચ્ચે  મોદીની અધ્યક્ષતામાં કેબિનેટે સુધારા ખરડાને આપી મંજૂરી : આવતાં અઠવાડિયે સંસદમાં રજૂ કરવા તૈયારી

નવી દિલ્હી, તા. 24 : નીટ પેપર લીકનાં પ્રદર્શન વચ્ચે સરકારે ડેમેજ કન્ટ્રોલ માટે મહત્ત્વનાં પગલાંમાં કેબિનેટ બેઠકમાં પેપર લીક સંશોધન બિલને મંજૂરી આપવામાં આવી હતી. બેઠકમાં પબ્લિક એક્ઝામિનેશન્સ (પ્રિવેન્શન ઓફ અનફેર મિન્સ) એક્ટ, 2024ને વધારે કડક બનાવવાના પ્રસ્તાવ ઉપર ચર્ચા બાદ મંજૂરી મળી હતી. આ બિલમાં પેપર લીક માફિયાઓ સામે આકરી જોગવાઈ કરતાં 10 વર્ષની સજા અને 10 કરોડ રૂપિયાના દંડની જોગવાઈ સામેલ કરવામાં આવશે. સરકાર આગામી અઠવાડિયે ચોમાસુ સત્ર દરમિયાન સંશોધિત ખરડાને સંસદમાં રજૂ કરવાની તૈયારીમાં છે. પીએમ મોદીની અધ્યક્ષતામાં કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટી અને કેબિનેટ કમિટી ઓન ઈકોનોમિક અફેર્સની બેઠકો બાદ સંશોધિત પેપર લીક સુધારા ખરડાના મુસદ્દા ઉપર ચર્ચા થઈ હતી અને તેને મંજૂરી મળી હતી. સરકાર આગામી અઠવાડિયે ખરડો રજૂ કરવાની તૈયારીમાં છે. જેના હેઠળ પેપર લીક મામલે સ્પેશિયલ ફાસ્ટટ્રેક કોર્ટ ગઠિત કરવામાં આવશે અને ફાસ્ટટ્રેક કોર્ટને અધિકાર મળશે કે ત્રણ મહિનામાં તપાસ કરીને ચુકાદો આપી શકે. આ ઉપરાંત પેપર લીક બદલ 10 વર્ષની સજા અને 10 કરોડ રૂપિયા દંડની જોગવાઈ સામેલ થશે.  વર્તમાન સમયે પણ પેપર લીકને રોકવા માટે કાયદો છે, જેને 12  ફેબ્રુઆરી 2024ના રાષ્ટ્રપતિની મંજૂરી મળી હતી અને 21 જૂન, 2024થી કાયદો પૂરા દેશમાં લાગુ કરવામાં આવ્યો છે, તેમાં ત્રણથી દસ વર્ષ સુધીની સજાની અને દસ લાખ રૂપિયાના દંડની જોગવાઈ છે. ઉલ્લેખનીય છે કે, નીટ પેપર લીક સામે જંતરમંતરે સીજેપીનું પ્રદર્શન ચાલી રહ્યું છે. પ્રદર્શનમાં શિક્ષામંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું, પરીક્ષામાં ગડબડ બદલ જવાબદારી, શિક્ષા પ્રણાલીમાં સુધારો અને મેમાં પેપર લીક બાદ આપઘાત કરનારા છાત્રોના પરિવારને એક કરોડ રૂપિયા વળતરની માગણી કરવામાં આવી છે. આ મામલે શુક્રવારે કેન્દ્ર સરકારના મંત્રીઓ અને સીજેપીના પ્રદર્શનકારીઓ વચ્ચે વાતચીત પણ થઈ હતી. - એનટીએના એકસાથે 47 અધિકારી બરતરફ : તમામ અધિકારી સામે અપરાધી કેસ થશે : એનટીએનું આખું માળખું બદલ : આઉટસોર્સિંગ મોડેલમાં સુધારો થશે : હજુ ઘણા અધિકારી સામે પગલાં લેવાશે

નવી દિલ્હી, તા. 24 : નીટ પેપર લીક સામે પરાકાષ્ઠા સુધી પહોંચી ગયેલા કોકરોચ જનતા પાર્ટી (સીજેપી)નાં વિરોધ પ્રદર્શન વચ્ચે કેન્દ્ર સરકારે શુક્રવારે એક મોટા ધડાકા સમાન પગલું લીધું હતું. મોદી સરકારે દેખાવોની આગનાં શમનની ચેષ્ટારૂપે મોટી કાર્યવાહી કરતાં રાષ્ટ્રીય પરીક્ષણ એજન્સી (એનટીએ)ના એક સાથે 47 અધિકારીને બરતરફ કરી દીધા હતા. ધર્મેન્દ્ર પ્રધાનનાં રાજીનામાની માંગ વચ્ચે સરકાર એનટીએમાં હજુ મોટા બદલાવો કરવાની તૈયારી કરી રહી છે. આગામી એક મહિનામાં એનટીએનું રિસ્ટ્રકચરિંગ એટલે કે, આખાં માળખાંની પુન:રચનાની કવાયત કરાશે. રાષ્ટ્રીય પરીક્ષણ એજન્સીના કેટલાક અન્ય અધિકારીઓ વિરુદ્ધ કાનૂની અને અપરાધી કાર્યવાહી પણ કરાશે. શિક્ષણ મંત્રાલયના અધિકારીઓએ જણાવ્યું હતું કે, આજે બરખાસ્ત કરાયા છે તે તમામ 47 અધિકારીઓ વિરુદ્ધ અપરાધી કેસ પણ નોંધવાની તૈયારી કરાઈ છે. શિક્ષણ મંત્રાલયના બે સચિવોને બદલાવવાનું પગલું લીધાના બીજા જ દિવસે શુક્રવારે સરકારે એનટીએમાં ધરખમ બદલાવ સાથે આ મોટી કાર્યવાહીનો કોરડો વીંઝ્યો હતો. ખાસ કરીને આઉટસોર્સિંગ એટલે કે, એજન્સીની બહારના લોકો પાસેથી કેટલીક કામગીરી કરાવવાની વ્યવસ્થાને પણ સરકાર ખતમ કરવા જઈ રહી છે. હકીકતમાં, એનટીએ પરીક્ષા સાથે જોડાયેલા કામો બહારની એજન્સીઓ પાસેથી કરાવે છે. સરકાર આ પ્રણાલીમાં મોટો બદલાવ કરશે. એનટીએમાં સુધારાની કવાયત માત્ર સ્ટાફના બદલાવ સુધી સીમિત નહીં રહે પરંતુ નીટ જેવી પરીક્ષાઓ યોજવાની પૂરી પ્રક્રિયામાં બદલાવ કરાશે. પરીક્ષામાં ગરબડનું મુખ્ય કારણ સુરક્ષા માપદંડોની અવગણના અને આઉટસોર્સિંગને મનાય છે. આઉટસોર્સિંગની અતિશય અનિવાર્યતા જણાય, તેવા સંજોગોમાં એનટીએ સિવાય બહારની ખાનગી એજન્સીઓ અને વેન્ડરોની પસંદગી માટે ભવિષ્યમાં પેપર લીકનું કોઈ જ જોખમ ટાળવા નવા અને કડક નિયમ બનાવાશે. આજે આકરી કાર્યવાહી કરતાં સરકારે સ્પષ્ટ સંદેશ આપી દીધો હતો કે, પરીક્ષા પ્રણાલીની પારદર્શકતા જોખમાવનાર દોષીઓને કોઈ પણ કિંમતે નહીં છોડાય.

 

Panchang

dd