ભુજ, તા. 24 : ભારતની પરંપરાગત હસ્તકળાના વારસાને જીવંત રાખવા
બદલ અહીંના બાંધણી કારીગર અબ્દુલસતાર ખત્રીને માનદ ડોક્ટરેટ (ડી.લિટ.)ની પદવીથી સન્માનિત
કરવામાં આવ્યા હતા. પ્રયાગરાજની પ્રો. રાજેન્દ્રસિંઘ યુનિવર્સિટી દ્વારા આયોજિત કાર્યક્રમમાં
યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલના હસ્તે શ્રી ખત્રીને કચ્છી બાંધણીના સંરક્ષણ, વૈશ્વિક વિકાસ તથા સૂક્ષ્મ
બિંદુ બાંધ તકનિક `રાઇ
બંધેજ'ને પુન:સ્થાપિત
કરવા બદલ પદવી એનાયત કરવામાં આવી હતી. આવી સઘન અને પરંપરાગત ડિઝાઇનોને બજારમાં પ્રામાણિક,
ઉચ્ચ ગુણવત્તાયુક્ત પ્રતિષ્ઠા અપાવવા તથા ભારતીય વત્ર પરંપરાની ગરિમાને
જાળવી રાખવા માટે શ્રી ખત્રીનું યોગદાન રહ્યું છે. તેમની સશક્ત આજીવિકા તંત્ર નિર્માણ
તથા ગ્રામીણ શિલ્પકારોને રોજગાર પ્રદાન કરતાં આ હસ્તકળાને વિશ્વના ફેશન અને કળા મંચ
પર પહોંચાડવા જેવી પહેલ નોંધનીય સાબિત થઇ હતી.