ભુજ, તા. 17 : દર વર્ષે 21 જૂનના દિવસે આંતરરાષ્ટ્રીય
યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે કચ્છમાં જિલ્લાકક્ષાની તેમજ
તાલુકાકક્ષાની ઉજવણીને લઈને અધિક કલેક્ટર પ્રોટોક્લ પ્રણવ વિઠાણી અધ્યક્ષતામાં સમીક્ષા બેઠકનું આયોજન
કરવામાં આવ્યું હતું. બેઠક દરમિયાન જિલ્લા તથા તાલુકાકક્ષાની ઉજવણીના આયોજન અને વ્યવસ્થાપન અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. અધિક કલેક્ટરે
અધિકારીઓને માર્ગદર્શન આપતા જિલ્લા અને તાલુકાકક્ષાના આયોજન અને વ્યવસ્થાપન અંગે વિગતો
મેળવીને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા તેમજ
કાર્યક્રમ સ્થળ સ્વચ્છતા પર ભાર દેવા ખાસ સૂચના આપી હતી. આ સાથે જિલ્લાકક્ષા, તાલુકાકક્ષા, મહાનગરપાલિકા
તથા નગરપાલિકાના કાર્યક્રમોની તૈયારી અંગે સંબંધિત અધિકારીઓ પાસેથી વિગતો મેળવીને જરૂરી
માર્ગદર્શન પૂરું પાડયું હતું. આ ઉપરાંત બેઠક વ્યવસ્થા, પાર્કિંગ,
વીજપુરવઠો, યોગાકોચ અને પ્રોટોકોલ મુજબ યોગ દિવસની
ઉજવણી કરવામાં આવે તે અંગે જરૂરી સૂચનો કર્યાં હતાં.કચ્છ જિલ્લાકક્ષાનો કાર્યક્રમ સ્મૃતિવન-ભુજ
ખાતે યોજવામાં આવશે, જ્યારે નખત્રાણામાં ટી.ડી. વેલાણી હાઈસ્કૂલ,
માંડવીમાં જી.એમ.બી. પોર્ટ એરિયા, અંજારમાં મૂરલીધર
આહીર બોર્ડિંગ, અબડાસામાં આદર્શ કુમાર છાત્રાલય, લખપતમાં પી.એમ. લીંબાણી સ્કૂલ-દયાપર, ગાંધીધામમાં રમત-ગમત
સંકુલ, મુંદરામાં કોસ્ટગાર્ડ સ્ટેશન, ભચાઉમાં
પટેલ બોર્ડિંગ અને રાપરમાં સ્વામિનારાયણ ગુરુકુલ ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી
કરાશે. આ બેઠક દરમિયાન નાયબ જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા યુવા
વિકાસ અધિકારી, જિલ્લા યોગ સંયોજક અને યોગ બોર્ડના પ્રતિનિધિઓ
સહિત વિવિધ વિભાગોના સંબંધિત અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.