પેરિસ, તા. 17 : ફ્રાન્સના ઈવિયન-લા-બેઈન્સ
ખાતે જી-7 શિખર મંત્રણા વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર
મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે બહુપ્રતિક્ષિત દ્વિપક્ષી બેઠક
યોજાઈ હતી. ટેરિફના પ્રહારો, હોર્મુઝમાં
ભારતીય જહાજો પર હુમલા અને મધ્ય-પૂર્વના યુદ્ધના માહોલ વચ્ચે યોજાયેલી આ મુલાકાતમાં
મોદીએ ભારતીય નાવિકોની સુરક્ષાનો મુદ્દો ઉઠાવ્યો હતો, તો ટ્રમ્પે
એક મોટાં નિવેદનમાં કહ્યું હતું કે, મોદીના વડાપ્રધાન પદના કાર્યકાળ
દરમ્યાન ભારત પર હુમલો થશે, તો અમેરિકા ભારત સાથે ઊભું રહેશે
ભલે ને અમારા વચ્ચે કોઈ લેખિત સમજૂતી થઈ ન હોય. દોઢ વર્ષ બાદ યોજાયેલી દ્વિપક્ષી બેઠક
દરમ્યાન મોદીએ કહ્યું હતું કે, ઈરાન સાથેની વોશિંગ્ટનની સૂચિત
શાંતિ સમજૂતીમાં નાવિકોની સુરક્ષાની જોગવાઈ હોવી જોઈએ. દ્વિપક્ષીય બેઠકમાં ટ્રમ્પે
ભારત અને અમેરિકાની વેપારસંધિ બહુ જલ્દી સાકાર થશે તેવી ધરપત આપવા સાથે ભારતનો પ્રવાસ
કરવાની ઈચ્છા પણ પ્રગટ કરી હતી. જી-7 શિખર બેઠક અંગે ટ્રમ્પે કહ્યું કે, તેમની અનેક નેતાઓ સાથે સકારાત્મક વાતચીત થઈ
છે, જેમાં પીએમ મોદી પણ સામેલ છે. દ્વિપક્ષીય બેઠકમાં ટ્રમ્પે
કહ્યું હતું કે, જો ભારત ઉપર ક્યારેય હુમલો થશે તો કોઈ સમજૂતી
હોય કે ન હોય, તેમ છતાં અમેરિકા ભારતની સાથે ઊભું રહેશે. `હું છું ત્યાં સુધી વ્હાઈટ હાઉસમાં ભારતનો
પાકો મિત્ર બેઠો છે.' આ ઉપરાંત તેમણે
કહ્યું હતું કે, મોદી આમ શાંત છે, પણ પોતાની
શરતો મનાવવા માટે કડક છે. જ્યાં સુધી મોદી હશે ત્યાં સુધી દુનિયામાં ભારતની મોટી ભૂમિકા
રહેવાનું નિશ્ચિત છે. મોદી સાથેની વાટાઘાટો વિશે ટ્રમ્પે કહ્યું હતું કે, જી-7માં ઘણી સારી
બેઠકો થઈ અને તેમાં પણ ખાસ કરીને મોદી સાથે સારી વાતચીત થઈ છે. અમેરિકા અને ભારત વેપારસંધિ
કરી રહ્યાં છે. ભારત અને અમેરિકા વચ્ચે ઘણું
ચાલી રહ્યું છે. વડાપ્રધાન મોદી લાંબા સમયથી મારા મિત્ર રહ્યા છે અને અમારા
સંબંધો સારા છે. ભારતીય નાવિકોનાં મૃત્યુ મુદ્દે દુ:ખ વ્યક્ત કરતાં ટ્રમ્પે કહ્યું
હતું કે, આ વિશે તેમને જાણકારી મળી છે અને આનાં ઉપર કામ
ચાલી રહ્યું છે. હોર્મુઝ સ્ટ્રેટમાં અમેરિકાના હુમલામાં માર્યા ગયેલા ત્રણ ભારતીય ખલાસી
અંગે રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું હતું કે, `મેં આ વિશે સાંભળ્યું છે. તે ખૂબ મુશ્કેલ વ્યવસાય છે. અમે આ
બાબતે કામ કરી રહ્યા છીએઁ.' દરમ્યાન વડાપ્રધાન
નરેન્દ્ર મોદીએ ટ્રમ્પ સાથે સંયુક્ત પત્રકાર પરિષદ દરમિયાન હોર્મુઝ સ્ટ્રેટમાં ભારતીય
ખલાસીઓની સલામતીનો મુદ્દો ઉઠાવ્યો હતો અને ભાર મૂક્યો હતો કે, ત્યાં તૈનાત લાખો ભારતીય ખલાસીઓની સલામતી ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. તેમણે આશા
વ્યક્ત કરી હતી કે, યુનાઈટેડ સ્ટેટ્સ અને ઈરાન વચ્ચે પ્રસ્તાવિત
શાંતિ કરારમાં ખલાસીઓની સલામતીના મુદ્દાને પણ આવરી લેવાશે. મોદીએ કહ્યું હતું કે,
`હું રાષ્ટ્રપતિ ટ્રમ્પના શાંતિ કરારને આગળ
વધારવા માટેનાં પગલાંની પ્રશંસા કરું છું. તેમનો ઉદ્દેશ પશ્ચિમ એશિયામાં લાંબા ગાળાની
શાંતિ અને સ્થિરતા સ્થાપિત કરવાનો છે. મને વિશ્વાસ છે, કરારના અમલીકરણ દરમિયાન નાવિકોની સલામતીના મુદ્દાને
સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવશે.' - મોદી દેખાય ફરિશ્તા જેવા...
પણ ખૂબ સખત નેતા છે : ટ્રમ્પ : નવી દિલ્હી, તા. 17 : જી-7 દરમિયાન પીએમ
મોદી સાથેની બેઠકમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મોદીની પ્રશંસા કરી હતી અને
કહ્યું હતું કે, મોદી કુશળ વાટાઘાટકાર છે.
તેઓ દેખાવમાં સુંદર છે, એટલા સારા દેખાય છે કે, જાણે કોઈ ફરિશ્તા છે, જો કે, અસલમાં
તેઓ એટલા જ કડક છે, તેટલા જ ખતરનાક પણ છે. આવા ખૂબ ઓછા માણસો
હોય છે, એ તમને ચેંકાવી દે છે. લોકો એમને સારા માનવી કહે છે,
પણ હું કહી શકું તેઓ ખૂબ સખત છે. મજબૂત ટ્રેડર અને ભારતના લોકોને બેહદ
પ્રેમ કરે છે. - ફ્રાન્સમાં વિશ્વનેતાઓ સાથે પીએમ મોદીની દ્વિપક્ષી બેઠક : નવી દિલ્હી, તા. 17 : ફ્રાન્સમાં આયોજિત જી-7 શિખર સંમેલન દરમ્યાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાના રાષ્ટ્રપતિ
ડોનાલ્ડ ટ્રમ્પ ઉપરાંત કેનેડાના વડાપ્રધાન સહિત અનેક રાષ્ટ્ર નેતાઓ સાથે દ્વિપક્ષીય
વાતચીત કરી હતી. ફ્રાન્સમાં પીએમ મોદીએ યુરોપીયન આયોગના અધ્યક્ષ ઉર્સુલા ફોન ડેર લાયન
તથા યુરોપીય પરિષદના અધ્યક્ષ એન્તાનિયો કોસ્તા, કેનેડાના પીએમ માર્ક કાર્ની, બ્રિટનના વડાપ્રધાન સ્ટારમર,
જર્મનીના ચાન્સલર ફેડરિક મર્ઝ, યુએઈના રાષ્ટ્રપતિ
શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નહયાન સાથે દ્વિપક્ષીય વાટાઘાટ કરી વિવિધ મુદ્દાઓની ચર્ચા
કરી હતી.