ગાંધીધામ, તા. 17 : રાપર પોલીસ મથકે અપહરણ, બળાત્કારના પ્રકરણમાં પોલીસે રાજસ્થાન અજમેરના
એક કાજીની ધરપકડ કરી છે. તેણે સગીર વયની બાળકીનું ગેરકાયદે ધર્મ પરિવર્તન કરાવી લગ્ન
કરાવ્યા હતા. પકડાયેલા આ શખ્સના 19 જૂન સુધીના રિમાન્ડ મંજૂર થયા હતા. રાપર પોલીસ મથકે ગત તા. 12/6ના જાહિન અબ્દુલ ચૌહાણ સામે
ગુનો નોંધાયો હતો. તેણે કિશોરીને લગ્નની લાલચ આપી અપહરણ કરી તેની સાથે વારંવાર શરીર
સંબંધ બાંધી, મારઝૂડ કરી હતી અને ધમકીઓ
આપી હતી. આ શખ્સની પોલીસે ધરપકડ કરી રિમાન્ડ મેળવી વધુ પૂછપરછ હાથ ધરી હતી,
જેમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. આ શખ્સ કિશોરીને રાજસ્થાનના અજમેર
લઇ ગયો હતો, જ્યાં ખ્વાજાસાહેબ દરગાહના ઇમામ, કાજી મોહમ્મદ રમજાન જાનમહોમદે આ સગીરાને ગેરકાયદેસર રીતે ઇસ્લામ કબૂલ કરાવ્યો
હતો અને બાદમાં જાહિન સાથે તેના લગ્ન કરાવી ધર્મ પરિવર્તન કરાવ્યું હતું. બનાવની ગંભીરતા
જોતાં રાપર પોલીસની ટીમ અજમેર દોડી ગઇ હતી અને આ કાજી મોહમદ રમજાનને પકડી પાડયો હતો.
તેને કોર્ટમાં રજૂ કરાતાં તેના 19 જૂન સુધીના રિમાન્ડ મંજૂર થયા હતા. આ પ્રકરણમાં પોલીસે ગુજરાત
ધર્મ સ્વાતંત્ર્ય સુધારા અધિનિયમ 2021ની કલમ 4(ક), બાળલગ્ન પ્રતિબંધક અધિનિયમ 2006ની કલમો તથા પોકસોની કલમ 17નો ઉમેરો કર્યો હતો. આ કાર્યવાહીમાં પી.આઇ.
આર.એલ. ખટાણા, પી.એસ.આઇ. બી.એ. ઝા,
એચ.વી. કાતરિયા વગેરે જોડાયા હતા.