• ગુરુવાર, 18 જૂન, 2026

આરટીઓમાં સર્વર ઠપથી વ્યાપક હાલાકી

ભુજ, તા. 17 : અહીંની આરટીઓ સહિત કચ્છ અને રાજ્યભરની માર્ગ પરિવહન અધિકારીની કચેરીઓમાં છેલ્લા થોડા દિવસથી સર્વર ઠપ થવાથી લાયસન્સ અને અન્ય કામગીરીઓના અરજદારોને વ્યાપક હાલાકી વેઠવી પડી હોવાની ફરિયાદ ઊઠી હતી. દરમ્યાન, રાષ્ટ્રીય સમાચાર એજન્સીઓમાં સર્વર ઠપ થવા પાછળ સંદિગ્ધ પાકિસ્તાન અને ચીની હેકર્સ દ્વારા એનઆઈસી સંચાલિત સારથિ પોર્ટલને હેક કરવાનો પ્રયાસ હોવાનું સામે આવતાં બનાવની ગંભીરતા વધી જાય છે. બીજી તરફ, ભુજ આરટીઓના સત્તાવાર વર્તુળો અનુસાર લાયસન્સ અને તેને લગતી કામગીરી બંધ કરવામાં આવી નથી, પરંતુ સર્વર ચાલુ-બંધની સ્થિતિમાં હોવાથી કામ એકદમ ધીમી ગતિએ થઈ રહ્યું છે. રાજ્યમાં ગુજરાત એસટી દ્વારા કંડક્ટર ભરતી વચ્ચે કચ્છમાં પણ આરટીઓ કચેરીમાં અરજદારોની ભીડ વચ્ચે સર્વર ઠપની ઘટનાએ અરજદારોની હાલાકીમાં વધારો કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, આરટીઓમાં લાયસન્સ તથા અન્ય સંબંધિત કામગીરી ચાલે છે તે એનઆઈસી સંચાલિત `સારથિ' પોર્ટલને હેક કરવાનો પ્રયાસ કરાયો તેની સીધી અસર રૂપે કચ્છમાં પણ આરટીઓનું સર્વર આજે પણ પ્રભાવિત રહ્યું હતું અને કામગીરી એકદમ મંદગતિએ થતાં લોકોને હાલાકીનો સામનો કરવો પડયો હતો. એનઆઈસીએ લાયસન્સ સહિતનો ડેટા સુરક્ષિત હોવાનો દાવો કર્યો હતો.જાણવા મળ્યા મુજબ જેમાં ડ્રાઈવિંગ લાયસન્સ અને આરટીઓની સેવાઓ મળે છે તે સારથિ પોર્ટલમાં ટેકનિકલ સમસ્યાઓ સજાર્યા બાદ આરટીઓમાં લાયસન્સ કામગીરી ઠપ થઈ ગઈ હતી. કંડક્ટરની ભરતી વચ્ચે લાયસન્સ માટે લાંબી કતારો સર્જાતાં અરજદારોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યાની ફરિયાદ ઊઠી હતી. દરમ્યાન, નવી દિલ્હીથી એજન્સીના અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે, એનઆઈસીના એક અધિકારી અનુસાર પાકિસ્તાન અને ચીન તરફથી હેકિંગના પ્રયાસ બાદ સુરક્ષા માટે પોર્ટલ થોડા સમય માટે બંધ કરવામાં આવ્યું હતું બાદમાં, પોર્ટલ ફરી ચાલુ કરવામાં આવ્યું, પરંતુ સર્વર પર લોડ વધી જતાં તે ધીમું ચાલતું હતું. અધિકારીઓએ જણાવ્યું હતું કે, હેકિંગનો પ્રયાસ નિષ્ફળ બનાવાયો છે અને તમામ ડેટા સલામત છે. 

Panchang

dd