ભુજ, તા. 17 : સાંપ્રત સમયમાં વાંચનનું મહત્ત્વ
ઘટતું જાય છે, એવી ફરિયાદમાં સત્યતાપણું
ઓછું છે. હકીકતમાં વાંચનનું સ્વરૂપ બદલાયું છે. દરેક પેઢી પોતાને અનુકૂળ માધ્યમથી વાંચન
તો કરે જ છે. આજે ભુજ ખાતે કતિરા પાર્ટી પ્લોટ ખાતે વિવેકાનંદ રિસર્ચ ઇન્સ્ટિટયૂટ દ્વારા
કચ્છમિત્રના મીડિયા પાર્ટનર તરીકેના સહયોગથી યોજાયેલા એકસોમા પુસ્તક મેળાને ખુલ્લો
મૂકતાં ઉપસ્થિત મહાનુભાવોએ આ મુજબના ઉદ્ગારો વ્યક્ત કર્યા હતા. સમારોહના અધ્યક્ષ કચ્છ
યુનિવર્સિટીના કુલપતિ ડો. મોહનભાઇ પટેલે વાંચન દ્વારા વ્યક્તિત્વનો વિકાસ થતો હોવાનું
જણાવી પુસ્તકો માનવીનાં જીવનમાં ખોરાક જેટલું જ મહત્ત્વ ધરાવતાં હોવાનું પોતાનું મંતવ્ય
વ્યક્ત કર્યું હતું. કચ્છના જનપ્રિય અખબાર કચ્છમિત્રના તંત્રી દીપકભાઇ માંકડે અતિથિવિશેષ
પદેથી સમગ્ર આયોજનને આવકારતાં સૃજન, વીઆરટીઆઇ, એલએલડીસી સહિતની સંસ્થાઓની પ્રવૃત્તિ બિરદાવી હતી. કચ્છના દુષ્કાળ,
ધરતીકંપ સમયે કાંતિસેન શ્રોફ, ચંદાબેન શ્રોફે આદરેલાં
અભિયાનને યાદ કર્યું હતું. અતિથિવિશેષ નિવાસી
નાયબ કલેક્ટર પાર્થ કોટડિયાએ આજના સમયમાં કોઇ સંસ્થા એકસો પુસ્તક મેળા પૂર્ણ કરે એ
મહત્ત્વની ઘટના લેખાવી આ ક્ષણને ઐતિહાસિક પળ ગણાવતાં યુવાનો વધુ ને વધુ વાંચન કરે એવો
અનુરોધ કર્યો હતો. જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયા અનિવાર્ય સંજોગો સબબ ઉપસ્થિત ન રહી
શકતાં શુભેચ્છા પાઠવી હતી. કચ્છી સર્જક અને મોરબીના જિલ્લા શિક્ષણાધિકારી કમલેશ મોતાએ વાંચનથી વ્યક્તિને નવી દૃષ્ટિ મળતી હોવાનું કહેતાં
વાંચે એ વિચારે અને વિચારમાંથી વ્યક્તિ વિકાસ કરી શકતી હોવાનું જણાવ્યું હતું. કાકુભાઇ
રંગવાલા મેમોરિયલ ટ્રસ્ટના ટ્રસ્ટી અને અગ્રણી અજિત માનસતાએ પુસ્તક મેળાના જ્ઞાનયજ્ઞને
આવકાર આપતાં આપણો વારસો અને સંસ્કૃતિનું જતન આ પ્રકારના જ્ઞાનયજ્ઞોથી થઇ શકશે એવો મત
વ્યક્ત કર્યો હતો. એલએલડીસીના અમીબેન શ્રોફે પોતાના પ્રસંગોચિત વક્તવ્યમાં યુવાનોને
પુસ્તકના પ્રેમમાં પડવા અનુરોધ કરતાં કવિભાઇને ધન્યવાદ પાઠવ્યા હતા. આ અગાઉ આવકાર આપતાં
વીઆરટીઆઇના પ્રકાશન અધિકારી ગોરધનભાઇ પટેલે પુસ્તક મેળા અંગે વિગતો આપતાં જણાવ્યું
હતું કે, પુસ્તક મેળામાં ગુજરાતના અઢાર પ્રકાશકનાં 4000થી વધારે ટાઇટલનાં પુસ્તકો
મૂકવામાં આવ્યાં છે. એમણે પુસ્તક મેળામાં કચ્છમિત્રના સહયોગથી પુસ્તક મેળાનું ગૌરવ
વધ્યું હોવાનું જણાવ્યું હતું. આ અવસરે વીઆરટીઆઇ દ્વારા યોજાયેલા એકસો પુસ્તક મેળામાં
સહયોગી બનનાર સંસ્થાઓના ઉપસ્થિત પ્રતિનિધિઓનું
વિશેષ સન્માન કરાયું હતું, તો આ એકસોમા
મેળાની વિગતો આપતાં પુસ્તકનું વિમોચન મંચસ્થ મહાનુભાવોના હાથે કરાયું હતું. આ પ્રસંગે
આયોજક ગોરધનભાઇ પટેલનું પણ વિશેષ સન્માન સંસ્થાઓ દ્વારા કરાયું હતું. કચ્છમિત્રના વ્યવસ્થાપક
મુકેશભાઇ ધોળકિયા તથા વીઆરટીઆઇના સીઇઓ વિનય ઐયર મંચસ્થ રહ્યા હતા. આભારવિધિ રમેશભાઇ
ગોરે કરી હતી. આયોજનમાં કપિલ ગોર, હેમાંગ જોશી, આશુતોષ માંકડ, રમેશભાઇ
નંદા તથા શેંઢાભાઇનો સહયોગ મળ્યો હતો. કુલપતિ મોહનભાઇ પટેલ અને જોરાવરસિંહ રાઠોડે દશ-દશ
હજારનાં પુસ્તક ભેટ આપવાની જાહેરાત કરી હતી. આ અવસરે પૂર્વ ધારાસભ્ય મહેશભાઇ ઠક્કર,
જોરાવરસિંહ રાઠોડ, દિલીપભાઇ દેશમુખ, જયંતી જોશી `શબાબ', હરેશ ધોળકિયા, ડો. કાંતિભાઇ
ગોર, ઝવેરીલાલ સોનેજી, ડો. દર્શનાબેન ધોળકિયા,
રમણીક સોમેશ્વર, પબુ ગઢવી, ગૌતમ જોશી, કાઉન્સિલર રાજેન્દ્રસિંહ જાડેજા, કચ્છમિત્ર પરિવારના ગિરીશભાઈ જોષી, લાલભાઇ રાંભિયા,
રસનિધિ અંતાણી, નિરૂપમ છાયા, કમલભાઇ ભટ્ટ, શાંતિલાલ વરૂ, હિતેશ
મકવાણા, દત્તુભાઇ ત્રિવેદી, જાગૃતિ વકીલ,
અખિલેશ અંતાણી, મુલેશ દોશી, ઉપેન્દ્રભાઇ ઉપાધ્યાય સહિત અગ્રણીઓ અને પુસ્તકપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા. - સંસ્થાઓ-શાળાઓ
માટે વિશેષ ભેટ : આ પુસ્તક
મેળામાંથી 50 ટકા ડિસ્કાઉન્ટ સાથે રૂા. 2500નાં પુસ્તકો ખરીદનાર સંસ્થાઓ, પુસ્તકાલયો, શાળા-કોલેજને
રૂા. 2000નાં વધારાનાં પુસ્તકો ભેટ અપાશે.
એટલે રૂા. 2500નાં પુસ્તક ખરીદનાર રૂા. 7000નાં પુસ્તકો મેળવી શકશે તથા
અન્ય તમામને પચાસ ટકા વળતરથી પુસ્તકો આપવામાં
આવશે એવી જાહેરાત પણ કવિભાઇએ કરી હતી. - પુસ્તક મેળાનો સમય : તા. 18 અને 19 જૂન સવારે 9થી 1 સાંજે 3થી 7.30 કતિરા પાર્ટી પ્લોટ