• ગુરુવાર, 18 જૂન, 2026

કેરા ખારી વીડી પાસે બળદિયાના દંપતી ઉપર જીવતો વાયર પડયો : આબાદ બચાવ

ભુજ, તા. 17 : કેરાથી મુંદરા જતા ખારી વીડી પાસે બુધવારે સવારે 11 કે.વી. જીવતો વાયર પડતાં બળદિયાના દંપતીને હોસ્પિટલ ખસેડાયા હતા. અસ્થિભંગ, સળગવા સહિતની ઇજાઓ થઇ હતી. દહીંસરા ફીડર હેઠળ આવતા કેરા સબ સ્ટેશન નજીક ખારી વીડી વિસ્તારમાં સવારે 7.45 કલાકે બળદિયાના લખમણ મૂરજી હીરાણી (ઉ.વ. 60) અને તેમના પત્ની રામબાઇ (ઉ.વ. 58) પોતાની ઇલેક્ટ્રિક બાઇકથી કપાયા વાડી જઇ રહ્યા હતા, ત્યારે અચાનક જીવતો વાયર પડતાં વિદ્યુત ઝટકો લાગ્યો હતો. રામબાઇને થાપામાં ફ્રેકચર થતાં દોઢ મહિનાનો ખાટલો આવ્યો હતો. પગમાં વાયર ઘસાતાં ચામડી સળગી ગઇ હતી. ચાલક લખમણભાઇને ઘૂંટણમાં ઇજા થઇ હતી. બાઇક ગતિમાં હોવાથી જીવતો વાયર સરકી ગયો હતો તેથી આબાદ બચાવ થયો હતો. ઘટનાની જાણ થતાં ખાનગી વાહનમાં ભુજની લેવા પટેલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. ભોગગ્રસ્તોના સંબંધી લક્ષ્મણભાઇ રાઘવાણીએ કચ્છમિત્રને જણાવ્યું કે, એક બાજુ વીજ કંપની તાર બદલવાની નોટિસો આપે છે અને મરંમત માટે અઢળક ખર્ચા કરે છે, બીજી બાજુ જીવતા વાયર પડે તો જીવનું જોખમ સર્જાય છે. ઘટનાની જાણ થતાં કેરા પાંચાડામાં વીજ કંપની સામે ભારે આક્રોશ ફેલાયો હતો. આ દંપતીને થયેલ નુકસાન માટે જવાબદાર કોણ ? તેવા પ્રશ્નો પૂછાઇ રહ્યા છે. 11 કે.વી. જેવી ભારે લાઇન પડે તો મોત પણ થઇ શકે છે. આવી ઘટનાઓ માટે કંપનીએ જવાબદાર સામે શું પગલાં લીધાં તે જાહેર કરવું જોઇએ.  

Panchang

dd