ભુજ, તા. 13 : અમેરિકા-ઈરાન યુદ્ધના કારણે સર્જાયેલા વૈશ્વિક
સંકટની અસર તળે કચ્છમાં પણ ઈંધણની તંગીની સ્થિતિ
સર્જાઈ છે. ખાસ કરીને ડીઝલનો જથ્થો પૂરતા પ્રમાણમાં ન મળતો હોવાની રાડ વચ્ચે પુરવઠા
તંત્રે સંગ્રહખોરો પર લગામ કસવાની તૈયારી હાથ ધરી છે. ડીઝલનો જથ્થો આપવામાં ઓઈલ માર્કેટિંગ
કંપનીઓએ ક્વોટા પદ્ધતિ અમલી બનાવતાં આ સમસ્યા સર્જાયાનું સોમ આવ્યું છે. એકતરફ વડાપ્રધાને
વર્તમાન સ્થિતિને ધ્યાને લઈ પેટ્રોલ-ડીઝલનો વપરાશ ઘટાડવા લોકોને અપીલ કરી છે. બીજી
તરફ જરૂરિયાત અનુસારનો ડીઝલનો જથ્થો મળતો ન મળવાથી ખાસ કરીને વ્યવસાયી વર્ગને હાલાકી
વેઠવાનો વારો આવી રહ્યો છે. - મોટાભાગના
પંપો પર જથ્થો તળિયાઝાટક : કચ્છમાં પેટ્રોલ કરતાં ડીઝલની તંગી વધુ પ્રમાણમાં
ચિંતા સર્જી રહી છે. જિલ્લામાં હાલ છ ઓઈલ કંપનીના 346 પંપ પૈકી મોટા ભાગના પંપો પર ડીઝલનો પૂરતો જથ્થો
ઉપલબ્ધ ન હોવાના કારણે વાહનચાલકોને ભયંકર ગરમી
વચ્ચે કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવાનો વારો આવી રહ્યો છે. વળી કલાકો સુધી લાઈનમાં ઊભા
રહ્યા બાદ પણ અમુક ચોક્કસ રકમનું ડીઝલ આપવામાં આવે છે. - દૈનિક 25 લાખ લિટરની જરૂરિયાત : કચ્છમાં દૈનિક 2પ
લાખ જેટલી ડીઝલના જથ્થાની જરૂરિયાત છે, તે સામે હાલ છ મહિનાના વેચાણના આધારે ડીઝલના જથ્થાનો ક્વોટા
ફાળવવામાં આવતો હોવાથી સામાન્ય વાહનચાલકો, ટ્રાન્સપોર્ટરો તેમજ
વપરાશકર્તાઓને પૂરતો જથ્થો મળતો ન હોવાની રાડ દિવસે ને દિવસે વિસ્તરતી જોવા મળી રહી
છે. - માગણી અનુસારનો જથ્થો મળતો જ નથી : કચ્છમાં પંપ સંચાલકો દ્વારા જેટલા જથ્થાની માગણી
કરવામાં આવે છે તેટલો જથ્થો મળતો ન હોવાના કારણે સ્થિતિ થાળે પડવાના બદલે કથળતી જતી
જોવા મળી રહી છે. - સંગ્રહખોરો
સામે લગામ કસાશે : જિલ્લા પુરવઠા અધિકારી અર્શ હાશ્મીને પૂછતાં તેમણે
સંગ્રહખોરો સામે કડક હાથે કામ લેવાની વાત કરી હતી. પુરવઠા અધિકારીએ કહ્યું કે, ડીઝલની તંગી નથી, પણ ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ ફાળવણીની નીતિ બદલાવતાં આ પ્રશ્ન ઊભો થયો છે.