• ગુરુવાર, 14 મે, 2026

નવીનાળ ગૌચર જમીન કેસમાં સુપ્રીમે અરજી ફગાવી

મુંદરા, તા. 13 : કચ્છના મુંદરા તાલુકાના નવીનાળ ગામની ગૌચર જમીન કેસમાં થયેલી પરચૂરણ અરજી સુપ્રીમ કોર્ટ દ્વારા નકારવામાં આવી હતી. કોર્ટે નોંધ્યું કે, `અરજદારોનું આ વર્તન, સુપ્રીમ કોર્ટની સત્તાને પડકારવાનો અને પ્રક્રિયાનો દુરુપયોગ કરવાનો પ્રયાસ છે, તેથી આ એપ્લિકેશનને નકારવાની સાથે પ્રતીકાત્મક રીતે દરેક અરજદાર પર રૂા. 2000નો ખર્ચ લાદવામાં આવે છે. વધુમાં `સ્ટેટસ ક્વો' બાબતે કોર્ટે જણાવ્યું કે, મૂળ મુદ્દો રાજ્ય સરકાર દ્વારા યોગ્ય રીતે સાંભળ્યા વિના લીધેલા નિર્ણયને રદ કરવાનો હતો, જ્યારે રાજ્યને નવી રીતે નિર્ણય લેવાનું કહેવામાં આવ્યું હતું, ત્યારે જમીન વિશે યથાવત સ્થિતિ જાળવવાનો પ્રશ્ન સ્વાભાવિક રીતે ઉદ્ભવતો નહોતો. ન્યાયાધીશ જે.કે. મહેશ્વરી અને અતુલ એસ. ચાંદુરકરની બેન્ચે 12 મેના આપેલા આદેશમાં કેટલાક પ્રતિવાદીઓ દ્વારા દાખલ કરાયેલી અરજીને ફગાવી દીધી હતી અને ઠરાવ્યું કે, અરજી `કાયદામાં જાળવવા યોગ્ય નથી' અને `કોર્ટના આદેશને ફરીથી લખવાનો પ્રયાસ' સમાન છે. કેસની વિગત મુજબ, અદાણી પોર્ટસ એન્ડ એસઇઝેડ લિ. કંપનીને ગુજરાત સરકાર દ્વારા નવીનાળમાં જમીન ફાળવવામાં આવી, જેના આશરે છ વર્ષ બાદ, ગૌચર જમીનની પુન: પ્રાપ્તિ માટે ગુજરાત હાઈકોર્ટમાં જાહેર હિત અરજી (પી.આઈ.એલ.) દાખલ કરવામાં આવી, ત્યારબાદ તા. 4-7-2024ના રાજ્યના રેવેન્યૂ વિભાગે આશરે 108 હેક્ટર જમીન અરજદાર પાસેથી પાછી લેવા અંગેનો આદેશ કર્યો, જે કંપનીને કોઈ સાંભળવાની તક આપ્યા વગર પસાર કરવામાં આવ્યો હતો. જે અંતર્ગત તા. 5-7-2024 ના ગુજરાત હાઈકોર્ટે રીટ પિટિશન (પીઆઈએલ) નં. 17-2011માં કાયદા અનુસાર જમીન પુન:પ્રાપ્તિ પ્રક્રિયા પૂર્ણ કરવા માટે દિશાનિર્દેશ આપ્યા, જે નિર્ણયની સામે અદાણી કંપની દ્વારા સુપ્રીમ કોર્ટમાં (એલ.એલ.પી.) દાખલ કરવામાં આવી હતી, જેમાં ગુજરાત હાઈકોર્ટના તા. 5-7-2024ના આદેશને પડકારવામાં આવ્યો હતો, ત્યારબાદ તા. 10-7-2024ના સુપ્રીમ કોર્ટે અદાણી પોર્ટસ દ્વારા દાખલ એસ.એલ.પી. પર નોટિસ જારી કરી અને હાઈકોર્ટના તા. 5- 7-2024ના આદેશના અમલ પર સ્ટે આપ્યો હતો. ત્યારબાદ તા. 27-1-2026ના, બંને પક્ષને સાંભળ્યા બાદ, સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારનો તા. 4-7-2024નો જમીન પુન:પ્રાપ્તિ આદેશ અને પી.આઈ.એલ.  રદ્દબાતલ કર્યા હતા અને સુપ્રીમ કોર્ટે કેસ પાછો રાજ્ય સરકાર પાસે મોકલી આપ્યો અને રાજ્ય સરકારને પીઆઈએલ અરજદારો દ્વારા બે અઠવાડિયામાં રજૂ થનાર વાંધાઓ પર વિચાર કરીને તમામ પક્ષોને સાંભળવાની તક આપી નવો આદેશ પસાર કરવા જણાવ્યું હતું. હાલમાં દાખલ થયેલ મિસેલેનિયસ એપ્લિકેશન મૂળ અરજદારો (જે ગુજરાત હાઈકોર્ટની પી.આઈ.એલ. નં. 17-2011ના અરજદારો હતા) દ્વારા દાખલ કરવામાં આવી હતી, જેમાં તા. 27-1-2026ના સુપ્રીમ કોર્ટના આદેશ અંગે સ્પષ્ટતા માગવામાં આવી હતી. 

Panchang

dd