મુન્દ્રા, તા. 13 : એકબાજુ વિકાસની વાતો થાય અને ગરીબ લોકોને આરોગ્ય સુવિધાની જાહેરાતો
થાય છે, પણ મુન્દ્રા શહેરમાં જીઇબી કચેરી તરફ જતા રસ્તે આવતું એક પેટા આરોગ્ય કેન્દ્ર
બે તંત્ર વચ્ચે સંકલનનો અભાવ કહો કે, બેદરકારીના કારણે છેલ્લા લગભગ દાયકાથી બંધ હાલતમાં
પડ્યું છે અને કારણ એ છે કે, આરોગ્ય તંત્ર દ્વારા રૂ. એક લાખ નવ હજારનું વીજ બિલ પીજીવીસીએલને
નથી ચૂકવાયું અને માર્ચ- 2025ના જોડાણ
કટ કરી નાખવામાં આવ્યું ! , અંતે આરોગ્ય સેવા
છીનવાતાં ભોગવાનું આ વિસ્તારની ગરીબ પ્રજાને આવ્યું છે. મળતી સત્તાવાર જાણકારી મુજબ
છેલ્લે નવેમ્બર-2025ના મુન્દ્રા
પીજીવીસીએલ -1 સબ ડિવિઝને મુન્દ્રા તાલુકા આરોગ્ય અધિકારીને પત્ર લખીને જણાવ્યું
હતું કે, રૂ. 1, 09, 885નું બિલ ભરવાનું બાકી છે.
તા.18/3નાં જોડાણ કટ થયું છે. તા.9/9/14થી તા.11/3/24 સુધીના વીજ બિલો વાંકી ગામની
બિલ બુકમાં ગોઠવાયા હતા એટલે બિલો રિડીંગ જોયા વિના માટેભાગે ઝીરો યુનિટનાં બનેલા હતા.
તા. 4/5/24નાં રાડિંગ મુજબ બિલ બન્યું
અને 2014 થી 2024 સુધી સરખા ભાગ કરી બિલ બન્યું
છે. આ ગંભીર મામલો બહાર લઈ આવતાં પૂર્વ જિ. પં. સદસ્ય સલીમભાઈ જત અને નગરસેવક અને એડવોકેટ
ફારૂક સુમરાએ જણાવ્યું કે, આ વિસ્તારમાં ગરીબ વસ્તી રહે છે અને નાની-મોટી આરોગ્ય સેવા,
રસીકરણ હોય કે, ગર્ભવતી મહિલાઓ હોય તપાસ માટે દૂર સીએચસી જવું પડે છે. આ પેટા આરોગ્ય
કેન્દ્ર લગભગ છેલ્લા દસેક વર્ષથી ધૂળ ખાતું પડ્યું છે. તંત્રને તપાસ કરતાં જવાબ અપાયો કે, વીજ જોડાણ વિના કેમ સારવાર આપી શકીયે ? ! બન્નેએ
સવાલ ઉઠાવ્યો કે, બંને તંત્રોએ જાણે લોકોને બાનમાં લીધા છે. વીજળી બિલના રૂપિયા ન ભરાયા,
એમાં લોકોનો શું વાંક છે ? મગ્ર મકાન બિનઉપયોગી અને સરકારી નાણાનો વ્યય છે. જો આ મામલે
ત્વરિત પગલાં નહીં લેવાય તો મોટું લોક આંદોલન કરાશે. દરમ્યાન આ સંબંધે તાલુકા આરોગ્ય
ખાતાનો સંપર્ક કરતાં જણાવાયું કે, આરોગ્ય ખાતા પાસે બિલ જ નહોતું આવતું તો ભરીયે કેમ
? ઉલટું અમે સામેથી 2023માં વીજ તંત્રનો સંપર્ક કર્યો
કે બિલ કેમ નથી આપતા, તો ખબર પડી કે, વાંકી આરોગ્ય કેન્દ્રનું નામ ગ્રાહક તરીકે હતું
અને દસ વર્ષનું સાથે બિલ આપી દીધું હતું. હવે આ મામલે જિલ્લા કક્ષાએ મુદ્દો મૂકાયો
છે અને બિલ ભરીને કેન્દ્ર ફરી શરૂ કરવાનાં પ્રયાસ આદર્યો છે. બીજીતરફ, પીજીવીસીએલનો સંપર્ક કરતાં અધિકારીએ જણાવ્યું કે,
મામલો જૂનો છે અને નિયમોનુસાર ઉકેલનાં પ્રયાસો કરીશું. - આજે મુંદરાનો
સ્થાપના દિવસ ? : ઘણા વર્ષ પહેલાં કચ્છના પેરીસ ગણાતા મુંદરા નગરનો સ્થાપના દિન
કયો એ ચર્ચા છેડાઈ હતી. કચ્છમિત્રમાં એ સમયે
વરિષ્ઠ પત્રકાર અશ્વિનભાઈ ઝિંઝુવાડિયાની બાયલાઈન તળે ઇતિહાસકારોને ટાંકીને અહેવાલ પણ
પ્રસિદ્ધ થયો હતો કે, વૈશાખ વદ અગિયારસ અને અંગ્રેજી તારીખ પ્રમાણે 14મી મે એ શહેરનો સ્થાપના દિન શોધાયો છે.
ઝરપરાના ચારણી સાહિત્યકાર આશાનંદ ગઢવીએ પણ તપાસ બાદ એ વિશે અહેવાલમાં ઇતિહાસનો ઘટનાક્રમ
નોંધીને જણાવ્યું હતું કે, વિક્રમ સવંત 1688 વૈશાખ વદ અગિયારસના દિવસે વર્ધમાન શેઠ દ્વારા `મોનરા ભંધર'ની સ્થાપના થઈ હતી, જેનું
પાછળથી મુંદરા નામ થયું. જો કે, કોઈ કારણે
આ દિવસે સ્થાપના દિવસની ઉજવણીની પરંપરાની શરૂઆત નહોતી થઈ. બુધવાર કે ગુરુવારે પણ કોઈ
સંસ્થાકીય રીતે શહેરમાં આયોજન નથી નોંધાયું. જો કે, કચ્છમિત્રએ અને શહેરોના સ્થાપના
દિવસે શહેરના-શહેરીજનોના પ્રશ્નોને વાચા આપવા
જેમ બુધવારે જર્જરિત ઈમારતોનો પ્રશ્ન પ્રસિદ્ધ કર્યો અને ગુરુવારે વધુ સમસ્યાઓને ઉજાગર
કરીને મહદઅંશે સંભવિત આ સ્થાપના દિનની ઉજવણી કરી રહ્યું છે.