• ગુરુવાર, 14 મે, 2026

ભુજમાં નિવૃત્ત મહિલા પોલીસ સાથે થયેલા ફ્રોડમાં 46.95 લાખ પોલીસે પરત અપાવ્યા

ભુજ, તા. 13 : ડિજિટલ ઠગબાજોએ ચાર-પાંચ માસ પૂર્વે ભુજમાં નિવૃત્ત મહિલા પોલીસને ડિજિટલ એરેસ્ટ કરી ડરાવી વિવિધ ખાતાંમાંથી રૂા. 83,44,047 પડાવી લીધા હતા. આ ચકચારી કેસમાં સાયબર પોલીસે ઠગાઇમાંના રૂા. 46,95,917 પરત ખાતાંમાં મેળવી આપ્યા છે. ભુજની સાયબર ક્રાઇમ પોલીસે જાહેર કરેલી વિગતો મુજબ ફરિયાદી રાજલક્ષ્મી ચિદંબરમ જોશીએ 25/1/26ના ફરિયાદ નોંધાવી હતી. જેમાં બે માસ દરમ્યાન ઠગબાજોએ કોલાબા પોલીસ અને ટ્રાઇની ખોટી ઓળખ આપી તમારા નામના સિમકાર્ડ તથા મની લોન્ડરિંગનો કેસ હોવાનું જણાવી તેનાથી બચવાની લાલચ આપી, મદદરૂપ થવાનો ભરોસો આપી વીડિયો કોલથી ડિજિટલ એરેસ્ટ કરી બે માસ દરમ્યાન ફરિયાદીના વિવિધ બેન્ક ખાતાંઓમાંથી કુલ્લે રૂા. 83,44,047 પડાવી લીધા હતા. આ કેસમાં થાઇલેન્ડની બોર્ડર પર ત્યાંની પોલીસે દરોડો પાડતાં ત્યાં આ રીતે સેટઅપ તૈયાર કરી ડિજિટલ એરેસ્ટ થતું હોવાનું ષડયંત્ર ઝડપી પાડયું હતું અને છાનબીનમાં ભુજના રાજલક્ષ્મી હાલે સપડાવ્યાની વિગતો ભુજની સાયબર પોલીસ સુધી પહોંચતાં પોલીસ ફરિયાદી રાજલક્ષ્મીબેનના ઘરે જઇ ડિજિટલ એરેસ્ટમાંથી છોડાવી તેમની સાથે ફ્રોડ થયાનું જણાવ્યું હતું, પરંતુ બે માસ દરમ્યાન ઠગબાજોએ રૂા. 83,44,047 પડાવી લીધા હતા. આ ચકચારી કેસમાં ભુજની સાયબર ક્રાઇમ પોલીસે ફરિયાદીને મદદરૂપ થઇ ટેકનિકલ એનાલિસીસના આધારે ઓનલાઇન ફ્રોડમાં ગયેલા રૂપિયા પૈકી રૂા. 46,95,917 પરત તેમના ખાતાંમાં અપાવ્યા છે અને આ કેસમાં તપાસ ચાલુ છે. આ સફળ કામગીરી પીઆઇ કે. એમ. રાઠોડ અને પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવી છે. 

Panchang

dd