કોટડા (ચ.) (તા. ભુજ), તા.
13 : ભુજ તાલુકાના કોટડા ચકાર
ગામમાં આવેલો કોમ્યુનિટી હોલ, જે એક સમય ગામના સામાજિક અને જાહેર કાર્યક્રમોનું મુખ્ય
કેન્દ્ર ગણાતો હતો, તે આજે બિનઉપયોગી બની જતાં હાલત દિવસે ને દિવસે ખરાબ બની રહી છે.
થોડા સમય પહેલાં તંત્ર દ્વારા આ કોમ્યુનિટી હોલને પોલીસ સ્ટેશન તરીકે રૂપાંતરિત કરાયું
હતું અને નવા રંગરોગાન સાથે તેને તૈયાર કરવામાં આવ્યો હતો, પરંતુ સમય જતાં અહીં કોઈ
કામગીરી શરૂ ન થતાં હાલ આ ઇમારત અવ્યવસ્થાનો ભોગ બની રહી છે. સ્થાનિક જાગૃત નાગરિકોના
જણાવ્યા મુજબ, જો આ ઇમારતનો ઉપયોગ પોલીસ સ્ટેશન તરીકે થતો ન હોય તો તેને ફરીથી કોમ્યુનિટી
હોલ તરીકે જાહેર કરવામાં આવે તેવી માંગ ઊઠી રહી છે. ગામના મધ્યમ અને ગરીબ વર્ગના લોકો
માટે આવા હોલો ખૂબ ઉપયોગી સાબિત થાય છે, કારણ કે, મોંઘવારીના સમયમાં લગ્ન પ્રસંગો,
સામાજિક કાર્યક્રમો, બેઠકો અને અન્ય પ્રસંગો માટે અલગથી ખર્ચાળ વ્યવસ્થા કરવી મુશ્કેલ
બની રહે છે. સમયની માંગ મુજબ તંત્ર દ્વારા આ બાબતે ગંભીરતાથી વિચારણા કરી યોગ્ય નિર્ણય
લેવામાં આવે અને બિનઉપયોગી પડેલી આ ઇમારતને ફરીથી લોકોના ઉપયોગમાં મૂકવામાં આવે તેવી
માંગ ઊઠી છે.