નખત્રાણા, તા. 13 : તાલુકાનો ભૂખી ડેમ તંત્રનાં
સંકલનના અભાવે તથા ખેડૂતોમાં આપસના વિવાદના કારણે સિંચાઇ ઠપ થતાં ખેતપેદાશોને મોટો
ફટકો પડયો હતો તથા પરિસ્થિતિ થાળે પાળવામાં નહીં આવે તો આવતા ચોમાસે નવું પાણી ભરાતાં
ડેમને નુકસાન થવાની ભીતિ સર્જાઇ છે. તાલુકા મથકથી 12 કિ.મી. અંતરે દેવીસર ગામ પાસે આવેલા મધ્યમ સિંચાઇ યોજનાના ભૂખી
ડેમમાં ગત ચોમાસે ભરાયેલાં પાણીનો જથ્થો સિંચાઇ બંધ રહેતાં અકબંધ પડયો છે. ખેતપેદાશો
ન થવાનાં કારણે ખેડૂતોને આર્થિક નુકસાન ભોગવવું પડયું હતું. ભૂખી મધ્યમ સિંચાઇ યોજના,
કચ્છ સિંચાઇ વર્તુળ-ભુજ હસ્તકના ક્ષાર અંકુશ વિભાગ હસ્તકના નખત્રાણા પેટા વિભાગ હસ્તકનો
15.58 મિલિયન પાણીની સંગ્રહશક્તિ
ધરાવતો ભૂખી ડેમ 100 ટકા ભરાય
તો 1672 હેક્ટર ખેતીની જમીન પિયત
થાય છે. જેની વંગ, ડાડોર, ગોધિયાર ગામો-વિસ્તારના ખેડૂતોને લાભ મળે છે. ગત ચોમાસામાં
75 ટકા ભરાયેલા ડેમમાં સિંચાઇ માટેની કેનાલમાં માટી-ઝાડી, કચરો ભરાઇ જતાં સિંચાઇ
માટેના પાણીનો નિકાલ થઇ ન શકતાં ખેતી બંધ પડી હતી. ડેમના પાણીના સિંચાઇ બટવારા માટે
વંગ, ડાડોર, ગોધિયાર ચાર ગામોની મંડળીના નિયુક્ત પ્રમુખો પૈકી વંગ મંડળીના પ્રમુખ મોહનભાઇ
આહીરના જણાવ્યા મુજબ ડેમની બંધ પડેલી કેનાલની સફાઇ-મરંમત કરવા એક્ઝિક્યુટિવ એન્જિનીયર
સાગર ચૂડાસમા, ડેપ્યુટી એન્જિનીયર સાગર ચૌહાણ તથા એ.આઇ. સોનુકુમાર સિંઘ સમક્ષ વારંવાર
રજૂઆતો કરવા છતાં કાર્યવાહીના અભાવે સમસ્યા સર્જાઇ છે. ડેમનાં પાણી સિંચાઇ માટેની વ્યવસ્થામાં
ઊંચા-નીચા ખેતીના ઠામોને ધ્યાને લેતાં ક્યાંક અપૂરતા પ્રમાણમાં પાણી પહોંચે છે. તો
ક્યાંક પિયત પાણી વેડફાઇ જતાં ખેડૂતોમાં પાણીની વહેંચણી સંદર્ભે વિવાદના કારણે દિવાળી
પછી સિંચાઇ માટે વિતરણ કરાતાં પાણીનું વિતરણ બંધ રહેતાં આ વિસ્તારની 1700 જેટલી જમીનની ખેતપેદાશને
નુકસાની થઇ છે. આ અંગે ભૂખી મધ્યમ સિંચાઇ યોજનાના આસિ. એન્જિનીયર હિરેન ઠક્કરના જણાવ્યા
મુજબ પાણીના બટવારા પ્રશ્ને સમાધાન માટે ત્રણેય મંડળીઓના પ્રમુખ-ખેડૂતો સાથેની બેઠક
યોજાઇ હતી. જેમાં કોઇ ઉકેલ ન આવ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. દેવીસરના વેપારી
અશ્વિનભાઇ આઇયાના જણાવ્યા મુજબ પાણી વિતરણ માટે સરકારી ઓપરેટર કર્મચારીને જવાબદારી
સોંપવાથી યોગ્ય વિતરણ વ્યવસ્થા તથા ખેતપેદાશોમાં વૃદ્ધિ થશે. ફરી ચોમાસાના દિવસો નજીક
આવી રહ્યા છે ત્યારે ડેમની કેનાલ-નાલીની સફાઇ,
ઓગન વિ.નું મરંમત કાર્ય તંત્ર દ્વારા તાત્કાલિક કરવા તથા નખત્રાણા શહેરની પૂર્વ તરફની
ગટરલાઇનનું પાણી દેવસર તરફથી નદીમાં થઇ દેવસર ડેમમાં અને ડેમ ઓગનતાં ભૂખી ડેમમાં આવતાં
દેવસર-ભૂખી ડેમમાં દૂષિત પાણી ભરાતું હોવાથી નગરપાલિકા દ્વારા દૂષિત પાણી અન્યત્ર વાળવા પગલાં લેવા માંગ ઊઠી હતી.