• ગુરુવાર, 14 મે, 2026

કંડલા પોર્ટમાં પારો ઊંચકાઇ 43 ડિગ્રીએ પહોંચ્યો

ભુજ, તા. 13 : કચ્છમાં બે દિવસ માટે જારી કરાયેલા ઓરેન્જ એલર્ટ વચ્ચે દરિયાકાંઠા વિસ્તારમાં ગરમીનું પ્રમાણ વધ્યું હતું. કંડલા પોર્ટમાં પારો ચાર ડિગ્રી ઊંચકાઇ 43 ડિગ્રીએ પહોંચતાં વર્તમાન ઉનાળાની સિઝનનો સૌથી ગરમ દિવસ અનુભવાયો હતો. અંજાર-ગાંધીધામને આવરી લેતા કંડલા (એ.)માં મહત્તમ પારો સતત બીજા દિવસે 43 ડિગ્રીના આંકે સ્થિર રહેતાં તાપની આકરી આણ યથાવત્ રહી હતી. ભીષણ ગરમીનાં કારણે મધ્યાહ્નકાળે લોકો ઘરમાં જ પુરાયેલા રહ્યા હતા. જિલ્લામથક ભુજમાં પવનની ઝડપ વધીને પ્રતિકલાક 12થી 15 કિ.મી.એ પહોંચતાં મહત્તમ પારો 2-2 ડિગ્રી ગગડીને 39.8 ડિગ્રીએ પહોંચતાં પ્રખર તાપમાં મામૂલી રાહત મળી હતી. હવામાન વિભાગે હજુ બે દિવસ જિલ્લામાં ગરમીનું જોર યથાવત્ રહેશે તેવી આગાહી કરી ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે. લઘુતમ પારો ઊંચકાઇ તમામ મથકોમાં 27થી 28 ડિગ્રીએ પહોંચતાં રાત્રિના સમયે અસહ્ય ઉકળાટથી જનજીવન પરસેવે રેબઝેબ થયું હતું. હવામાન વિભાગે બે દિવસ બાદ ગરમીનું જોર થોડું નરમ પડે તેવી સંભાવના દેખાડી છે. 

Panchang

dd