ગાંધીધામ, તા. 12 : ગાંધીધામ છેલ્લા ત્રણ દિવસથી 45 ડિગ્રીથી વધુ તાપમાન સાથે રાજ્યનું ગરમ શહેર
બની રહ્યું છે. આ વચ્ચે ગાંધીધામ-આદિપુરની મધ્યમાં ઘટતાં જતાં ગ્રીન કવરની વચ્ચે વૃક્ષોનો
સોથ વળવામાં આવ્યો હોવાનો બનાવ પ્રકાશમાં આવતાં પર્યાવરણ પ્રેમીઓમાં આક્રોશ ભભૂકી ઊઠયો છે.
ટાગોર રોડથી હીરાલાલ પારેખ સર્કલ તરફ જતા એરપોર્ટ રોડ ઉપર વીજલાઈનને નડતરરૂપ
વૃક્ષની ડાળીઓ કાપવાના બદલે પીજીવીસીએલના વહીવટી તંત્રે અડધાંથી વૃક્ષ જ કાપી નાખ્યા
હોવાનું બહાર આવ્યું છે. ગ્લોબલ વોર્મિંગની
સમસ્યાથી દુનિયાભરના દેશો ચિંતીત છે. આ ગંભીર સમસ્યાને ખાળવા માટે સમયાંતરે વિશ્વના
અલગ-અલગ દેશમાં ચિંતન કરવામાં આવે છે. ભારતમાં સમસ્યાથી નીપટવા માટે વૃક્ષારોપણ ઉપર
ભાર મૂકવામાં આવી રહ્યો છે. કેન્દ્ર સરકાર
અને રાજ્ય સરકાર દ્વારા વૃક્ષારોપણ માટે લોકોને અનુરોધ કરાય છે. સંસ્થાઓ કામગીરી પણ
કરી રહી છે. ગુજરાત સરકાર દ્વારા તો વન મહોત્સવ પણ ઊજવાય છે. તેવામાં સરકારના જ પીજીવીસીએલ
દ્વારા ગાંધીધામમાં એરપોર્ટ રોડ ઉપર વીજલાઈનને નડતરરૂપ વૃક્ષો કાપવાની ઘટના સામે આવી
છે. અહીં વર્ષો અગાઉ વન વિભાગ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. માવજત કરીને
વૃક્ષો ઉછેરવામાં આવ્યાં છે, એક વૃક્ષને મોટું કરતાં વર્ષો લાગી જાય છે, જ્યારે ખુદ સરકારનું જ તંત્ર તેને કાપવામાં જરા પણ વિચાર કરતું નથી. વીજલાઈનને
નડતરરૂપ વૃક્ષોની ડાળીઓના કારણે શોર્ટસર્કિટ સહિતની ઘટનાઓ બને છે, એટલે ડાળીઓ કાપવી જરૂરી છે, પરંતુ આ એરપોર્ટ રોડ ઉપર
પીજીવીસીએલના તંત્રે ઘણા અડધાં વૃક્ષો કાપી નાખ્યાં છે. તંત્ર વૃક્ષો વાવી શકતું નથી,
પરંતુ વૃક્ષોને કાપવામાં ક્ષણિક વિચાર કરવામાં આવતો નથી. ટાગોર રોડ ઉપર
પણ વ્યાપક વૃક્ષોને નુકસાન પહોંચ્યું છે, અહીં માર્ગની કામગીરી
દરમિયાન વૃક્ષોને નુકસાન થયું છે. ખરેખર વિકાસનાં નામે વૃક્ષો કાપવાથી ઘણી બધી સમસ્યાઓને
આમંત્રણ આપવા બરાબર છે. હાલના સમયે તાપમાન ઘણું ઊંચું છે, લોકો
વૃક્ષોનો છાંયડો શોધતા હોય છે તેવામાં મોટાં થયેલાં વૃક્ષોને અડધેથી ઉડાડી નાખવામાં
આવતાં આક્રોશ જોવા મળી રહ્યો છે.