• બુધવાર, 13 મે, 2026

ગાંધીધામ મહાનગરપાલિકાએ વરસાદી નાળાંની સફાઈ શરૂ કરાવી

ગાંધીધામ, તા. 12 : 15 જૂને સરકારી ચોપડા ઉપર ચોમાસાંની સિઝનનો પ્રારંભ થઈ જાય છે. પરંતુ હાલનાં વાતાવરણ ધ્યાને લઈને વરસાદ પડે તો મુશ્કેલીઓ ન સર્જાય તે માટે ગાંધીધામ મહાનગરપાલિકાના વહીવટી તંત્રએ ગત વર્ષે જે એજન્સીએ વરસાદી નાળાંની સફાઈ કરી હતી તેમની પાસેથી જ નાળાંની સફાઈ શરૂ કરાવવામાં આવી છે. વરસાદી નાળાં સફાઈ માટેની ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરી લેવામાં આવી છે. ટેન્ડર તંત્ર પાસે આવી ગયાં છે પરંતુ મહાનગરપાલિકાની ચૂંટણી પૂર્ણ થઈ છે એટલે હવે આ ટેન્ડર સ્ટેન્ડિંગ કમિટીમાં લઈ જવા જરૂરી છે, એટલા માટે હાલના સમયે સ્ટેન્ડિંગ કમિટીની રાહ જોવાઈ રહી છે. આ દરમિયાન ઓચિંતો વરસાદ પડે તો પાણી ભરાવા સહિતની મુશ્કેલીઓ સર્જાવાની ભીતિ છે, એટલા માટે મહાનગરપાલિકાના વહીવટી તંત્રએ ગત વર્ષે જે એજન્સીએ વરસાદી નાળાંની સફાઈ કરી હતી તેમની પાસેથી મુખ્ય વરસાદી નાળાંઓની સફાઈ શરૂ કરાવવામાં આવી છે. ગાંધીધામ - આદિપુર જોડિયા શહેરો અને 11 ગામ સહિત મહાનગરપાલિકાના લગભગ 188 ચોરસ કિલોમીટર વિસ્તારમાં 30થી વધુ વરસાદી નાળાઓ છે. આ ઉપરાંત નાનાં-મોટાં પાણી નિકાલનાં વહેણ છે, તમામની સફાઈ જરૂરી છે. મહાનગરપાલિકાની ટેન્ડર પ્રક્રિયા થઈ ગઈ છે પણ હવે સ્ટેન્ડિંગ કમિટીમાં તેની મંજૂરી જરૂરી છે. ચૂંટણી પૂરી થઈ છે, સત્તાધીશોની વરણી થઈ નથી અને એક પણ કમિટીની નિમણૂક કરવામાં આવી નથી. આગામી સમયમાં મેયર તથા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની નિમણૂક થાય તેવી સંભાવના છે.  હાલના સમયે આ ટેન્ડર પ્રક્રિયા માટે સ્ટેન્ડિંગ કમિટીની રાહ જોવાઈ રહી છે. આ દરમિયાન ગત વર્ષે જે એજન્સીએ વરસાદી નાળાંની સફાઈ કરી હતી તેમને પાસેથી અંદાજિત રનિંગ મીટરના 315 રૂપિયા લેખે સફાઈની કામગીરી કરાવવામાં આવી રહી છે. સ્ટેન્ડિંગ કમિટીની રચના પછી ટેન્ડરો ખોલીને જે તે સંબંધિત એજન્સીને કામ આપવામાં આવશે, તેવું નાયબ મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું હતું. - ગત વર્ષે નાળાં સફાઈ પાછળ 94.24 લાખ રૂપિયા ખર્ચાયા : ગત વર્ષે વરસાદી નાળાંની સફાઈ પાછળ 94,24,517 રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. એક રનિંગ મીટર સફાઈના 315 રૂપિયાનું ચૂકવણું કરવામાં આવ્યું હતું અને જે તે સમયે પણ કામગીરી અને ખર્ચ ઉપર અનેક સવાલો ઊભા થયા હતા. પાણી નિકાલના અભાવે જળબંબાકાર જેવી સ્થિતિ જોવા મળી હતી.  આ વર્ષે વરસાદી નાળાંની સફાઈમાં પૂરતી દેખરેખ રાખવામાં આવે તે જરૂરી છે. નગરપાલિકા હોય કે હાલની મહાનગરપાલિકા, રૂપિયા વ્યાપક ખર્ચાય છે તે મુજબની કામગીરી થતી ન હોવાના આક્ષેપો છે.   

Panchang

dd