• બુધવાર, 13 મે, 2026

મથલ ડેમનું બચેલું પાણી પશુઓ માટે અનામત

નખત્રાણા, તા. 12 : તાલુકાના મથલ ડેમનું જળસ્તર તળિયે પહોંચતાં હવે પશુઓને પીવા માટે તથા જળચર જીવો માટે અનામત રખાયું હતું. તાલુકાના દ્વિતીય ક્રમનો મધ્યમ સિંચાઈનો મથલ ડેમ ગત ચોમાસાંમાં શ્રીકાર વરસાદથી ઓગની જતાં ડેમ વિસ્તારની વાડી ખેતરોમાં સિંચાઈના પાણીથી ખેતીના પાક ઉગાડી ખેડૂતો સંતુષ્ટ થયા હતા. હવે તળિયે બચેલું પાણી સીમાડામાં વિચરતા પશુઓ, વન્ય પ્રાણી, જળચર જીવો માટે અનામત રખાયું હોવાનું ડેમના ઓપરેટર દિનેશ મારવાડાએ જણાવ્યું હતું. સન 1976માં કૃષિમંત્રી કેશુભાઈ પટેલના હસ્તે પૂર્વ ધારાસભ્ય ખીમજી નાગજી લીંબાણીની ઉપસ્થિતિમાં મથલ ડેમનું ખાતમુહૂર્ત કરાયું હતું. પાણી બટવારા સંદર્ભે વિવાદ થતાં ખેડૂતો દ્વારા ડેમનો વહીવટ સંભાળવા મથલ જળાશય યોજના સંઘની રચના કરાઈ હતી, ત્યારથી મથલ ડેમના પાણી સિંચાઈ માટેની વિતરણ વ્યવસ્થા આજ દિવસ સુધી ખેડૂતોના સંપ તથા સંગઠનથી સુવ્યવસ્થિત રીતે ચાલી રહી હોવાનું પાંચ ગામની મંડળીઓના મુખિયા મથલ જળાશય યોજના સંઘના પ્રમુખ દિલીપભાઈ પટેલે જણાવતાં આવક-જાવકની માહિતી આપી હતી. મથલ મધ્યમ સિંચાઈ યોજનાના તંત્રના એસ.ઓ. નિકુંજ પટેલે ડેમના સંચાલન બદલ સંતોષ વ્યક્ત કર્યો હતો. નર્મદા સિંચાઈ યોજનામાં નિરોણાથી છથી સાત ફૂટ જેટલી ઊંચાઈની પથરાતી લોખંડની પાઈપલાઈન દ્વારા દેવીસર પાસે ભૂખી ડેમ, મથલ પાસેનો મથલ ડેમ નર્મદાના પાણીથી ભરવાની યોજનાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે તથા આગામી એક વર્ષમાં આ કામગીરી પૂર્ણ થશે તેવું ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ જણાવ્યું હતું. ડેમ તરફનો માર્ગ ક્યારેય પાકો બન્યો ન હોવાથી ચોસામાંમાં એકથી દોઢ ફૂટ પાણી ભરાતાં વાહન કે પગપાળા ચાલવું મુશ્કેલ બને છે. બે વર્ષ પૂર્વે રોડ નિર્માણ માટે રહેવાસીઓ દ્વારા ચીફ ઓફિસરને લેખિત અરજી અપાઈ હોવા છતાં કાર્ય કરાયું ન હોવાની  રાવ ઊઠી હતી. ચોમાસાં પૂર્વે આવશ્યક કામો હાથ ધરાય તેવી માંગ કરાઈ હતી. 

Panchang

dd