• બુધવાર, 13 મે, 2026

શ્રમિકો દીનદયાલ પોર્ટના પાર્ટનર ઈન પ્રોગ્રેસ

ગાંધીધામ, તા. 12 : સમગ્ર રાજ્યમાં ઉનાળાના આરંભે જ ગાંધીધામ કંડલા સંકુલ 45 ડિગ્રીથી વધુના આંક સાથે તપી રહ્યા છે ત્યારે ગરમી, ઠંડી કે વરસાદ કોઈ પણ પરિસ્થિતિ હોય પોર્ટ ઉપર શ્રમિકો સતત કામ કરીને મહાબંદરને અવ્વલ રાખવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી રહ્યા છે, ત્યારે દીનદયાલ પોર્ટ પ્રશાસન  દ્વારા  શ્રમિકો  માટે સંવેદનશીલ પહેલ  હાથ ધરવામાં આવી છે. આ  પહેલને પોર્ટ વપરાશકારો દ્વારા પણ સહયોગ આપવામાં આવી રહ્યો છે. દીનદયાળ પોર્ટના ચેરમેન સુશીલકુમાર સિંઘે પોર્ટના વિકાસ સાથે શ્રમિકોને પણ પૂરતી સુવિધાઓ ઉપલબ્ધ બને તે માટે કટિબદ્ધતા વ્યક્ત કરી છે. વર્તમાન સમયમાં તાપમાનનો પારો ઉપર જઈ રહ્યો છે ત્યારે હીટવેવની સ્થિતિમાં આશરે 4000 જેટલા શ્રમિકોને દરરોજ સવારે 11 વાગ્યે ઠંડી છાશ આપવામાં આવે છે. જ્યારે બપોરના સમયે નાસ્તો અને ચાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ ઉપરાંત રાત્રિના સમયે આશરે 1000 શ્રમિકો માટે દરરોજ ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. પોર્ટના વિકાસમાં અથાગ પરિશ્રમ કરતા શ્રમિકોની સુવિધા માટે પોર્ટ પ્રશાસન અને ચેરમેન દ્વારા કાળજીપૂર્વક પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. આ સરાહનીય કામગીરીમાં પોર્ટ વપરાશકારો દ્વારા નાણાકીય સહયોગ બદલ અધ્યક્ષ સુશીલકુમાર સિંઘ દ્વારા આભાર વ્યક્ત કરાયો હતો. આ અવસરે ડીપીએના અધ્યક્ષે  ઉમેર્યું હતું કે, દીનદયાલ પોર્ટની સાચી શક્તિ શ્રમિક ભાઈઓઁ અને બહેનો છે. તેમને એ અનુભવ થવો જોઈએ કે પોર્ટ તેમની કાળજી રાખે છે, અને આ પોર્ટ તેમનું પોતાનું જ પોર્ટ છે.  કામદારો પાર્ટનર ઈન પ્રોગ્રેસ હોવાનું અધ્યક્ષે ઉમેર્યું હતું. 

Panchang

dd