ભુજ, તા. 12 : હવામાન વિભાગે કચ્છમાં ત્રણ દિવસ માટે જારી
કરેલા ઓરેન્જ એલર્ટ વચ્ચે મહત્તમ પારો બે ડિગ્રી જેટલો ગગડવા છતાં આકરા તાપમાંથી કોઈ
રાહત મળી નહોતી. બપોરના સમયે જનજીવન લૂની આણથી ત્રાહિમામ પોકારી ઊઠયું હતું. છેલ્લા
બે દિવસથી 45 ડિગ્રી મહત્તમ તાપમાને અગનભઠ્ઠીમાં શેકાતાં
અંજાર-ગાંધીધામને આવરી લેતાં કંડલા (એ.)માં પારો ગગડીને 43 ડિગ્રીએ પહોંચ્યો હતો, તો જિલ્લામથક ભુજમાં સતત બીજા
દિવસે મહત્તમ પારો 42 ડિગ્રીના આંકે સ્થિર રહ્યો હતો. લઘુત્તમ પારો
પણ 25થી 26 ડિગ્રી રહેતાં રાત્રે ઉકળાટનો પ્રભાવ જળવાયેલો રહ્યો હતો. પવનની ઝડપ થોડી
વધતાં સવારના સમયે માહોલમાં થોડી શીતળતા જોવા મળી હતી. હવામાન વિભાગે જારી કરેલા ઓરેન્જ એલર્ટ અનુસંધાને
તંત્ર દ્વારા ખાસ કરીને બપોરના સમયે લોકોને કામ વગર બહાર ન નીકળવાની અપીલ કરવામાં આવી
છે. ભુજ કંડલા (એ.)ને બાદ કરતાં બાકીના વિસ્તારમાં મહત્તમ પારો 36થી 39 ડિગ્રી વચ્ચે નોંધાયો હતો. ત્રણ દિવસ બાદ ગરમીમાં થોડી રાહત મળે તેવી સંભાવના
દેખાડવામાં આવી છે.