કપિલ
જોશી દ્વારા : નલિયા, તા. 12 : અબડાસા પંથકમાં આ વર્ષે ઘઉંનો મબલખ પાક થયો
છે. ખેતરો સોનેરી દાણાથી લહેરાઈ રહ્યા છે, પરંતુ અન્નદાતા ખેડૂતોના ચહેરા પર ખુશીને બદલે ચિંતા સ્પષ્ટ દેખાઈ
રહી છે. કંડલા અને મુંદરા બંદરો પરથી ઘઉંની નિકાસ અચાનક બંધ થતાં સ્થાનિક બજારમાં ઘઉંના
ભાવ ગગડી પડ્યા છે, જેના કારણે ખેડૂતોને સરકારી ટેકાના ભાવ (રૂા.
2585) કરતાં પણ નીચા ભાવે (રૂા. 2300-2400) પોતાના કિંમતી ઘઉં વેચવાની ફરજ પડી રહી છે.
ખરીદ કેન્દ્રો પર પણ રજિસ્ટ્રેશનથી લઈને ખરીદી સુધીની પ્રક્રિયામાં વ્યાપક અવ્યવસ્થા
અને ભ્રષ્ટાચારનો કાળો કારોબાર ખુલ્લેઆમ ચાલી રહ્યો હોવાના આક્ષેપો ઊઠી રહ્યા છે, જેના કારણે ખેડૂતો બેવડી મુસીબતનો
સામનો કરી રહ્યા છે. બહારના વેપારીઓ ન આવતાં હોવાથી ખેડૂતો વાડીએથી જ માલ વેચવા મજબૂર
બન્યા છે. - જટિલ
પ્રક્રિયાથી હાલાકી : સરકાર
દ્વારા ખેડૂતોને ટેકાના ભાવનો લાભ મળે તે હેતુથી ખરીદી કેન્દ્રો પર વ્યવસ્થા કરવામાં
આવી છે, પરંતુ
આ કેન્દ્રો પરની પ્રક્રિયા એટલી જટિલ અને ભ્રષ્ટાચારથી ખદબદતી છે કે મોટાભાગના ખેડૂતો
તેનો લાભ લઈ શકતા નથી. અબડાસામાં 50 ટકાથી વધુ ખેડૂતો જમીન ભાડાપટ્ટે રાખીને ખેતી કરે છે. આવા ખેડૂતો પાસે જમીનના
સાતબાર ન હોવાથી અને જમીનના મૂળ માલિકોને ટેકાના ભાવના પૈસા સીધા તેમના ખાતામાં જમા
થતા હોવાથી સાતબાર આપવાનો ઇન્કાર કરે છે. પરિણામે, મહેનતુ ખેડૂત ટેકાના ભાવથી વંચિત રહે
છે. - ખાનગી વેપારીઓને માલ વેચવા મજબૂર : ખેડૂતો દ્વારા એવા પણ આક્ષેપો કરવામાં આવ્યા
છે કે, ખરીદ
કેન્દ્ર પર માલ લઈને પહોંચ્યા પછી ઘણીવાર બારદાન (કોથળા) ઉપલબ્ધ ન હોવાથી તેમને માલ
જમા કરાવ્યા વિના પાછા ફરવું પડે છે. ભાડું ખર્ચીને ખરીદ કેન્દ્ર નલિયા સુધી ગયેલા
ખેડૂતો નાછૂટકે ખાનગી વેપારીઓને ઓછા ભાવે પોતાનો માલ વેચી દેવા મજબૂર બને છે. સૌથી
ગંભીર બાબત એ છે કે, અબડાસામાં ખાનગી વેપારીઓ દ્વારા એક નવો ભ્રષ્ટાચાર
ચાલી રહ્યો છે. જે ખેડૂતોનાં ખેતરમાં ઘઉંનું વાવેતર થયું નથી, તેમના સાતબારનો ઉપયોગ કરીને ખાનગી વેપારીઓ ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવી લે છે.
ત્યારબાદ, તેઓ ખેડૂતો પાસેથી સસ્તા ભાવે ઘઉં ખરીદીને સરકારને
ટેકાના ઊંચા ભાવે વેચીને મોટો નફો કમાવી રહ્યા છે. આ રીતે સરકારી તિજોરીને પણ ચૂનો
ચોપડવામાં આવી રહ્યો છે. - હેલ્પલાઇન
નંબર જારી કરો : નલિયા
સ્થિત ઘઉં ખરીદ કેન્દ્ર પર આજ દિવસ સુધી 21,900 કિલોગ્રામની ખરીદી થઈ હોવાનું અને એક ક્વિન્ટલના ભાવ
રૂા. 2585 આપવામાં આવતા હોવાનું ગોડાઉનના કમ્પ્યુટર ઓપરેટરે
જણાવ્યું હતું. જો કે ગોડાઉન મેનેજર ફોન પર ઉપલબ્ધ ન હતા અને તેમના નંબર સતત બંધ આવ્યા
હતા, જેના
કારણે કોઈ સંપર્ક થઈ શક્યો ન હતો. આવી પરિસ્થિતિમાં ખેડૂતોને પણ ફોનથી વાત કરવી હોય તો કોને વાત કરવી તેવો તાલ સર્જાયો
છે. અહીં ગોડાઉન મેનેજરના ફોન લાગતા ન હોવાથી એક સરકારી હેલ્પલાઇન નંબર આવશ્યક બન્યા
છે.