• ગુરુવાર, 23 એપ્રિલ, 2026

નગરમાંથી મહાનગર બનેલાં ગાંધીધામમાં પુનરાવર્તન કે પરિવર્તન ?

મનજી બોખાણી દ્વારા : ગાંધીધામ, તા. 22 : ભાઈપ્રતાપ દિયલદાસે આયોજનબદ્ધ રીતે નિર્માણ કરેલાં ગાંધીધામ-આદિપુરની સુંદર રચનાને દબાણો, ગટર, અપૂરતું પાણી, ઘનકચરા નિકાલની અવ્યવસ્થા વગેરે કારણોથી લુણો લાગતો રહ્યો છે. નગરપાલિકામાં 35 વર્ષથી ભાજપનું એકચક્રી શાસન તેમાં હવે નગરપાલિકા ચોકઠામાંથી બહાર નીકળી મહાનગરપાલિકા બની ગયું છે, પરંતુ ભૌગોલિક કદનાં વિસ્તરણ સાથે પ્રજાની અપેક્ષાઓનું પણ વિસ્તરણ થયું છે. મેઘપર બોરીચીથી લઈને પડાણા સુધીના 11 ગામનો સમાવેશ થયા બાદ હવે જ્યારે ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે આ વખતે મતદારોના મનમાં અનેક પ્રશ્નો અને રોષ જોવા મળી રહ્યો છે. છેલ્લા ત્રણ દાયકાથી ભાજપનું એકહથ્થુ શાસન હોવા છતાં સંકુલ અને હવે તેમાં ભળેલા ગ્રામ્ય વિસ્તારોમાં પાયાની સુવિધાઓનો અભાવ ચર્ચાનો વિષય બન્યો છે. દબાણ હટાવવાની કામગીરી, ભ્રષ્ટાચારના આક્ષેપો વચ્ચે સત્તાપક્ષ દબદબો જાળવી રાખશે કે પછી જનતાની નારાજગી વિપક્ષ માટે રસ્તો સાફ કરશે? - 12 ગ્રામ્ય વિસ્તારનો ઉમેરો : ગાંધીધામ નગરમાંથી મહાનગર બન્યું છે, તેમાં હવે 12 ગ્રામ્ય વિસ્તારનો પણ સમાવેશ કરાયો છે. મહાપાલિકા બન્યા પછી ઓસ્લો, સુંદરપુરી, ગાંધીધામ-આદિપુરની શાકમાર્કેટ, ખન્ના માર્કેટ વગેરે વિસ્તારોમાંથી દુકાનોરૂપી દબાણો હટાવાયાં છે. આવા લોકો માટે વૈકલ્પિક વ્યવસ્થા કરાઈ નથી. અસરગ્રસ્ત નગરજનોની ફરિયાદ છે કે, આ શહેર, સંકુલમાં 6થી 7 ટકા કોમર્શિયલ જમીનો છે, ત્યારે આવા નાના દુકાનદારો રોજીરોટી માટે ક્યાં જશે તે પ્રશ્ન છે. આ દબાણો હટતાં હતાં, ત્યારે હાલમાં વોટ માગવા આવતા ઉમેદવારો પૈકીના એકેય નજરે પડયા નહોતા. લોકસભા, વિધાનસભા, સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના ચૂંટણી મુદ્દા જુદા-જુદા હોય છે. છેલ્લાં 35 વર્ષથી શાસનમાં રહેલો ભાજપ આ સંકુલને સી.એન.જી. પંપ પણ આપવી શક્યો નથી. સિટીબસનો લાભ આ સંકુલને મળ્યો નથી. માત્ર ઔદ્યોગિક નગરીના બણગા ફૂંકાય છે, પણ સી.એન.જી. પંપ પણ નસીબ ન થતાં અહીંની નેતાગીરી સક્ષમ ન હોવાની લાગણી જાણકાર લોકોમાં પ્રસરી છે. - સવા બે લાખ મતદાર : ગાંધીધામ મહાનગર પાલિકાના બે શહેર, 11 ગામના 188 ચો. કિ.મી.ના વિસ્તારમાં 234 બૂથમાં 2,15,313 મતદાર 159 ઉમેદવારનું ભાવિ નક્કી કરશે. મતદારો કોના ઉપર રીઝશે, તે જોવાનું રહ્યું. લોકો માટે આકરો નિર્ણય લેવાનો સમય છે. મતદારો ફરીથી વિકાસના નામે સત્તાધારી પક્ષ તરફ ઢળશે કે પછી નવા રાજકીય વિકલ્પની શોધ કરશે? - ગ્રામ્ય વિસ્તારને સતાવતા પ્રશ્નો : ગળપાદરમાં દુકાને બેઠેલા સાત-આઠ લોકોએ ઊભરો ઠાલવ્યો હતો અને હીરા પચાણભાઈ વીરડાએ પંચાયત હતી ત્યારે પાણી આવતું હતું. હાલમાં મળતું નથી. છેલ્લા ત્રણ મહિનાથી ગાંધીધામ તરફ જવાનો રોડ ખોદી નખાયો છે. માર્ગ પરથી પસાર થયા બાદ ફરીથી નહાવાની જરૂરિયાત જણાય છે. ગામનાં તળાવમાં છેલ્લા કેટલાક સમયની ગટરનું ગંદું પાણી આવતાં પાણીજન્ય સૃષ્ટિ લુપ્ત થઈ છે. રજૂઆતો બાદ પણ ગટરનું પાણી બંધ થયું નથી. અન્ય એક વ્યક્તિએ બાળકોને શાળાએ જવા માટે એસ.ટી. બસની સુવિધા ન હોવાનું કહ્યું હતું તેમજ કુંભાસર તળાવનાં દબાણો હટાવી તેનું સૌંદર્યીકરણ કરવાની માંગ કરી હતી. અંતરજાળ ચાર રસ્તા નજીક જ્યુસની દુકાને બેઠેલા વરિષ્ઠ નાગરિકો પૈકી માધાબાપાએ મહાપાલિકા બની દોઢ વર્ષ થયું પણ જોઈએ તેવું ખાસ કોઈ કામ થયું નથી. અમુક સોસાયટીઓમાં પાણી પણ ન આવતું હોવાનું કહ્યું હતું. જે લોકોનાં કામ કરે તેને મત મળવા જોઈએ. કિડાણાની શ્રીરામ અનુ. જાતિ સોસાયટીના ઓટલા પર બેઠેલા પાંચાભાઈ નામના વૃદ્ધે પોતાની સોસાયટીમાં ઊભરાતી ગટરો, રોડ, દીવાબત્તી, કચરાના ગંજ વગેરેની સમસ્યા વર્ણવી હતી. મેઘપર કુંભારડીની કોરારવાંઢમાં રહી ડ્રાઈવિંગ કરતા ઈમ્તિયાઝભાઈએ પોતાના વિસ્તારમાં રોડલાઈટ નથી, દોઢ વર્ષમાં સફાઈ માટે પાલિકાની એકેય ગાડી આવી ન હોવાનું કહ્યું હતું. ગાંધીધામ સુંદરપુરીના સથવારાવાસમાં રહેતા ભગવાનભાઇ સથવારાએ ભરાતી ગટર, સફાઇ અભાવ વગેરે સમસ્યાઓ વર્ણવી હતી. ચૂંટાયા બાદ એકેય સભ્ય પાંચ વર્ષમાં ક્યારેય ડોકાયા નથી. ઉમેદવારો પાંચ દિવસ દોડધામ કરે છે, પછી લોકોને સમસ્યા થાય ત્યારે લોકો પાંચ વર્ષ માટે સુવિધાઓ અર્થે દોડધામ કરે છે. ભારતનગર વેપારી સમિતિના મંત્રી સુનીલ પારવાણીએ વિકાસનું વિઝન જો 2050નું હોય, તો નકશો 1950નો લઇને કેવી રીતે ચાલી શકાય ? તેવો પ્રશ્ન કર્યો હતો. દેશ, શહેરના વિકાસમાં વેપારી વર્ગનું યોગદાન છે. નવીનીકરણ માટે વેપારી વર્ગ સાથે પણ સંકલન જરૂરી છે. પહોળા માર્ગ કરવાથી શહેરનો વિકાસ થશે, પણ શહેરીજનોનું નહીં થાય લોકોના રોજગારનું રક્ષણ થવું જોઇએ. મહાપાલિકા બાદ મોટાપાયે કામો થઇ રહ્યા છે, જેનું યોગ્ય નિરીક્ષણ કરાશે, તો આગામી 20 વર્ષ સુધી તે લોકોને ઉપયોગી બનશે. - પક્ષોમાં જૂથવાદની સ્થિતિ : મહાનગરપાલિકાની ચૂંટણી માટે રાજકીય પક્ષો દ્વારા ટિકિટની ફાળવણી કરાઈ હતી, જેમાં ઉમેદવાર પસંદગી, ટિકિટ ફાળવણીથી માંડીને અન્ય અનેક બાબતોમાં જૂથવાદ કામ કરી ગયું છે, પરંતુ કોઇ પણ પક્ષ તેને સત્તાવાર સમર્થન આપતો નથી. - લોકો મૂંઝવણમાં : સ્થાનિક સ્વરાજ્યની મહાપાલિકાની ચૂંટણીમાં મતદાન કેવી રીતે કરવું તે અંગે મતદારો મૂંઝવણમાં છે, તંત્ર દ્વારા ક્યાંય ડેમો ન કરાયા હોવાના આક્ષેપ ઊઠયા હતા. અગાઉ ઓછા મતદારો હોવાથી લોકોને સરળ રહેતું હતું, પરંતુ હાલમાં 13 વોર્ડ પૈકી તમામમાં આઠ ઉમેદવાર છે, ઘણામાં તેનાથી વધુ છે, સૌથી વધુ વોર્ડ-6માં 19 ઉમેદવાર છે. ગ્રામ્ય વિસ્તારના અશિક્ષિત લોકો માટે અઘરું પડશે, તેવું લોકોએ જણાવ્યું હતું. - વિકાસ કરવટ બદલશે : ગાંધીધામ મહાનગરપાલિકા ચૂંટણી નિર્ણાયક મોડ ઉપર છે, મહાનગર બન્યા પછી પ્રથમ ચૂંટણી યોજાવા જઇ રહી છે. ભૌગોલિક કદ પણ વધ્યું છે. હવે 100 કરોડની જગ્યાએ બજેટ 700-800 કરોડથી પણ વધારે થવાનું છે. કાઉન્સીલર-કોર્પોરેટર અને પ્રમુખ હવે મેયર થવાના છે, તેમની જવાબદારીઓ વધશે. સાથોસાથ લોકોની પણ જવાબદારીઓ વધશે. હવે અહીં કમિશનરના રૂપમાં આઇ.એ.એસ. અધિકારી હંમેશાં મળવાના છે. લોકોએ પણ પોતાની ફરજો પૂરી કરવી પડશે. માત્ર અપેક્ષાઓ રાખવી તેના કરતાં પોતાની ફરજો પણ લોકોએ અદા કરવાની છે. વિકાસ આપણી આંખોની સામે જ છે. ચૂંટણીમાં મહેનત બધા પક્ષો કરશે પણ મહાપાલિકાને સંગઠનાત્મક, સક્ષમ અને સુચારુરૂપે ચલાવી શકે તેવા ઉમેદવારો જ જોઇએ. - ચેમ્બર ઉત્સાહિત : કચ્છનું એકમાત્ર મહાનગર બન્યું છે, ત્યારે મહાનગરપાલિકાને શોભે એવું વાતાવરણ ઊભું કરવું જોઇએ. ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સના માનદ્મંત્રી મહેશભાઇ તીર્થાણીએ ઉદ્યોગો હજુ આવી રહ્યા છે. વિકાસ રોકેટ ગતિએ આગળ વધવાનો છે, ત્યારે  વેપારીઓએ પણ પોતાનું તમામ યોગદાન આપી મહાનગરપાલિકાને નવી ઊંચાઇ સુધી  લઇ જવા તેમણે જણાવ્યું હતું. - નવા રોડ-શાકમાર્કેટ : ગાંધીધામમાં રહેતા બિલ્ડર એવા વેપારી રમેશભાઇ મારૂએ ગાંધીધામમાં અને આદિપુરમાં નવી શાકમાર્કેટનું કાર્ય પ્રગતિમાં છે. નલ સે જલ યોજના ચાલુ થવાની છે. કરોડોના ખર્ચે રોડ બની રહ્યા છે. કરોડોના ખર્ચે અંડરગ્રાઉન્ડ કેબલિંગનું કામ, નવા બાગ-બગીચા, કરોડોના ખર્ચે હરિયાળું ગ્રીન રિંગરોડ બનવા જઇ રહ્યો છે. ડોર ટુ ડોર ઘનકચરો એકત્રિકરણ, નાના ફેરિયાઓ માટે લોનની સુવિધાઓ, સ્ટ્રીટલાઇટો, 129 કરોડના ખર્ચે મેઘપર બોરીચી, કુંભારડી માટે પાણીની યોજના જાહેર કરાઇ છે. ગેસલાઇન પણ અંડરગ્રાઉન્ડ થવાની છે. આંબેડકર ઓવરબ્રિજના કારણે શહેરમાં મેટ્રોસિટી જેવી લાગણી થાય છે. નવું રેલવે સ્ટેશન તૈયાર થઇ ગયું છે. આ શહેર સંકુલ મેટ્રોસિટી બનવા જઇ રહ્યું છે. આવા વિકાસના કામોથી લોકોની સુખાકારી વધવાની લાગણી તેમણે વ્યક્ત કરી હતી. - મતદારો પણ મૂંઝવણમાં : પંચાયતમાંથી મહાનગરપાલિકામાં મળેલા ગ્રામ્ય વિસ્તારના લોકોને શહેરમાં ભળવાથી સ્થિતિ સુધરવાની આશા હતી, પરંતુ હાલના સંજોગો જોતાં તે પોતાની ઓળખ, સુવિધાઓ ગુમાવી રહ્યા હોવાનો અહેસાસ છે. એક તરફ વિકાસના નામે વર્ષોથી શાસન કરતો પક્ષ છે, જેની કામગીરીથી અનેક લોકો અસંતુષ્ટ છે, બીજી તરફ નબળો વિરોધ પક્ષ છે. આવી સ્થિતિમાં મતદારો મૂંઝવણમાં છે. નોટાનો વિકલ્પ પસંદ કરવો કે પરિવર્તન માટે જોખમ ઉઠાવવું તે અંગે પણ ચર્ચાઓએ જોર પકડયું છે. - અમુક ગામોમાં વિરોધ : ગાંધીધામ મહાનગર પાલિકામાં રૂપાંતરીત થયા બાદ ગ્રામ્ય વિસ્તારોનો તેમાં સમાવેશ કરાયો હતો. આ 11 ગામડા પૈકી ત્રણ ગામડાં મ.ન.પા.માં ભળવા તૈયાર ન હોતાં સ્થાનિક લોકોનો આ રોષ હવે આગામી ચૂંટણીમાં કોઇને ફળશે કે કોઇને નડશે ? તે જોવાનું રહ્યું. - મહાનગર ગાંધીધામમાં ચાલતાં વિકાસનાં કામો, ભાવિ આયોજનો થકી ભાજપને સત્તા મળશે  : ગાંધીધામ, તા. 22  : કચ્છની પ્રથમ  મહાનગરપાલિકા ગાંધીધામનો વ્યાપ વધ્યો છેતેની સાથોસાથ ગાંધીધામને સચ્છ અને સુદૃઢ બનાવવા માટે  ચાલતાં કામો  થકી ભાજપ પ્રથમ ચૂંટણીમાં જંગી બહુમતીથી સત્તાનું સુકાન સંભાળશે, તેવો વિશ્વાસ ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન  મહેશ્વરીએ વ્યક્ત કર્યો હતો.  લાંબા અરસાથી ગાંધીધામ શહેર પબ્લિક ટ્રાન્સપોર્ટેશન સુવિધાથી વંચિત રહ્યું છે, ત્યારે સિટીબસ સેવા શરૂ કરવાની શહેરીજનોની માંગ અંગે કહ્યું હતું કે, ડીપીએ અને એસ.આર.સી. દ્વારા જમીન ફાળવી દેવામાં આવી છે અને આગામી છ મહિનામાં ગાંધીધામમાં સિટીબસ દોડતી થઈ જશે તેવું કહ્યું હતું. ગાંધીધામમાં સી.એન.જી. પંપ  કાર્યરત કરવાનો મામલો આગામી સમયમાં અગ્રતા ક્રમે હાથ ઉપર લેવાશે તેવું જણાવ્યું  હતું. 77 વર્ષની યુવાન વયે મહાનગર બનેલાં ગાંધીધામમાં  હાલ મુખ્ય રસ્તાઓ, ગટર અને નલ સે જલના પાણીનાં કામો  ચાલી રહ્યાં છે. મહાનગરના ભાવિ આયોજન અંગે વાત કરતાં તેમણે કહ્યું હતું કે, 31 કરોડના ખર્ચે રમતગમત સંકુલમાં   સુવિધાઓ વિકસાવાશે. આ ઉપરાંત આદિપુરથી ગાંધીધામ સુધી  ટાગોર રોડ સમાંતર સર્વિસ રોડ સહિતના ભાવિ પ્રકલ્પોનું આયોજન હાથ  ઉપર લેવાશે તેવું કહ્યું હતું. સમસ્યાઓથી ઘેરાયેલા મેઘપર બોરીચીની ગટર અને પીવાના પાણીની સમસ્યા હલ કરવા માટેનું આયોજન ઘડાઈ ચૂક્યું છે. આ  ઉપરાંત આદિપુર, શિણાય, અંતરજાળભારાપર, કિડાણા સહિતના ગ્રામ્ય વિસ્તાર માટે  અલાયદી પાણીની યોજના અમલમાં લાવવા આયોજન હોવાની માહિતી આપી હતી. હાલ અંડરગ્રાઉન્ડ કેબલિંગ, નલ સે જલ યોજનામુખ્ય રસ્તા સહિતનાં કામો થઈ રહ્યાં છે  અને નજીકનાં ભવિષ્યમાં ગાંધીધામને આધુનિક બનાવવાની નેમ છે તેના ઉપર મતદારો મહોર લગાડશે તેવું જણાવ્યું હતું. - નવાં ગાંધીધામને આધુનિક વાઘા પહેરાવાશે : આઝાદી બાદનું સૌથી નાનુ શહેર કે, જે એક લાખની વસ્તી માટે બનેલું હતું, પરંતુ  પોર્ટના કારણે અનેક રાજ્યોના લોકો અહી  આવીને વસ્યા અને આજે ફ્લોટિંગ વસ્તી સહિત પાંચ  લાખની વસ્તીએ પહોંચ્યું છે . ગાંધીધામ નગરપાલિકામાં ભાજપે કરેલાં કામ થકી લોકોએ સંતોષ માનીને 30 વર્ષ સુધી સત્તાનું સુકાન સોંપ્યું છે અને આગામી સમયમાં આધુનિક ગાંધીધામને નવા વાઘા પહેરાવવા માટેનું આાયોજન પ્રજા સમક્ષ મુકશું તેવું ચૂંટણી ઈન્ચાર્જે મોમાયાભા ગઢવીએ જણાવ્યું હતુ. તેમણે ઁકહ્યું હતું કે, ગાંધીધામ અને તેમાં સમાવિષ્ટ  ગ્રામ્ય વિસ્તારના સમતોલ વિકાસની નેમ રાખવામાં આવી છે. જમીનના અભાવે હરવા-ફરવાનું સ્થળ બની નથી શકયું, પરંતુ મહાપાલિકામાં સમાવેશ થતાં કિડાણા અને અંતરજાળનાં તળાવનાં સૌંદર્યકરણનાં કામો ચાલું થઈ  ગયાં છે.  આ ઉપરાંત કરોડોની માતબર રકમના ખર્ચે  ગ્રીન રિંગરોડનું  નિર્માણ કાર્ય પણ ચાલી રહ્યું  છે  તેમજ નવા સમાવિષ્ટ મેઘપર બોરીચીમાં પણ પાણી-ગટરની યોજના માટે જંગી રકમની ફાળવણી થઈ છે. આ  કાર્યો કચ્છની પ્રથમ મહાપાલિકામાં ભાજપને ભવ્ય વિજય અપાવશે તેવું  તેમણે કહું્ હતું.  સહ-ઈન્ચાર્જ મધુકાંત શાહબાબુભાઈ ગુજરિયાએ ગાંધીધામના સુનિયાજિત વિકાસની નેમ જંગી જીત અપાવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.- ગામડામાં વિકાસ નથી થયો : કોંગ્રેસ : ગાંધીધામમાં છેલ્લાં 30-35 વર્ષથી ભાજપનું શાસન છે, છતાં વિકાસ થયો નથી. દર ચોમાસાંમાં શહેરોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે. આવી નાની સમસ્યાનો પણ કાયમી ઉકેલ સત્તા પક્ષ ન લાવી શક્યો હોવાનું ગાંધીધામ તાલુકા કોંગ્રેસના પ્રમુખ દેવેન્દ્રસિંહ ઝાલાએ જણાવ્યું હતું. ગળપાદરના હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં છેલ્લા ત્રણ મહિનાથી પીવાનું પાણી આવતું નથી. ગામની તળાવની કુદરતી આવ પણ બિલ્ડરોએ બંધ કરી નાખી છે. ખેતરે જતાં હોઇએ તેવા રોડ છે. તેમણે ગ્રામ્ય વિસ્તારમાંથી કોંગ્રેસને બેઠકો મળવાનો આશાવાદ વ્યક્ત કર્યો હતો. - કોંગ્રેસનો સૂર્ય ઊગવાનો દાવો : ગાંધીધામમાં છેલ્લાં 30-35 વર્ષથી ચીટકેલી પાર્ટીએ આ શહેર-સંકુલ પાસેથી માત્ર મત મેળવ્યા છે. કાંઇ ખાસ આપ્યું જ નથી. મ.ન.પા. બન્યા પછી પણ યુદ્ધના ધોરણે વિકાસના આડેધડ કામ કરાય છે. પદ્ધતિસર કાંઇ જ થયું નથી. જેના કારણે લોકો પરેશાન થઇ રહ્યા છે. તંત્રે નાના વેપારીઓને ટૂંકી નોટિસો આપીને તેમની રોજી-રોટી છીનવી લીધી છે. કોઇને વૈકલ્પિક સુવિધા આપી નથી. જેના કારણે નાના વેપારીઓ ભીંસમાં મૂકાઇ ગયા છે. તમામ બેઠકો ઉપર કોંગ્રેસનો સૂર્ય ઊગવાની આશા તેમણે વ્યક્ત કરી હતી. એકવાર વિશ્વાસ મૂકીને સ્થાનિકની આ ચૂંટણીમાં તક આપી સત્તા પક્ષનો ઘમંડ ઉતારવા તેમણે કહ્યું હતું. - આપે 35 ઉમેદવાર ઉતાર્યા : ત્રીજા પક્ષ તરીકે ઊભરીને આવેલા આમ આદમી પાર્ટીએ  આ વખતે પ્રથમ યોજાતી ગાંધીધામ મહાનગરપાલિકાની ચૂંટણીમાં પોતાના 35 ઉમેદવાર મેદાનમાં ઉતાર્યા છે. પૂર્વ કચ્છ આપના પ્રમુખ ડો. કાયનાત અંસારીએ લોકો હવે સમસ્યાઓથી ગળે આવી ગયા છે. ત્રાહિમામ પોકારી ગયા છે. લોકો પોતાની પાયાની સુવિધાઓ માટે આપના ઉમેદવારોને મત આપશે. અમારા ઉમેદવારો ચૂંટાશે, તો વ્યવસ્થાને અંદરથી સમજીને લોકો માટે લડત ચલાવશે. અમારી દસેક બેઠક પણ આવશે, તો દરેક વોર્ડમાં 20 વર્ષનું ઓડિટ કરાવશું, જેમાં ભ્રષ્ટાચાર સામે આવશે, તો પૈસાનો ગફલો જણાશે, તો તે પૈસાથી લોકોના કામ કરાશે અને અમારા ઉમેદવાર જીતે પછી એક વર્ષમાં ત્યાં કામ ન થાય તો તે ચૂંટાયેલા સભ્યનું રાજીનામું  લઇ લેવામાં આવશે. લગભગ તમામ વોર્ડમાં ચૂંટણી પ્રચાર દરમ્યાન લોકો અમારી સાથે હોવાનું જણાવી રહ્યા છે.  

Panchang

dd