ઉદય અંતાણી અને રશ્મિન પંડયા દ્વારા : અંજાર,
તા. 22 : ઐતિહાસિક શહેર અંજારમાં અઢી દાયકાથી વધુ સમયથી શાસન ધુરા સંભાળતા
ભાજપને વધુ એક વખત વિકાસકામોના સહારે સત્તા મળશે એવો વિશ્વાસ છે, જ્યારે લાંબા અરસાથી સિંગલ ડિજિટમાં બેઠક મેળવતો
વિપક્ષ વધુ બેઠકોનો ઓક્સિઝન મળશે તેવા વિશ્વાસ સાથે ચૂંટણી જંગમાં ઊતર્યો છે. એક સાથે સાત બેઠક બિનહરીફ થવાના કારણે શહેરમાં ચૂંટણીનો
માહોલ નીરસ જણાયો હતો. જો કે, બે વોર્ડમાં રસાકસીભર્યો માહોલ
હોવાના અહેવાલો સાંપડયા છે. - 67,736 મતદાર : 13 હજાર ઘટયા : નગરપાલિકાના
નવ વોર્ડની 36 બેઠકમાં વોર્ડ-એકમાં બે, વોર્ડ-બેમાં એક, વોર્ડ
નંબર-3માં બે મહિલા વોર્ડ-6 અને 9માં એક-એક
બેઠક સહિત છ મહિલા અને એક પુરુષમાં સાત બેઠક
સત્તાપક્ષે મેળવી લીધી છે, જ્યારે
29 બેઠક ઉપર ભાજપ-કોંગ્રેસ અને
અમુક બેઠક ઉપર આમ આદમી પાર્ટી મેદાનમાં છે. એસઆઈઆરની કામગીરી દરમ્યાન 13000 જેટલા મતદાર ઘટયા છે. હાલ 27,322 પુરુષ અને 26,325 મહિલા સહિત 53,653 મતદાર નવા સુધરાઇ સભ્યને ચૂંટશે.
- 1995થી ભાજપનું મજબૂત શાસન
: ઐતિહાસિક શહેર અંજાર નગરપાલિકામાં આમ તો
80ના દાયકામાં જ ભાજપનો પગદંડો મજબૂત બનવાનું
શરૂ થયું હતું. વચ્ચે એક વખત રાષ્ટ્રીય જનતા પાર્ટીનું શાસન રહ્યું હતું, પરંતુ 1995 બાદ નગરપાલિકા ઉપર ભાજપની પકડ
વધુ મજબૂત બની છે. ભૂકંપ બાદ 35થી 32 બેઠક ઉપર જીત સાથે પક્ષની સ્થિતિ
વધુ મજબૂત બની હતી. ગત ટર્મમાં પણ 35 બેઠક અંકે કરી હતી. - પ્રચારનો માહોલ નીરસ : ડોર ટુ ડોર : નગરપાલિકાની ચૂંટણીમાં સાત બેઠક બિનહરીફ
થઈ જતાં પ્રચારના માહોલમાં ટાઢોડું જેવું જણાયું હતું. ભાજપના અગ્રણીઓની મુલાકાત લીધી
ત્યારે વોર્ડ મુજબ સભા ગોઠવવાના આયોજન અંગે ચર્ચા ચાલી રહી હતી. આ ઉપરાંત પ્રત્યેક
કાર્યકરોને ઘરે-ઘરે જઈને મતદારોનો સંપર્ક કરવા માટેની સૂચનાઓ અપાતી હતી. અમુક વિસ્તારોમાં
રાજકીય પક્ષોના બેનર લગાડેલી રિક્ષાઓ ફરતી નજરે પડી હતી. ગરમીની સ્થિતિ વચ્ચે સાંજના
સમયે પ્રચારનો માહોલ જામતો હોવાનું જણાયું હતું. પ્રચારમાં સોશિયલ મીડિયાનો વ્યાપક
ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ડોર ટુ ડોર પ્રચારના ફોટા વીડિયો સોશિયલ મીડિયામાં મૂકવાની
સૂચના ઉમેદવારોને સતત આપવામાં આવી રહી છે. - જ્ઞાતિ સમીકરણમાં નારાજગીના સૂર : અંજાર સુધારાઈની ચૂંટણીમાં ત્રણ દાયકા બાદ
પણ સત્તા પક્ષને શાસન મળશે તેવો વિશ્વાસ છે જ, પરંતુ અમુક વોર્ડમાં જ્ઞાતિ સમીકરણ ગોઠવ્યું ન હોવાથી પરિણામમાં ઊલટફેર આવવાની
સંભાવના રાજકીય નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે. આ પરિસ્થિતિના કારણે શહેરના બે વોર્ડમાં આશ્ચર્યજનક પરિણામ આવે તેવી સંભાવના રાજકીય પંડિતો
જોઈ રહ્યા છે. આ ઉપરાંત બેઠકો બિનહરીફ કરાવવામાં
પણ નાણાકીય વ્યયહારો થયા હોવાનો મુદ્દો જાણકારોએ ઉઠાવ્યો હતો. - અંજાર શહેરના અનેક પ્રશ્નો
લાંબા સમયથી
વણઉકેલ્યા : ઐતિહાસિક શહેરમાં લાંબા સમયથી સર્જાયેલી
સમસ્યાઓના ઉકેલમાં શાસક પક્ષ દ્વારા નીરસતા દાખવવામાં આવતા શહેરીજનોમાં આક્રોશ હોવાનું
જણાયું હતું. માતબર રકમના ખર્ચે સફાઈનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હોવા છતાં પણ નિયમિત
સફાઈનો અભાવ, રખડતા ઢોરની સમસ્યા,
અનિયમિત પાણી વિતરણ, રોડ રસ્તામાં ઊંડા ખાડા,
શહેરની દિનપ્રતિદિન જટિલ બનતી ટ્રાફિક સમસ્યા સહિતના પ્રશ્નો મુદ્દે
હજુ સુધી કોઈ ચોક્કસ નિરાકરણ મળ્યું ન હોવાનું શહેરીજનોએ જણાવ્યું હતું. નગરપાલિકા
દ્વારા સફાઈ વેરા ઉપરાંત વધારાનો સફાઈ વેરો ઝીંકવામાં આવ્યો છે, તેમ છતાં વિવિધ સોસાયટીઓમાં 15 દિવસ સુધી સફાઈ થતી ન હોવાનું શહેરીજનોએ કહ્યું હતું. - આમ આદમી પાર્ટી શહેરનો અવાજ
બનશે : ત્રીજા પરિબળ તરીકે અંજાર સુધરાઈના ત્રણ
વોર્ડમાં સાત બેઠક ઉપર ચૂંટણી લડતા આમ આદમી પાર્ટીના ગજરાજસિંહ ઝાલાએ શહેરના પડતર પ્રશ્નો
અંગે ભવિષ્યમાં પણ સતત અવાજ ઉઠાવતા રહેવાની વાત કરી હતી. પાંચ વર્ષના શાસન દરમિયાન
સફાઈનો કોન્ટ્રાક્ટ હોય, આઈકોનિક રોડનું
કામ હોય કે અન્ય કોઈ વિકાસકામ હોય ભ્રષ્ટાચાર સિવાય કોઈ જ કામગીરી થઈ ન હોવાનું તેમણે
કહ્યું હતું. શહેરની કોઈ પણ સમસ્યા હોય ટીમ સાથે ભવિષ્યમાં પણ શહેરનો અવાજ બનશું તેવું
તેમણે કહ્યું હતું. ચૂંટણી આડે હવે થોડા દિવસો
જ બાકી રહ્યા છે. બાકીની 29 બેઠકો ઉપર
ભાજપ કોંગ્રેસ વચ્ચે સીધો મુકાબલો છે. પ્રવર્તમાન સંજોગોમાં જોતા વોર્ડ 4 અને વોર્ડ 8માં ફાઈટ છે. વિપક્ષ તમામ બેઠકો ઉપર જીત
માટે જ્યારે સત્તા પક્ષ તમામ બેઠકો ઉપર જીત મેળશે તેવું વિશ્વાસથી કહે છે. નગરપાલિકામાં વર્ષ 1983થી કોડરાણી પરિવારનું વર્ચશ્વ
રહ્યું છે. આ વખતે પણ સત્તા પક્ષમાંથી 6 જેટલા લોકોએ ટિકિટ માગી હતી,
પરંતુ 3 દાયકા કરતાં
પણ વધુ સમય બાદ કોડરાણી પરિવારને એક પણ ટિકિટ નથી અપાઈ. આ બાબત પણ શહેરના રાજકારણમાં
ચર્ચાની એરણે ચડયો છે. આગામી 28મીએ પ્રજાના
ચુકાદા ઉપર સૌ કોઈની મીટ મંડાઈ છે. -માળખાંકીય સુવિધાનાં મજબૂતીકરણની કામગીરીથી ભાજપ સત્તા મેળવશે
: અંજાર, તા. 22 : અંજાર શહેરના વિવિધ વિકાસકામો માટે રાજ્ય સરકાર દ્વારા માતબર
રકમ ફાળવવામાં આવી છે, જેથી શહેરીજનોની
સુખાકારી વધશે અને આ કાર્યો થકી અંજાર પાલિકામાં ભાજપ સત્તાનું સુકાન સંભાળશે તેવું
રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ જણાવ્યું હતું.
ચૂંટણી પ્રવાસ વચ્ચે કાર્યાલય ખાતે વાત કરતાં રાજ્ય મંત્રીએ કહ્યું હતું કે,
શહેરની હયાત પાણી યોજનાના સુધારા માટે 22 કરોડ, ગટરના કામ માટે 26 કરોડ સરકાર દ્વારા ફાળવાયા
છે. આ ઉપરાંત કળશ સર્કલથી નાકા સુધી 63 લાખના ખર્ચે બોક્સ ડ્રેનેજ,
જીજે-39 આરટીઓ કોડ, સહિતના કાર્યો થયાં છે. ભવિષ્યમાં અંજારને શિક્ષણનું
હબ પ્રવાસન પ્રવૃત્તિનું મુખ્ય કેન્દ્ર તેમજ પરિવહન રોજગાર વિકસાવવા માટેનું આયોજન
હાથ ઉપર લેવાશે તેવું કહ્યું હતું. અંજારમાં અંડરગ્રાઉન્ડ વીજ કેબાલિંગ ગણેશ્રી તળાવમાં વોટર હાર્વેસ્ટિંગ સહિતના કાર્યો
આગામી સમયમાં હાથ ધરાશે તેવું ઉમેર્યું હતું. રાજ્યમંત્રીએ કહ્યું હતું કે,
રવિવારે અંજારની બજારમાં ખરીદીની વ્યાપક રોનક હોય છે, ત્યારે અંજારમાં ગુર્જરી બજાર શરૂ કરવાની દિશામાં વ્યાયામ આદરાશે તેવું કહ્યું
હતું. - શહેરનાં વિકાસકાર્યો
થકી બમ્પર જીત મળશે : રાજ્યમંત્રી દ્વારા શિક્ષણ આરોગ્ય સહિતના
ક્ષેત્રે કરેલી નોંધપાત્ર કામગીરીથી અંજાર સુધરાઈનું શાસન ભાજપ વધુ એક વખત જંગી બહુમતી
સાથે મેળવશે તેવું ચૂંટણી ઇન્ચાર્જ ડેની શાહે જણાવ્યું હતું. રેલવે અંડરબ્રિજ, નગરપાલિકાને
અ વર્ગનો દરજ્જો સહિતના કાર્યો ભાજપની જીતમાં મુખ્ય ભૂમિકા ભજવશે તેવું જણાવ્યું હતું.
ભવિષ્યમાં શહેરના ગણેશ્રી તળાવને નર્મદાના નીરથી ભરવા, વિવિધ
સોસાયટીના કોમન પ્લોટ રિક્ષાવાળાનું આયોજન
નગરપાલિકાઓની મિલકતો ઉપર સોલાર સિસ્ટમ
લગાડવા સહિતનું ભાવિ આયોજન હાથ ધરાશે તેવું કહ્યું હતું. સહઇન્ચાર્જ અને પૂર્વ નગરપતિ
વસંતભાઈ કોડરાણી, કિશોર ખટાઉ ઠક્કર અને શહેર ભાજપ પ્રમુખ હિતેન
વ્યાસ નગરપાલિકા દ્વારા શહેરના વિકાસ માટે કરાયેલા કર્યોથી પ્રજા ફરી ભાજપ ઉપર વિશ્વાસ
મૂકશે અને તમામ 29 ઉમેદવાર સહિત
36 બેઠક ઉપર કમળ ખિલશે તેવો દાવો
કર્યો હતો. - કોંગ્રેસ શહેરીજનો ઉપર લદાયેલું ભારણ ઓછું કરશે : ત્રણ દાયકાના સાશન બાદ પણ સત્તા પક્ષ માળખાકીય સુવિધાઓ આપવામાં
સદંતર નિષ્ફળ નિવડયો હોવાનું તેમજ વર્તમાન ચૂંટણીમાં ડરાવવા ધમકાવવાની રાજનીતિ શાસક
પક્ષે કરી હોવાનું શહેર કોંગ્રેસ પ્રમુખ યુવરાજાસિંહ ભોજુભા વાઘેલાએ જણાવ્યું હતું.
તેમણે કહ્યું હતું કે, 33 લાખના ખર્ચે ડોર ટુ ડોરની કામગીરીનો
કોન્ટ્રાક્ટ અપાયો હોવા છતાં પણ નિયમિત સફાઈ થતી નથી. 150 પૈકી 100 માણસ પણ પૂરા હોતા નથી. સફાઈ
વેરા ઉપરાંત ભાજપ દ્વારા વિવિધ વેરામાં વધારો કરીને શહેરીજનો પણ મોટું આર્થિક ભારણ
નાખ્યું છે. જો કોંગ્રેસ સત્તામાં આવી તો 50 ટકા ટેક્સનું ભારણ હળવું કરાશે તેવું કહ્યું હતું. કોંગ્રેસના
ઉમેદવારોને વ્યાપક સમર્થન મળતું હોવાનું કહી 10 જેટલી બેઠક ઉપર જીત મેળવશે તેવું જણાવ્યું હતું. કોંગ્રેસ દ્વારા
રોડ રસ્તાનું નવીનીકરણ શુદ્ધ પીવાનું પૂરતું પાણી,
નામની નહીં કામની સફાઈ કરાશે. સ્ટ્રીટ લાઇટ અને સુરક્ષા લોકસંપર્ક અને
રજૂઆતોનો સીધો માર્ગ સહિતના મુદ્દાને પ્રજા સમક્ષ આગળ ધાર્યા હોવાનું પૂર્વ વિપક્ષી
નેતા અને ઉમેદવાર રાજેન્દ્રસિંહ જાડેજાએ કહ્યું હતું. - આમ આદમી પાર્ટી
શહેરનો અવાજ બનશે : ત્રીજા પરિબળ
તરીકે અંજાર સુધરાઈના ત્રણ વોર્ડમાં સાત બેઠક ઉપર ચૂંટણી લડતા આમ આદમી પાર્ટીના ગજરાજાસિંહ
રાણાએ શહેરના પડતર પ્રશ્નો અંગે ભવિષ્યમાં પણ સતત અવાજ ઉઠાવતા રહેવાની વાત કરી હતી.
પાંચ વર્ષના શાસન દરમિયાન સફાઈનો કોન્ટ્રાક્ટ હોય,
આઈકોનિક રોડનું કામ હોય કે અન્ય કોઈ વિકાસકામ હોય ભ્રષ્ટાચાર સિવાય કોઈ
જ કામગીરી થઈ ન હોવાનું તેમણે કહ્યું હતું. શહેરની કોઈ પણ સમસ્યા હોય ટીમ સાથે ભવિષ્યમાં
પણ શહેરનો અવાજ બનશું તેવું તેમણે કહ્યું હતું.