ભુજ, તા. 22 : સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં
કચ્છ-ગુજરાતની પ્રજાએ કોંગ્રેસ-અન્ય સહિતની વિપક્ષી પાર્ટીઓને ઘરભેગી કરવાનું મન મનાવી
લીધું છે. આ વખતેના ચૂંટણી પરિણામો એક ઈતિહાસ આલેખશે અને સર્વત્ર કમળ સોળેકળાએ ખીલશે
તેવો મક્કમ વિશ્વાસ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ભુજ ખાતે વ્યક્ત કર્યો હતો. બે કલાક
સુધી રોડ-શોમાં લોકોનું અભિવાદન ઝીલ્યા બાદ છઠ્ઠીબારી રિંગરોડ પર ખુલ્લી જીપ પરથી ઉદ્બોધન
કરતાં હર્ષ સંઘવીએ પોતાની લાક્ષણિક અદામાં કોંગ્રેસ-આપ પર તીખા પ્રહાર કર્યા હતા. હર્ષભાઈએ
કહ્યું કે, વિપક્ષી પાર્ટીઓએ હરહંમેશ
ગુજરાતને બદનામ કરવાનું જ કામ કર્યું છે. સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં કચ્છ-ગુજરાતની
પ્રજા આવાં તત્ત્વોનો હિસાબ ચૂકતે કરશે તેમ કહી ભુજમાં મળેલા અભૂતપૂર્વ જનસમર્થન બદલ
આભાર વ્યક્ત કર્યો હતો. વીસેક મિનિટના પ્રવચનમાં શ્રી સંઘવીએ કહ્યું કે, 26મી તારીખે બહોળી માત્રામાં મતદાન કર્યા
બાદ 28મી તારીખે એક ઈતિહાસ આલેખતાં પરિણામ આપવાનું
મન મનાવી લીધું છે. ગુજરાતમાં અસામાજિક તત્ત્વોને તેમની જ ભાષામાં સમજાવવા કામ પોલીસે
કર્યું છે. ભૂપેન્દ્ર પટેલની સરકારનું બુલડોઝર આ અસામાજિક તત્ત્વોનાં દબાણ પર ફરી વળ્યું
છે. ત્યારે આવનારી ચૂંટણીમાં વિપક્ષનો એક પણ ઉમેદવાર ન ચૂંટાય એવું જંગી મતદાન કરી
ગુજરાતને બદનામ કરનારની શાન ઠેકાણે લાવશે તેવું ઉમેર્યું હતું. નિર્ધારિત સમયથી એકાદ કલાક મોડા રોડ-શોના સ્થળ જ્યુબિલી
સર્કલ પહોંચેલા હર્ષભાઇ સંઘવીએ મંચસ્થ સંતોના આશીર્વાદ મેળવી સ્થાનિક આગેવાનોનો આવકાર
ઝીલી ખુલ્લી જીપમાં સવાર થઇ રોડ-શોનો પ્રારંભ કર્યો હતો. નાયબ મુખ્યમંત્રીની સાથે સાંસદ
વિનોદ ચાવડા, ધારાસભ્ય કેશુભાઇ પટેલ,
જિ.ભાજપ અધ્યક્ષ દેવજીભાઇ વરચંદ, સંગઠન પ્રભારી
ફલજી ચૌધરી રોડ-શોમાં સામેલ થયા હતા. - કચ્છી ઢોલ અને રાસ મંડળીની રમઝટ : જ્યુબિલી સર્કલથી શરૂ થયેલા રોડ-શોમાં કચ્છી
ઢોલીઓ ભાતીગળ પહેરવેશ સાથે જોડાયા હતા. તો રોડ-શોના રૂટમાં અલગ અલગ સ્થળે વિવિધ રાસ
મંડળીઓએ રાસ-ગરબાની રમઝટ બોલાવી હતી. જ્યુબિલી ગ્રાઉન્ડથી રોડ-શોના પ્રસ્થાન પૂર્વ
નાયબ મુખ્યમંત્રીનું ભવ્ય સ્વાગત કરાયું હતું. જિલ્લા સંગઠન પ્રભારી ફલજીભાઈ ચૌધરી, જિલ્લા
ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદ, સાંસદ વિનોદભાઇ ચાવડા, ધારાસભ્ય કેશુભાઈ પટેલ, જિલ્લા ભાજપ મહામંત્રીઓ ધવલભાઈ
આચાર્ય, હિતેશભાઈ ખંડોર, ભીમજીભાઈ જોધાણી
સહિત જિલ્લા ભાજપના હોદ્દેદારોએ તેમનું ભાવભીનું અભિવાદન કર્યું હતું. શ્રી સંઘવીએ
ભુજ નરનારાયણદેવ મંદિરના સંતોનું બહુમાન કરી આશીર્વાદ મેળવ્યા હતા. જ્યુબિલી ગ્રાઉન્ડ
પાસે ભુજ શહેર વોર્ડ નંબર 9ના ચારેય ઉમેદવારો સાથે ભુજ જૈન સમાજ દ્વારા નાયબ મુખ્યમંત્રીનું
અભિવાદન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત વોર્ડ 7 અને 8ના ઉમેદવારો
સહિત રબારી સમાજના ભાઈઓએ પણ અભિવાદન કર્યું
હતું. ડો. પી.એન. આચાર્યના દવાખાનાં પાસે ડો.
મુકેશભાઇ ચંદેના નેતૃત્વમાં લોહાણા સમાજે સન્માન કર્યું હતું. ભાનુશાલી બોર્ડિંગ પાસે
ભાનુશાલી સમાજે, વિજયનગર પાસે ક્ષત્રિય
સમાજ દ્વારા, કવીઓ પાસે જિગરભાઈ છેડા દ્વારા અભિવાદન કરાયું હતું.
પ્રશાંતભાઈ સોલગામા અને સાથીઓ દ્વારા સતત પુષ્પવર્ષા ચાલુ રહી હતી. ડો. દિલ્હીવાલા
હોસ્પિટલ નજીક સોની સમાજ દ્વારા, કેડીસીસી બેન્ક પાસે અખિલ કચ્છ
ચારણ સભાના પ્રમુખ દેવરાજભાઈ ગઢવીની સાથે સમગ્ર ગઢવી સમાજ દ્વારા, અંબેમાનાં મંદિર પાસે મહેશ્વરી સમાજ અને અનુસૂચિત મોરચા દ્વારા, લાયન્સ હોલ પાસે અભયભાઈ શાહ અને વિજયભાઇ દ્વારા, રાજારામ
કોમ્પલેક્ષ પાસે આઈએમએ પ્રમુખ ડો. લવ કાતિરા દ્વારા, ડો. વી.એચ.પટેલ
હોસ્પિટલ પાસે ભીલ સમાજ, નટ સમાજ, દેવીપૂજક
સમાજ દ્વારા, વોડાફોન સ્ટોર પાસે સમગ્ર જૈન સમાજ દ્વારા. લાલ
ટેકરી પાસે પૂર્વ નગરસેવક રાજેશભાઇ ગોર અને ધીરેનભાઈ ઠક્કર દ્વારા, ભાવેશ્વર નગર પાસે લઘુમતી મોરચા દ્વારા, ભૂધરમલ પેટ્રોલ
પંપ પાસે પટેલ સમાજ ઉપરાંત ભદ્રેશભાઈ મહેતા તથા વિવિધ સંસ્થા, જ્ઞાતિ-સમાજ અભિવાદનમાં જોડાયા હતા. ભુજ શહેર ભાજપ અધ્યક્ષ મીતભાઈ ઠક્કર અને
શહેર સંગઠનની સમગ્ર ટીમ, સંગઠનના વિવિધ પદાધિકારીઓ, પૂર્વ નગરસેવકો સહિત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ઉમેદવારોએ જહેમત ઉઠાવી હોવાનું
કચ્છ જિલ્લા ભાજપ મીડિયા ઇન્ચાર્જ સાત્ત્વિકદાન ગઢવી અને સહઇન્ચાર્જ સુનીલ માંકડની
સંયુક્ત યાદીમાં જણાવાયું હતું.