મુંદરા, તા. 22 : ગુરુવારે જ્યારે સમગ્ર વિશ્વ
`વર્લ્ડ અર્થ ડે 2026' ઉજવી રહ્યું છે, ત્યારે ગુજરાતના કચ્છમાં આવેલો ખાવડા રિન્યુએબલ
એનર્જી પાર્ક વિશ્વ માટે આશાનું નવું કિરણ બનીને ઉભરી આવ્યું છે. વર્ષ 2026ની થીમ `અવર પાવર, અવર પ્લાનેટ' એટલે કે
આપણી પૃથ્વીને બચાવવા માટે આપણા સામર્થ્યનો ઉપયોગ કરવો અને આ વાતને ખાવડાના રણ વિસ્તારમાં
હકીકત બની આવી છે. એક સમયે જ્યાં માત્ર ક્ષાર અને રણ હતું, ત્યાં
આજે વિશ્વનો સૌથી મોટો રિન્યુએબલ એનર્જી પાર્ક આકાર લઈ ચૂક્યો છે. વિરાટ કદ,
ગ્રીન પાવર ઉત્પાદન અને ટેકનોલોજીનો કરિશ્મા આ પાર્કને શ્રેષ્ઠત્તમ બનાવે
છે. કંપનીએ કરેલું 5 મેગાવોટની
ક્ષમતા ધરાવતુ મહાકાય વિન્ડ ટર્બાઇનનું કમિશાનિંગ `આત્મનિર્ભર ભારત'ની ગગનચૂંબી સફળતા છે. એઆઇ-સંચાલિત વોટરલેસ રોબોટ્સ દ્વારા સોલાર પેનલની સફાઈ
કરવામાં આવે છે, જે પાણીની અછત ધરાવતા કચ્છમાં લાખો લીટર પાણીની
બચત કરે છે. આ ટેકનોલોજી `અવર પાવર' થીમને સાર્થક કરે છે. જ્યાં મનુષ્ય કુદરતને
નુકસાન પહોંચાડ્યા વગર ઉકેલ શોધે છે. સૂર્યપ્રકાશથી સોલાર પાવર અને રાત્રિના સમયે રણના
પવનથી વિન્ડ ટર્બાઈનથી ચાલતી સંપૂર્ણ ઇકોસિસ્ટમ 24 કલાક પૃથ્વીને નુકસાન પહોંચાડ્યા
વગર ઊર્જા પૂરી પાડે છે. આ પ્રોજેક્ટ પૃથ્વીનું રક્ષણ અને ઉજ્જવળ ભવિષ્યનો આધારસ્તંભ
છે. તે માત્ર વીજળી નથી આપતો, પણ આપણી
પૃથ્વીને હરિયાળી રાખવાની જવાબદારી પણ નિભાવે છે. આ પાર્ક વાર્ષિક અંદાજે 5 કરોડ ટન કાર્બન ઉત્સર્જન ઘટાડશે, જે પૃથ્વીના તાપમાનને વધતું રોકવામાં ભારે મદદ
કરશે. ખાવડા આરઇ પાર્ક એ માત્ર ભારતનું ગૌરવ નથી, પણ તે પૃથ્વીને
બચાવવા માટે યુક્તિ અને કુદરતી સંપત્તિના સંગમનું એક જીવંત ઉદાહરણ છે. અહીં માત્ર સોલાર
કે વિન્ડ પાવર જ નહીં, પણ ભવિષ્યના બળતણ એવા `ગ્રીન હાઇડ્રોજન' પર પણ કામ શરૂ કરવામાં આવ્યું છે. ખાવડા આરઇ
પાર્ક એ વાતનું પ્રતીક છે કે જો મનુષ્ય ધારે તો કુદરતના સંસાધનો (સૂર્ય અને પવન)નો
ઉપયોગ કરીને પૃથ્વીને હાનિ પહોંચાડ્યા વગર પ્રગતિ કરી શકે છે.