મુંદરા, તા. 22 : જળસંચય ક્ષેત્રના કચ્છના ઐતિહાસિક
અને મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ `ભૂખી નદી
નવસર્જન અભિયાન'નો કાર્યારંભ શરૂ થયાને
એક જ મહિનામાં કામગીરીએ વેગ પકડી લીધો છે.' ગ્લોબલ કચ્છ- કચ્છમિત્ર'ના ઉપક્રમે દીનદયાળ પોર્ટ ઓથોરિટીના આર્થિક સહયોગથી શરૂ થયેલા આ ભૂખી નદીને
નવપલ્લવિત કરતા મહાઅભિયાનનું ડિસેમ્બરમાં ખાતમુહૂર્ત થયા બાદ પ્રથમ તબક્કાની ટેન્ડર
પ્રક્રિયા પૂર્ણ થઈ ને માર્ચમાં કામગીરી પણ શરૂ થઈ ચૂકી છે. પ્રારંભમાં જ બિનજરૂરી
જંગલ સફાઈ સહિતનાં કામ ઝડપથી પ્રગતિમાં છે. વિરાણીયા ડેમ-1, વિરાણીયા ડેમ-2 તેમજ કપાયા વિસ્તારમાં નદી સમથળ અને ચેકડેમ
ઊંડા કરવાનું કાર્ય શરૂ થઈ ચૂક્યું છે. ગત માર્ચ મહિનામાં વિરાણિયા ગામથી મંગલાચરણ
થયા બાદ ટૂંકા ગાળામાં જ અત્યાર સુધીમાં 21,450 ઘન મીટર વિસ્તારમાં નદી સમથળ કરવામાં આવી ચૂકી છે. આ ઉપરાંત
કાંડાગરાથી પત્રી માર્ગ અને કપાયા વિસ્તારમાં બિનજરૂરી ગાંડા બાવળ, જંગલ સફાઈ પ્રગતિ હેઠળ છે. આ કામગીરી સાથે સંકળાયેલી
વિવિધ એજન્સીઓમાંથી મળતી વિગત મુજબ વિરાણિયા ડેમ-1 પાસે એક મોડેલરૂપ `પાથ'-નદી કાંઠાનાં પાળા બનાવવાનું કામ ચાલી રહ્યું છે. એ મોડલના આધારે સમગ્ર નદી
વિસ્તારમાં આવું `અર્થ વર્ક' થશે. આ ઉપરાંત વિરાણિયાથી લાખાપર સુધીના વિસ્તારમાં
નદીનો મૂળ પાથ-વહેણ પ્રમાણે ઝંડી લગાવીને લે આઉટ માર્કિંગ કરવામાં આવી રહ્યું છે. આ
કાર્યથી નદીને ધોવાણ પહેલાંના મૂળ વળાંકો પર પુન: સ્થાપિત કરવામાં આવશે. ગત 13 ડિસેમ્બરે કેન્દ્રીય જળસંચય
મંત્રી સી.આર. પાટિલના હસ્તે ખાતમુહૂર્ત થયું હતું,
એવા આ ગ્લોબલ કચ્છ-કચ્છમિત્રના મુંદરા તાલુકાની ભૂખી નદીને પુનર્જીવિત
કરતા આ પ્રોજેક્ટ માટે અલગ-અલગ ત્રણ કાર્યો માટે ત્રણ ટેન્ડર બહાર પાડીને એજન્સીઓને
કામ અપાયું હતું. જે પ્રગતિ હેઠળ છે અને હવે પછીના વિવિધ કામ માટે માટે વધુ ત્રણ એજન્સી
માટેની ટેન્ડર પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે.