ભુજ, તા. 22 : પાંચ વિવિધ ક્ષેત્રમાં આજીવન
બહુમૂલ્ય પ્રદાન કરનારી પાંચ પ્રતિભાનું ગરિમાપૂર્ણ બહુમાન કરવાનું કચ્છના રાજપરિવારે
નક્કી કર્યું છે. કચ્છની સંપદા સમાન પાંચ વ્યક્તિવિશેષને સૌપ્રથમવાર મહારાઓ પ્રાગમલજી
ત્રીજા અને મહારાણી પ્રીતિદેવી કચ્છ રાજ્ય રત્ન સન્માન એનાયત કરી પુરસ્કૃત કરાશે. મહારાઓ
પ્રાગમલજી ત્રીજાના જન્મદિન નાસિંહ જયંતી, 30મી એપ્રિલ, ગુરુવારે સાંજે 5.45 વાગ્યે ભુજના પ્રાગમહેલ (દરબાર
ગઢ) પરિસરમાં યોજાયેલા સમારોહમાં કચ્છ રાજ્ય રત્ન સન્માન મહારાણી પ્રીતિદેવીના હસ્તે
અર્પણ કરાશે. પ્રતિષ્ઠિત સન્માન મેળવનારને રૂા. એક લાખના માનધન, કચ્છી પાઘડી, સન્માનપત્ર,
સ્મૃતિ ચિહ્ન, શાલથી સન્માનિત કરવામાં આવશે. દાયકાઓથી
કચ્છના પર્યાવરણ સંશોધન, સંરક્ષણ અને સંવર્ધન ક્ષેત્રે નેત્રદીપક
કાર્ય કરનારા પ્રસિદ્ધ પર્યાવરણવિદ અને પક્ષીવિદ જુગલકિશોર તિવારીને કચ્છ પર્યાવરણ
રત્ન, કચ્છી ભાષાના ઉત્કર્ષ અને પ્રસાર માટે ભેખધારી એવા પદ્મશ્રી
નારાયણ જોશી `કારાયલ'ને કચ્છી ભાષા રત્ન, કચ્છની
લોકસંસ્કૃતિમાં મહત્ત્વ ધરાવતી હસ્તકલા, ખાસ કરીને ભરતકામના સંશોધન,
દસ્તાવેજીકરણ અને આધુનિક ઓપ આપનારા એલએલડીસીના અમીબેન શ્રોફને કચ્છ સંસ્કૃતિ
રત્ન, ચિત્રકારી-ફોટોગ્રાફી દ્વારા કચ્છને ઉજાગર કરનાર અને ખાસ
કરીને કમાંગરી ચિત્રશૈલીને પુનર્જીવિત કરી યુવાનોને શીખવનારા હસમુખ મચ્છરને કચ્છ કલા
રત્ન અને સ્વામિંગમાં રાષ્ટ્રીય કક્ષાએ નામના મેળવનાર અને નવી પેઢીને તરણની તાલીમ આપનારા
જયેન્દુ શુક્લને કચ્છ ખેલ રત્નથી નવાજવામાં આવશે. કચ્છ રાજ્ય રત્ન સન્માન માટે મહારાણી
પ્રીતિદેવીએ સલાહકાર સમિતિની રચના કરી હતી, તેમાં તેરા ઠાકોર
મયૂરધ્વજાસિંહ જાડેજા, રાણી આરતીદેવી, કચ્છમિત્રના
તંત્રી દીપકભાઈ માંકડ, જાણીતા સંશોધક-લેખક સંજય ઠાકર અને કુમાર
હર્ષઆદિત્યાસિંહનો સમાવેશ થાય છે. પદ્મશ્રી કારાયલજીની પરામર્શન સેવા ઉપલબ્ધ થઇ હતી.
કચ્છહિત અને કચ્છના કલ્યાણ માટે હંમેશાં અગ્ર ભૂમિકા ભજવનારા મ. પ્રાગમલજી અને મ. પ્રીતિદેવીએ
કચ્છના સંસ્કાર વારસાને ઉજાગર કરનારને લાઈફ ટાઇમ અચિવમેન્ટ એવોર્ડથી પોંખવાની પહેલ
કરી છે, તેથી કચ્છીયત માટે કામ કરનારને વધુ ઉત્તેજન મળશે.