• ગુરુવાર, 16 એપ્રિલ, 2026

ગ્રામ્ય વિસ્તારના સમાવેશથી ગાંધીધામ મહાપાલિકામાં જંગ જામશે

ગાંધીધામ, તા. 14 : કચ્છના આર્થિક પાટનગર ગણાતા ગાંધીધામનો વ્યાપ વધારી તેને મહાનગરપાલિકાનો દરજ્જો અપાયો છે, પરંતુ શહેરના નવા ભળેલા વિસ્તારોની હાલત હજુ જોઈએ તેવી સુધરી નથી. અંજાર તાલુકામાંથી મહાપાલિકામાં સમાવિષ્ટ થયેલા મેઘપર બોરીચી, કુંભારડી વિસ્તાર મોટો છે. મતદારો પણ ગણા છે, બીજી તરફ ગાંધીધામ તાલુકા પંચાયતમાંથી વિલીન થયેલા ગ્રામ્ય વિસ્તારો પણ મહાપાલિકામાં જોડાયા છે. ગ્રામ્ય વિસ્તારોમાં મોટાભાગે ઉમેદવારની છબી, જ્ઞાતિ સમીકરણો સાથે ચૂંટણી લડાતી હોય છે, જ્યારે આ વખતે બંને મુખ્ય પક્ષ માટે ખરાખરીનો જંગ થવાનો હોવાનું જણાય છે. : મેઘપરમાં મતદારો ઝાઝા : મેઘપર બોરીચી, કુંભારડીમાં 150 કરતાં વધુ સોસાયટી છે તેમજ ગ્રામ્ય વિસ્તાર વધારાના છે. સોસાયટી વિસ્તારોમાં મોટાભાગના ગાંધીધામ-આદિપુરથી ગયેલા લોકો છે. અહીં સત્તાપક્ષનો ગઢ માનવામાં આવે છે. પંચાયતથી લઈ વિધાનસભા સુધી કેસરિયો લહેરાતો રહ્યો છે, પરંતુ સત્તાની હૂંફ અનેક વિસ્તારોમાં ન પહોંચી હોવાનો પણ ગણગણાટ છે. અહીં મહાપાલિકા બાદ વેરાના દર વધવાની ભીતિ સામે સુવિધાઓ મળવી જોઈએ, તેવી પ્રાપ્ત ન થતી હોવાનો અહેસાસ પણ લોકોને છે. જો કે, આ વિસ્તારની પાણીની સમસ્યા માટે હાલમાં 129 કરોડની ફાળવણી કરવામાં આવી છે. સત્તાપક્ષના ગઢ સમાન ગણાતા વોર્ડ-1માં આવતા વિસ્તારોમાં ગાબડું પડાશે કે કેમ તે જોવાનું રહ્યું. - તા.પં.વાળાં ગામો ભળ્યાં : ગાંધીધામ તાલુકા પંચાયતમાં શરૂઆતમાં કોંગ્રેસની લીડ બાદ બન્ને પક્ષ વચ્ચે અડધી-અડધી સીટો મળતી હતી. બાદમાં આ બેઠકો ઉપર ભાજપે સત્તા જાળવી રાખી હતી. ગત ચૂંટણીમાં પણ 16 પૈકી 12 ભાજપ, 3 કોંગ્રેસ અને એક આમ આદમી પાર્ટીના ખોળામાં બેઠક ગઈ હતી. ગ્રામ્ય વિસ્તારોમાં સ્થાનિક સ્વરાજ ચૂંટણીઓમાં ઉમેદવારની છબી, જ્ઞાતિ સહિતના સમીકરણો થકી ચૂંટણી લડાતી હોય છે જ્યારે શહેરોમાં પક્ષ જોઈને મોટાભાગે ચૂંટણી આગળ ધપાતી હોય છે.  ગ્રામ્ય વિસ્તારોમાં સ્થાનિકોને ટિકિટ આપવાનો મુદ્દો પણ મુખ્ય રહેતો હોય છે. ગ્રામ પંચાયત, તાલુકા પંચાયતના સમીકરણો, ગ્રામ્ય વિસ્તારોમાં જુદા હોય છે, પરંતુ આ વખતે મહાપાલિકાના સમીકરણો જુદા રહેવાના હોવાનું જાણકારો કહી રહ્યા છે. 

Panchang

dd