ગાંધીધામ, તા. 15 : રાપરના ખાંડેક ગામમાં દીવાલ
ઉપર અસામાજિક તત્ત્વોએ ડો. બાબાસાહેબ આંબેડકર વિશે અભદ્ર લખાણ લખતાં પોલીસ મથકે ફરિયાદ
નોંધાઈ હતી. ખાંડેક ગામમાં રબારીવાસથી પટેલવાસની વચ્ચે સુમિત મારાજની દુકાન પાસે બનાવ
બન્યો હતો. કોઈ અજાણ્યા શખ્સોએ દીવાલ ઉપર બાબાસાહેબ આંબેડકર વિશે અભદ્ર લખાણ લખ્યું
હતું. બે સમાજ વચ્ચે વૈમનસ્ય ફેલાય તેવું કૃત્ય કરનારા અસામાજિક તત્ત્વો વિરુદ્ધ મનસુખ
અમરશી ચૌધરીએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. આરોપીઓને પકડી પાડવા સી.સી.ટી.વી. ફુટેજ
તપાસવા સહિતની કાર્યવાહી હાથ ધરાઈ હોવાનું પી.આઈ. આર.એલ. ખટાણાએ જણાવ્યું હતું.