• ગુરુવાર, 16 એપ્રિલ, 2026

`ઉત્તર વિરુદ્ધ દક્ષિણ'ની ચર્ચા શરૂ

નવી દિલ્હી, તા. 15 : લોકસભાની બેઠકો 543 થી વધારીને 850 કરવાના પ્રસ્તાવથી દેશમાં `ઉત્તર વિરુદ્ધ દક્ષિણ' ચર્ચા શરૂ થઈ છે. આમ થવાનું કારણ એ છે કે, ઉત્તર પ્રદેશના સાંસદોની સંખ્યા 140 થી વધુ થઈ શકે છે, પરંતુ દક્ષિણના રાજ્યોને ડર છે કે વસ્તી નિયંત્રણ તેમની રાજકીય શક્તિને ઘટાડશે. ભારતીય લોકશાહીના ઇતિહાસમાં એક મોટું રાજદ્વારી અને બંધારણીય પરિવર્તન ચાલી રહ્યું છે. કેન્દ્ર સરકારે 2029 સુધીમાં `નારી શક્તિ વંદન અધિનિયમ` લાગુ કરવા માટે 16 થી 18 એપ્રિલ, 2026 દરમિયાન સંસદનું એક ખાસ સત્ર બોલાવ્યું છે. આ કાયદાને લાગુ કરવા માટે, સરકાર સીમાંકનનો પ્રસ્તાવ મૂકી રહી છે, જેમાં લોકસભાની કુલ બેઠકોની સંખ્યા વર્તમાન 543 થી વધારીને 850 કરવાનો પ્રસ્તાવ છે. જોકે, બેઠકોમાં થયેલા આ મોટા વધારાથી ઉત્તર અને દક્ષિણ ભારત વચ્ચે નોંધપાત્ર રાજકીય વિભાજન થવાની શક્યતા છે. એક તરફ ઉત્તર ભારતીય રાજ્યો તેમની શક્તિ બમણી કરવા માટે તૈયાર છે, બીજી તરફ દક્ષિણ ભારત આ કવાયતને ન્યાય નહીં, સજા` તરીકે જોઈ રહ્યું છે. - બેઠક વહેંચણીનું સંભવિત ચિત્ર : પ્રસ્તાવિત સીમાંકન 2011 ની વસ્તી ગણતરી અને વર્તમાન વસ્તી વૃદ્ધિના વલણો પર આધારિત છે. ઉલ્લેખનીય છે કે, વર્તમાન બેઠક વ્યવસ્થા 1971ની વસતી ગણતરી આધારીત છે. ભૂતપૂર્વ નાણામંત્રી પી. ચિદમ્બરમ અને ઘણા નિષ્ણાતોના વિશ્લેષણ મુજબ, બેઠકોની વહેંચણી નીચે મુજબ બદલાઈ શકે છે:  ઉત્તર પ્રદેશ : ઉત્તર પ્રદેશ, જે હાલમાં 80 સાંસદો મોકલે છે, તે સીમાંકન પછી લોકસભામાં 140 થી 150 સાંસદો ધરાવતું રાજ્ય બની શકે છે.  તમિલનાડુ : 39 બેઠકો ધરાવતા આ રાજ્યની બેઠકો વધીને 58 થશે, પરંતુ એકંદર ગુણોત્તર મુજબ, તે ઘટીને 46 થી 50ની વચ્ચે થવાની સંભાવના છે. દક્ષિણનું નુકસાન : પાંચ દક્ષિણી રાજ્યો (તમિલનાડુ, કેરળ, કર્ણાટક, આંધ્રપ્રદેશ અને તેલંગાણા)નું વર્તમાન પ્રતિનિધિત્વ 24.3 ટકા છે, જે નવા સીમાંકન પછી ઘટીને 20.7 ટકા થવાની શક્યતા છે.  - મહારાષ્ટ્ર અને બિહાર: રાજકીય પ્રભાવ માટે એક નવી સ્પર્ધા  : મહારાષ્ટ્ર, જેમાં હાલમાં 48 લોકસભા બેઠકો છે, તેની સંખ્યા વધીને 80 થી 90 ની વચ્ચે થઈ શકે છે. આનાથી દિલ્હીના રાજકીય પરિદૃશ્યમાં મરાઠા રાજકારણનો પ્રભાવ વધુ વધશે.  જ્યારે 40 બેઠકો ધરાવતા બિહારને વસ્તીની દ્રષ્ટિએ મોટો ફાયદો થશે અને અહીં સાંસદોની સંખ્યા 70ને પાર કરી શકે છે. - દક્ષિણને ડર; આંદોલનની ચીમકી : દક્ષિણના રાજ્યોનો ડર એ છે કે જો યુપી, બિહાર અને મહારાષ્ટ્ર જેવા રાજ્યો મળીને કોઇ પક્ષ 300 થી વધુ બેઠકો જીતે છે, તો કેન્દ્ર સરકાર બનાવવામાં દક્ષિણ ભારતની કોઈ ભૂમિકા રહેશે નહીં.  તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિન અને કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ આ પ્રસ્તાવનો સખત વિરોધ કર્યો છે.   સ્ટાલિને તો સ્પષ્ટ ચેતવણી પણ આપી છે કે, જો અવગણના કરાશે તો 1950 અને 1960ના દાયકાની જેમ બીજું `િહન્દી વિરોધી આંદોલ' જોવા મળશે. આ વિવાદના ઉકેલ માટે, કેટલાક નિષ્ણાતોએ `અમેરિકન મોડેલ` સૂચવ્યું છે. પ્રસ્તાવ એ છે કે વસ્તીના આધારે લોકસભાની બેઠકો વધારવાની, પરંતુ રાજ્યસભામાં બધા રાજ્યોને સમાન પ્રતિનિધિત્વ આપવાનું. હાલમાં, રાજ્યસભાની બેઠકો પણ વસ્તીના આધારે છે. વિરોધ પક્ષો માંગ કરી રહ્યા છે કે દક્ષિણના રાજ્યોનું રાજકીય વજન જાળવી રાખવા માટે રાજ્યસભાની રચનામાં ફેરફાર કરવો જોઈએ, જેથી કોઈપણ કેન્દ્ર સરકાર દક્ષિણના હિતોને અવગણી ન શકે. - સરકારની સ્પષ્ટતા: `મહિલા શક્તિ માટે પક્ષોએ એક થવું જોઈએ.: આ વધતા વિવાદ વચ્ચે, કેન્દ્રીય મંત્રીઓ કિરેન રિજિજુ અને અમિત શાહે સ્પષ્ટતા કરી છે કે સીમાંકનનો હેતુ કોઈપણ રાજ્યને નુકસાન પહોંચાડવાનો નથી, પરંતુ `એક વ્યક્તિ, એક મત, એક મૂલ્ય` ના સિદ્ધાંતને અમલમાં મૂકવાનો છે. સરકારનો તર્ક છે કે 1973 થી લોકસભાની બેઠકોમાં કોઈ વધારો થયો નથી, ભલે વસ્તી અનેકગણી વધી ગઈ હોય. રિજિજુના મતે, જ્યારે કુલ બેઠકોની સંખ્યા 850 થશે, ત્યારે દરેક રાજ્યમાં મતવિસ્તારની સંખ્યા પ્રમાણસર વધશે અને દક્ષિણને પણ આનો ફાયદો થશે. 

Panchang

dd