ગાંધીધામ, તા. 14 : સમુદ્રી વ્યાપારમાં કાર્બન
ઉત્સર્જન ઘટાડવા માટે કેન્દ્ર સરકારના હાઈડ્રોજન હબ બનાવવાની દિશામાં દેશનું મહાબંદર
ડી.પી.એ. અગ્રેસર રહ્યું છે. તાજેતરમાં મિથેનોલ બંકરિંગની સુવિધાનું સફળ પરીક્ષણ પણ
દેશના તમામ મહાબંદરોમાં પ્રથમ વખત કરાયું હતું. હવે શિપ બિલ્ડિંગ નિર્માણની દિશામાં
પણ પોર્ટ વેશ્વિક સ્તરે આગળ વધી રહ્યું છે.
આજે જાપાનના પ્રતિનિધિ મંડળે કંડલા પોર્ટની
મુલાકાત લીધી હતી. આ દરમ્યાન જહાજ નિર્માણ અને જહાજ સમારકામની દિશામાં નવી તકો શોધવા
અંગે મંથન કરાયું હતું. પ્રતિનિધિ મંડળ સાથેની મુલાકાતમાં ડી.પી.એ. ચેરમેન
સુશિલકુમાર સિંહે શિપ બિલ્ડિંગ પ્રોજેક્ટની વ્યાપક ઝાંખી રજૂ કરી હતી. આ ઝાંખીમાં રાષ્ટ્રીય જહાજ નિર્માણ મિશન અને મેરીટાઈમ ઈન્ડિયાના દૃષ્ટિકોણને આગળ વધારવા માટે ભાર મૂકવામાં આવ્યો
હતો. પ્રતિનિધિ મંડળ દ્વારા કંડલા અને અંજાર તાલુકાના વીરા ખાતે સૂચિત જમીનની પણ મુલાકાત લેવામાં આવી હતી અને પ્રસ્તાવિત શાપિંગ યાર્ડની વિકાસની સંભાવના અંગેની માહિતી મેળવી હતી. અત્રે
ઉલ્લેખનીય છે કે, ડીપીએ દ્વારા વીરા ખાતે બે હજાર એકરમાં શિપ બિલ્ડિંગ ક્ષેત્ર
માટે ટેન્ડર જારી કરાયાં હતાં. બાદમાં માર્કેટની
જરૂરિયાત મુજબની માહિતી મેળવીને 500 એકર વિસ્તાર માટે ટેન્ડરિંગ કરાયું છે. તાજેતરમાં કેન્દ્રીય
મંત્રીની કોરિયા ખાતેની મુલાકાત દરમ્યાન પણ કંડલાના શિપ બિલ્ડિંગ પ્રોજેક્ટ અંગે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.