ગાંધીધામ, તા. 14 : અમેરિકા-ઇઝરાયલ અને ઈરાન વચ્ચેનાં
યુદ્ધની શાંતિમંત્રણા ભાંગી પડી છે, જેનાં પગલે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ સમુદ્રી માર્ગ ફરીથી બંધ થવાનાં એંધાણ છે અને
અમેરિકાએ આ સમુદ્રી માર્ગને ફરતે ઘેરાબંધી કરવાનું એલાન કર્યું છે, જેની સીધી અસર હવે અલગ-અલગ ચીજવસ્તુઓ અને પેટ્રોલિયમ પેદાશો ઉપર જોવા મળી રહી
છે. ખાસ કરીને ક્રૂડના ભાવ વધ્યા છે, પૂરતી માત્રામાં જથ્થો પણ
મળતો નથી, જેનાં કારણે પેટ્રોલિયમ પેદાશ ડામર ઉપર ગંભીર અસર જોવા
મળી રહી છે. ડામરની અછત છે અને લગભગ 45 ટકા સુધીનો ભાવવધારો આવતાં ગાંધીધામથી લઈને કચ્છ જિલ્લામાં તેની
ગંભીર અસર જોવા મળી રહી છે. ડામરમાં ભાવવધારાથી કોન્ટ્રાક્ટરો મૂંઝવણમાં મુકાયા છે.
ગાંધીધામમાં છથી વધુ માર્ગો ડામરના બનાવવાના છે અને ખાસ કરીને આઇકોનિક માર્ગ પણ તેમાં
સમાવેશ થઈ રહ્યો છે. ભાવવધારો અને ડામર મળતો નથી તે વચ્ચે જિલ્લાભરના કોન્ટ્રાક્ટરો
મૂંઝવણમાં મુકાતાં જિલ્લા સમાહર્તા પાસે પોતાની વ્યથા ઠલવવા પહોંચ્યા હતા. મળતી માહિતી
મુજબ કોન્ટ્રાક્ટરો જિલ્લા કલેક્ટરને મળ્યા હતા અને ભાવવધારો અને ડામરની અછત અંગે અવગત
કર્યા હતા, સાથેસાથે જે સરકારી કામોના
કોન્ટ્રાક્ટ લેવાયા છે તેમાં ભાવવધારો આપવા સહિતની માંગ સાથે રજૂઆત કરી હતી. પ્રત્યુત્તરમાં જિલ્લા સમાહર્તાએ ડામરમાં ભાવવધારો
અને અછત સહિતની બાબતો અંગે રાજ્ય સરકારનું ધ્યાન દોરવામાં આવશે અને રજૂઆત સરકાર સુધી
પહોંચાડવામાં આવશે તેવું કહ્યું હતું. ગાંધીધામમાં હાલના સમયે 200 કરોડથી વધુના ખર્ચે રોડ-રસ્તાનાં
કામો થઈ રહ્યાં છે. આ ઉપરાંત ફાયર સ્ટેશન સહિતનાં કામ થઈ રહ્યાં છે. ફાયરનાં સાધનો
પણ યુદ્ધનાં કારણે અટવાયેલાં છે અને હવે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ સમુદ્રી માર્ગ ફરીથી બાધિત
થાય તેવી સંભાવના છે અને હાલના સમયે આ સમુદ્રી માર્ગની બંધ જેવી જ સ્થિતિ છે તેનાં
કારણે ક્રૂડમાં ભાવ તો વધ્યા જ છે, સાથેસાથે પેટ્રોલિયમ પેદાશનો ડામર પણ અછત હેઠળ આવ્યો છે. ગાંધીધામ સહિત કચ્છભરમાં
ડામરનાં ઘણાં કામો છે, હાલના સમયે ગાંધીધામમાં તો થોડી અસર પડી
જ રહી છે, પરંતુ જિલ્લાભરમાં ગંભીર અસર જોવા મળી રહી છે. આ સમુદ્રી
માર્ગ બંધ થતાં ડામર તેમજ ગાદલાના રો-મટીરિયલ, ફાયરનાં સાધનો
સહિતની સાધન સામગ્રી અટવાયેલી છે અને હવે તેને સીધી અસર ભાવવધારાના સ્વરૂપમાં બજારમાં
જોવા મળી રહી છે અને અછત પણ ગંભીર રીતે વર્તાઈ રહી છે. ડામરને લઈને કોન્ટ્રાક્ટરોએ
જિલ્લા સમાહર્તાને રજૂઆત કરી છે. આગામી સમયમાં તેનું શું પરિણામ આવે છે તે જોવાનું
રહ્યું છે. - ડામરમાં 28 દિવસનું વેઈટિંગ, મહત્ત્વના પાઇપ પણ મળતા નથી : ડામરમાં આવેલો ભાવવધારો અને અછત બાબતે કોન્ટ્રાક્ટરનો સંપર્ક
સાધતાં તેમણે ડામરમાં 28 દિવસનું વેઇટિંગ
ચાલી રહ્યું હોવાનું જણાવ્યું હતું. જો કે, હજુ થોડા દિવસ ગંભીર અસર નહીં વર્તાય, પરંતુ આગામી સમયમાં
સ્ટ્રેટ ઓફ હોર્મુઝ સમુદ્રી માર્ગ વ્યવસ્થિત રીતે કાર્ય નહીં થાય અને ક્રૂડના ભાવમાં
ઘટાડો નહીં આવે તો ડામરના મામલામાં સ્થિતિ ગંભીર બનવાની વકી પણ વ્યક્ત કરી હતી,
તો બીજી તરફ ગાંધીધામમાં જે કામો થઈ રહ્યાં છે તેમાં મહત્ત્વના પાઇપ
અને તે સંબંધિત સામગ્રી વિદેશથી આયાત થાય છે તેની પણ હાલના સમયે અછત છે, પાઇપ મળતા નથી, તેનાં કારણે ગાંધીધામમાં અમુક કામો અટવાયેલાં
છે.