ભુજ, તા. 14 : કચ્છમાં મહત્તમ તાપમાનમાં જોવા
મળી રહેલા ઉતાર-ચડાવ વચ્ચે તાપની આણ જારી રહી છે. મહત્તમ તાપમાનમાં સામાન્ય ઘટાડો જોવા
મળવા છતાં તાપની તીવ્રતામાં નામ માત્રથી રાહત મળી નહોતી. હવામાન વિભાગે આગામી દિવસોમાં
તાપ-ઉકળાટનો આ દોર યથાવત્ રહેવાની આગાહી કરી છે. અંજાર, ગાંધીધામને આવરી લેતા કંડલા (એ.) ક્ષેત્રમાં
40 અને ભુજમાં 39 ડિગ્રી મહત્તમ તાપમાને લોકોએ
તોબા પોકારતી ગરમીનો અનુભવ કર્યો હતો. ઊંચા લઘુતમ તાપમાનનાં કારણે રાત્રિનો સમય પણ
ઉકળાટભર્યો રહ્યો હતો. જિલ્લામાં સરેરાશ 12થી 20 કિ.મી.ની
ઝડપે લૂ ઓકતો ગરમ વાયરો ફૂંકાયો હતો. લૂવર્ષાનાં કારણે તાપની દાહકતામાં વધારો જોવા
મળ્યો હતો. હવામાન વિભાગે આગામી સપ્તાહમાં કેટલાંક સ્થળે કમોસમી વરસાદ વરસે તેવી આગાહી
કરી છે. જો કે, કચ્છમાં પણ હાલ ગરમ તો
વાતાવરણ સૂકું રહેશે તેવો વર્તારો આપવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, આ વખતે એપ્રિલમાં સામાન્ય કરતાં ઓછી ગરમીનો અનુભવ થયો છે.