• ગુરુવાર, 16 એપ્રિલ, 2026

મુરતિયાઓનું આખરી ચિત્ર આજે થશે સ્પષ્ટ

ભુજ, તા. 14 : કચ્છમાં 26 એપ્રિલે યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ફોર્મ ભરવા અને ચકાસણીની કામગીરી પૂર્ણ થઈ છે. બુધવારે ઉમેદવારી ફોર્મ ખેંચવાનો છેલ્લો દિવસ છે. આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ કચ્છમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી જંગમાં કેટલા મુરતિયાઓ મેદાનમાં રહેશે તેનું અંતિમ ચિત્ર સ્પષ્ટ થઈ જશે. ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થયા બાદ રાજકીય પક્ષોનો પ્રચાર વધુ વેગવંતો બનશે, તો વહીવટી તંત્ર ઈવીએમને ચૂંટણી કામગીરી માટે સજ્જ કરવા સહિતની અન્ય કામગીરીમાં પરોવાશે.  કચ્છમાં ગાંધીધામ મહાનગરપાલિકા, જિ. પંચાયતની 38 બેઠક, નવ તાલુકા પંચાયત અને પાંચ નગરપાલિકાની કુલ 448 બેઠક માટે અત્યાર સુધી 1,148 ઉમેદવાર મેદાનમાં છે. મહત્તમ બેઠકો બિનહરીફ કરવા માટે જારી દાવપેચ વચ્ચે અત્યાર સુધી 13 બેઠક બિનહરીફ થઈ ગઈ છે. ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે કેટલા ઉમેદવારીપત્રક પાછાં ખેંચાય છે તેના પર સૌની નજર મંડરાયેલી છે.  - ભાજપ-કોંગ્રેસ સીધો જંગ : કચ્છમાં મુખ્યત્વે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો ચૂંટણી જંગ જામવાનો છે, પણ કેટલીક બેઠકો પર આમ આદમી પાર્ટી, એઆઈએમઆઈએમએ પોતાના ઉમેદવાર ઉતાર્યા છે.  - રાજકીય દાવપેચ પરાકાષ્ઠાએ : ઉમેદવારીપત્રક પરત ખેંચવાના છેલ્લા દિવસે વધુ ને વધુ ફોર્મ પરત ખેંચાય અને બેઠકો બિનહરીફ થાય એ માટે રાજકીય દાવપેચ પરાકાષ્ઠાએ પહોંચ્યા છે. બેઠકો બિનહરીફ કરવા માટે શામ, દામ, દંડ, ભેદ અપનાવાઈ રહ્યા છે, તો ઉમેદવારોને છેલ્લી ઘડીએ સાચવવા માટે અજ્ઞાત સ્થળે પણ લઈ જવાયા છે. ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે તડજોડનો માહોલ ગરમાયેલો જોવા મળશે એ નિશ્ચિત લાગી  રહ્યું છે. - પ્રચાર વેગ પકડશે : ઉમેદવારોનું આખરી ચિત્ર સ્પષ્ટ થયા બાદ હવે પ્રચાર પણ વેગ પકડશે. આમેય આ વખતે રાજકીય પક્ષોને આંગળીના વેઢે ગણાય તેટલા જ દિવસો મળ્યા છે, ત્યારે ગરમીના આ માહોલમાં રાજકીય ગરમી પોતાનો રંગ દેખાડશે. - વહીવટી કામગીરી વેગવંતી બનશે  : ઉમેદવારો નક્કી થયા બાદ ઈવીએમમાં હરીફ ઉમેદવારોનાં નામ મૂકવા સહિતની અન્ય વહીવટી કામગીરી વેગ પકડશે. સંવેદનશીલ અને અતિસંવેદનશીલ મતદાન મથકો તારવવા સહિતને માટે આગામી દિવસોમાં બેઠક પણ મળવાની છે.  

Panchang

dd