• શુક્રવાર, 27 માર્ચ, 2026

વિશેષ પ્રકારના શ્વાસમાં જીવવું એનું નામ વિશ્વાસ

મહેશ સોની દ્વારા : ભુજ, તા. 26 : પૃથ્વી નામના ગ્રહ પર, ભારતવર્ષમાં અયોધ્યા, મથુરા, હરિદ્વાર, કાશી, કાંચીપુરમ, ઉજ્જૈન, દ્વારકા આ સાત મોક્ષદાયિની પવિત્ર નગરીમાં પ્રથમ એવી અયોધ્યામાં વેદના ત્રણેય કાંડમાં પારંગત એવા દશરથકુળમાં અવતાર લેવો છે તેવાં ભગવાન શ્રી રામે વ્યક્ત કરેલા નિર્મિતના મંગલમય  વર્ણન સાથે રામનવમી પૂર્વે ચૈત્રી આઠમના પાવન અવસરે રામકથા-984ના છઠ્ઠા દિવસે કથાકાર મોરારિબાપુએ રામ પ્રાગટયની ઝાંખી કરાવી હતી.  આ ભાવાવહીમાં શ્રોતાઓને નયનમાં હર્ષાશ્રુ સાથે પરમ આનંદ અને આત્મિક અનુભૂતિ થઈ હતી. દરેકના હૃદયમાં રામ પ્રગટયા હોય તેવા આનંદ સાથે માધાપર અયોધ્યામય બન્યું હતું. આજના અવસરે વિશ્વાસ અને શ્રદ્ધાનો મહિમા જણાવતાં વિશેષ પ્રકારના શ્વાસમાં જીવવું એવી વિશ્વાસની વ્યાખ્યા કહી હતી. કથા એના અંતિમ ચરણમાં છે ત્યારે  નવમા દિવસે `માનસ મુકુરાષ્ટક' પૂર્ણ થાય અને `માનસ મુસ્કુરાહટ'ની શરૂઆત થાય અને બાપુના ચહેરા પર સ્મિતની અભિલાષા કરનારા એવા કચ્છી માડુઓ હંમેશાં હસતા રહે તેવા આશીર્વાદ પાઠવ્યા હતા. કથાના છઠ્ઠા દિવસે રામનવમીના પવિત્ર બાપુએ શ્રોતાઓને રામનવમીની શુભકામના પાઠવી હતી. ગઈકાલે બાપુએ મુંદરાના ઝરપરાની લીધેલી મુલાકાત વિશે ચર્ચા છેડતાં જણાવ્યું હતું કે, મને એક સવાલ પૂછવામાં આવ્યો હતો કે મનદર્પણ પર ધૂળ લાગી જાય તો તેની સફાઈ કેમ કરવી ત્યારે મેં તેને કહ્યું હતું કે, દર્પણ ભલે ચંચળ હોય, પણ વિશ્વાસને ડગવા ન દેજો, રામ પર વિશ્વાસ રાખજો. જ્યાં સંસ્કાર, આચાર-વિચાર અપાતા હોય તેવી સભામાં બેસવાની શીખ આપતાં બાપુએ કહ્યું કે, જેથી વિશ્વાસ ડગે નહી. બપુએ કહ્યું કે, રામાયણમાં પહેલો મહિમા સનાતનનો ઉલ્લેખ છે. સનાતન ધર્મનો મહિમા રામાયણનો પાયો છે. પુથ્વી પર રામ અવતરણના પ્રસંગને વર્ણવતાં બાપુએ જણાવ્યું હતું કે, રામના જન્મને વધાવવા દેવો બધા વાનર બને છે. મહાદેવ શંકર પણ હનુમાનજી બની પ્રભુ રામનાં આગમનને વધાવવા આવી પહોંચ્યા છે. પંચાગના પાંચેય યોગ મંદ, સુગંધ, શીતળ વાય છે. આકાશમાંથી પુષ્પવર્ષા થાય છે. માતા કૌશલ્યાને ત્યાં પુત્ર રૂપે ભગવાન રામનો જન્મ થાય છે. આ રામનવમીના પર્વે માધાપરમાંયે રામજન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.  આજની કથામાં શ્રી 1008 ઓમકારેશ્વરદાસજી (ભાદ્રો, મધ્યપ્રદેશ), કવિ આલ, જાનકીદાસ બાપુ, સીતારામ બાપુ, પ્રહલાદસિંહ ગોહિલ, પૂર્વ રાજ્યમંત્રી વાસણભાઈ આહીરધોળાવીરાના સરપંચ જીલુભા સોઢા વિનોદભાઈ સોલંકી, વેલજીભાઈ ભુડિયા, ઝીણાભાઈ દબાસિયા સહિતના અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. રામકથાને સફળ બનાવવા પ્રવીણભાઈ તન્ના, યોગેશભાઈ ગજ્જર, હિતેશભાઈ પ્રભુદાસ સોની, ભાવેશભાઈ ઠક્કર, લક્ષ્મણસિંહ વાઘેલા, નાનુભાઈ, વી.કે. પટેલ, હેમંત વાયડા, રિશી જોશી, ઘનશ્યામ જોશી વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે. - કચ્છમિત્ર-કલ્યાણમિત્ર : બાપુએ કહ્યું કે, એક ભક્તજને મને પૂછ્યું કે, તમે કચ્છ સાથે કેવો સંબંધ ધરાવો છો તેનો જવાબ આપતાં બાપુએ કહ્યું હતું કે, કચ્છને મિત્ર ગણું છું. કચ્છમિત્ર છે. કચ્છની અસ્મિતાપૂર્ણ ભૂમિને વંદન, અહીંની આયોજક ટીમ, સ્વયંસેવકો, મનોરથી યજમાન પરિવાર, શ્રોતાઓને વંદન કરું છું. રામકથાનો પ્રકાશ વિશ્વમાં ફેલાઈ રહ્યો છે તેનું મને ગૌરવ છે. બાપુએ કચ્છમિત્રને કલ્યાણમિત્ર ગણાવ્યું હતું. - તુ હી બિગાડે, તુ હી સંવારે ઇસ જગ કે સારે કામ : માધાપર કથા અવસરે ગઇકાલે વરસેલા આંધી સાથેના વરસાદને પગલે કથામંડમને ભારે નુકસાન પહોંચ્યું હતું. મુખ્ય મંડપ, મેદાનમાં તેમજ સાઉન્ડ સિસ્ટમમાં પાણી ભરાયા હતા, પરંતુ રામનાં કામ કદી અટકે નહીં. માધાપરે યુદ્ધ વખતે પણ રનવે બનાવીને શક્તિ સાથે એકતાનનું પ્રદર્શન કર્યું હતું, ત્યારે કથામાં આવેલા વિઘ્નને પાર પાડતાં સમયસર બીજા દિવસે પૂર્વનિર્ધારિત રીતે કથા પ્રારંભ થઇ શકે તે માટે માધાપરના અરજણભાઇ ભુડિયાનાં માર્ગદર્શન હેઠળ 150થી વધુ યુવા ભાઇ-બહેનોની ટીમ કામે લાગી ગઇ હતી. મુખ્ય મંડપ તથા મેદાનમાં ભરાયેલાં પાણીને કઢાયાં હતાં અને સાઉન્ડ સિસ્ટમ પણ વ્યવસ્થિત કરાઇ હતી. રસોડામાં પણ પુન: વ્યવસ્થા ગોઠવાઇ હતી. મોડી રાત્રિ સુધી પ્રકાશ ગોરસિયા, નારણ ભુડિયા, જાદવજી ભુડિયા, સંજય ભુડિયા, પ્રકાશ વાગડિયા, સનાતન રઘુનાથજી મંદિર યુવા કાર્યકરો, સ્વામિનારાયણ મંદિર માધાપરના યુવાએ સેવા આપી હતી.

Panchang

dd