કપિલ જોશી દ્વારા : નલિયા, તા. 26 : તાલુકા અને જિલ્લા પંચાયતની
સામાન્ય ચૂંટણીના ભણકારા વાગી રહ્યા છે. ચૂંટણીપંચ અને વહીવટી તંત્ર આ માટેની તૈયારીઓમાં
લાગી ગયું છે. સીટ વાઈઝ રોટેશન જાહેર થઈ જતાં જ અબડાસા તાલુકામાં પણ રાજકીય ગરમાવો
જોવા મળી રહ્યો છે. મુખ્ય પક્ષો એવા ભાજપ અને કોંગ્રેસ દ્વારા અંદરખાને મજબૂત તથા જીતી
શકે તેવા ઉમેદવારોની પસંદગી માટે કવાયત હાથ ધરવામાં આવી છે. બીજી તરફ, તાલુકા અને જિલ્લા પંચાયતના ઉમેદવાર બનવા ઈચ્છુક
પક્ષના કાર્યકરો અને અગ્રણીઓએ પોતે સક્ષમ હોવાના દાવા સાથે ટિકિટ મેળવવા માટે લાબિંગ
શરૂ કરી દીધું છે, તો અબડાસામાં કોઈ પક્ષ હાથ ન પકડે તો ત્રીજો
મોરચો તૈયાર કરવા ચોગઠાં ગોઠવાઈ રહ્યાં છે. - ટિકિટ માટે ઉત્સુકતા : રાજકીય ચર્ચાઓ મુજબ, જે-તે પાર્ટીના બળવાખોરો અને ભૂતકાળમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવા બદલ જેમને
સાઈડલાઈન કરવામાં આવ્યા છે, તેવા લોકો પણ હવે સમજોતો કરી ટિકિટ
મેળવવા સક્રિય થયા છે. જો પાર્ટી ટિકિટ ન આપે, તો ભાજપ અને કોંગ્રેસના
અસંતુષ્ટો ભેગા મળીને આપનો ઝાડુ હાથમાં લેવા તૈયાર થઈ ગયા છે. સામાન્ય રીતે અબડાસા તાલુકો કોંગ્રેસનો ગઢ માનવામાં
આવે છે અને મતદારોનો ઝુકાવ મોટાભાગે કોંગ્રેસ તરફી રહેતો હોય છે. વર્ષ 2021ની ચૂંટણીમાં પણ કોંગ્રેસે
જંગ જીત્યો હતો. જિલ્લા પંચાયતની ત્રણ બેઠકમાંથી `વાયોર' અને `નલિયા' એમ બે
બેઠક પર કોંગ્રેસે વિજય મેળવ્યો હતો, જ્યારે `મોથાળા'
બેઠક ભાજપના ફાળે ગઈ હતી. તેવી જ રીતે, તાલુકા
પંચાયતની કુલ 18 બેઠકમાંથી
કોંગ્રેસે 10 બેઠક જીતી સ્પષ્ટ બહુમતી હાંસલ
કરી હતી, જ્યારે ભાજપને આઠ બેઠકથી સંતોષ માનવો પડયો હતો.
પાછળથી કોંગ્રેસના સભ્યોએ ભાજપ મિલાવતાં સત્તાપલટો થઈ ગયો હતો. - બહુમતી હોવા છતાં... : 2021માં બહુમતી
મળતાં કોંગ્રેસે પ્રથમ અઢી વર્ષ માટે મોટી બેર બેઠક પરથી ચૂંટાયેલા સદસ્યા તેજબાઈ લાખા
કેરને પ્રમુખ પદના ઉમેદવાર બનાવ્યા હતા. પક્ષના તમામ સભ્યોએ વ્હીપ મુજબ મતદાન કરતાં
તેઓ પ્રમુખ બન્યા અને કોંગ્રેસે પંચાયત પર કબજો મેળવ્યો, પરંતુ પ્રથમ ટર્મ પૂર્ણ થયા બાદ પ્રમુખ પદનું
રોટેશન `સામાન્ય'
થતાં જ કોંગ્રેસમાં આંતરિક ખેંચતાણ અને વિખવાદ વધ્યો હતો. આ વિખવાદ એટલી
હદે વકર્યો કે, કોંગ્રેસના ત્રણ સભ્યએ બળવો કર્યો હતો,
જેમાં વાયોર બેઠકના મહાવીરાસિંહ જાડેજા, તેરા બેઠકના
હુરબાઈ અબ્બાસ માંજોઠી અને મોથાળા બેઠકના શિવજીભાઈ મહેશ્વરીએ ભાજપને ટેકો આપ્યો હતો.
ભાજપે આ અસંતોષનો લાભ લઈ તોડજોડની રાજનીતિ રમીને બહુમતી ન હોવા છતાં અબડાસા તાલુકા
પંચાયત પર સત્તા હાંસલ કરી હતી અને ભાજપની
વરાડિયા સીટ પરથી ચૂંટાયેલા મહાવીરાસિંહ જાડેજા પ્રમુખ બન્યા
હતા. - આતંરિક કલહ સબકા રોગ : હાલના સંજોગોમાં ભાજપ અને કોંગ્રેસ બંને
પક્ષ આંતરિક કલહનો સામનો કરી રહ્યા છે. ભાજપમાં વિધાનસભા ચૂંટણી વખતે ઊભો થયેલો અસંતોષ
હજુ શમ્યો નથી, તો કોંગ્રેસમાં તાજેતરમાં
પ્રમુખ પદની નિમણૂકને લઈને અસંતોષ ચરમસીમાએ છે. હવે જોવાનું એ રહેશે કે, કયો પક્ષ પોતાના અસંતુષ્ટોને મનાવી પંચાયત પર કબજો મેળવવામાં સફળ રહે છે કે
પછી આ અસંતુષ્ટો નવો મોરચો માંડી પક્ષને નુકસાન પહોંચાડે છે અને જો આપનો ઝાડુ પકડે
તો આમ આદમી પાર્ટીનો પ્રવેશ થઈ શકે છે, તેવું અત્યારે રોટેશનવાર
નજર રાખનારા જાણકારોએ કહ્યું હતું. - `આપ' મેદાનમાં
આવશે : આમ આદમી પાર્ટી
પણ મેદાનમાં આવી છે. `આપ'એ તાલુકામાં સંગઠન રચીને સક્રિયપણે ચૂંટણી લડવાનું
નક્કી કર્યું છે. કોંગ્રેસના ભૂતપૂર્વ સભ્ય અને ભાજપને સત્તા અપાવવામાં મદદ કરનાર તાલુકા
પ્રમુખ બનાવી આમ આદમી પાર્ટી પણ ચૂંટણી જંગમાં ઝંપલાવશે, આમ હાલમાં
અબડાસાનો જંગ `િત્રપાંખિયો' દેખાઈ રહ્યો છે, પરંતુ
જો ભાજપ-કોંગ્રેસના અસંતુષ્ટો સાથે સમાધાન નહીં થાય તો નવો મોરચો રચાતાં આ જંગ `ચોપાંખિયો' પણ બની શકે છે. બીજીબાજુ જાણકારોએ કહ્યું હતું
કે, રોટેશન જે રીતે જાહેર થયું છે એ જોતાં પોતાનાં ચોગઠાં નહીં
ગોઠવાય એવું માનીને નારાજગી વ્યક્ત કરી રહ્યા છે ને ચોક્કસ લોકોની પ્રવેશબંધી થઈ જાય
એ નિશ્ચિત હોવાથી હવે કયાં-કોને હટાવીને બદલો લેવો એ તો ઉમેદવારો જાહેર થાય ત્યારે
બહાર આવશે, પણ અબડાસામાં નલિયા જિલ્લા પંચાયતની એકમાત્ર સામાન્ય
બેઠક ઉપર લડવા અનેક `મુરતિયા' તૈયાર છે એ જાણવા મળ્યું હતું. રોટેશનથી 15 તાલુકા પંચાયતના સભ્યો અને
ત્રણ જિલ્લા પંચાયતની બેઠક વર્તમાન સભ્યો માટે રહી નથી, એટલે ક્યાંક આગળ `માજી'
શબ્દ લાગી ન જાય એ માટેના પ્રયાસો થઈ રહ્યા છે.