• સોમવાર, 16 માર્ચ, 2026

એ.આઈ. દ્વારા ઓછી મહેનતે મોટા લક્ષ્ય હાંસલ થશે

ભુજ, તા. 14 : એ.આઈ. (આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ) એ કોઈ ફોટો એડિટ કરીને રાજી થવાની ટેક્નોલોજી નથી, પરંતુ આપણા કારોબાર, ઉદ્યોગ અને દેશના વિકાસની એક ચાવી છે. કચ્છમાં પણ એ.આઈ. દ્વારા સુદૃઢ ભાવિ અંકિત કરી શકવાની તાકાત છે. અહીંના ઉદ્યોગપતિઓ અને ઉદ્યોગ સાહસિકો માત્ર એ.આઈ.નો યોગ્ય ઉપયોગ શીખી લે તો ઓછી મહેનતે વિકસતા વિશ્વના ડગ સાથે ડગ માંડી શકે છે, એમ કચ્છમિત્ર, કચ્છ કોર્પોરેટ ફોરમ અને ગાંધીધામ ચેમ્બર એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા આયોજિત એ.આઈ. એન્ડ સોશિયલ મીડિયા માસ્ટરક્લાસમાં વિવિધ ક્ષેત્રના તજજ્ઞોએ જણાવ્યું હતું. - કોલેજનો સભાખંડ બન્યો માસ્ટરક્લાસ : ગઈકાલે ગાંધીધામ ખાતે આયોજિત માસ્ટરક્લાસ બાદ આજે  વિવિધ ક્ષેત્રના તજજ્ઞોએ એ.આઈ. જેવા જટિલ વિષયને પંચતંત્ર, મહાભારતનાં ઉદાહરણો સાથે સરળ ભાષામાં ઉપસ્થિતો સમક્ષ મૂકતાં મુક્તજીવન મહિલા કોલેજનો વાતાનુકૂલિત સભાખંડ સાચા અર્થમાં ટેક્નોલોજી શીખવતો માસ્ટરક્લાસ બન્યો હતો. - એઆઈ એટલે અમાપ શક્યતાઓ : ઔપચારિક દીપ પ્રાગટયથી આરંભાયેલા કાર્યક્રમમાં સોશિયલ મીડિયામાં સાડા સાત ફોલોઅર સાથે આગવું નામ ધરાવતા આર્થિક રણનીતિકાર અભિષેક કરે પોતાનાં ઉદ્બોધનની શરૂઆત એ.આઈ.થી બનાવાયેલા ફોટા દ્વારા કરતાં તુરંત જ ઉપસ્થિતોને સમજાવ્યું હતું કે, એ.આઈ. એ માત્ર ફોટા સુધી સીમિત નથી. આ ટેક્નોલોજી એક અમાપ શક્યતાઓથી ભરેલી છે. - ડરો નહીં, સમજથી અપનાવો એ.આઈ. આવવાથી નોકરીઓ જવાની એવો ભય અત્યારે વ્યાપક છે, ત્યારે શ્રી કરે સ્પષ્ટ કહ્યું કે, એ.આઈ.થી ડરવાની નહીં, તેને સમજપૂર્વક અપનાવવાની જરૂર છે. તેમણે કહ્યું કે, એ.આઈ. ગમે તે ભાષાના ભાષાંતરમાં સક્ષમ હોવાથી તમારી વાત તમે દેશના કોઈ પણ રાજ્યમાં કે વિદેશમાં પણ સરળતાથી મૂકી શકો છો. આ ફીચર માત્ર સંબંધ વિકસાવવા માટે જ નહીં, ઉદ્યોગના વિકાસનાં પણ નવાં દ્વાર ખોલી શકે છે. - સમયસર ટેક્નોલોજી અપનાવો : અભિષેક કરે બીએસઈ-એનએસઈ સહિત અનેક ઉદાહરણો મૂકી શ્રોતાઓને સમયસર ટેક્નોલોજી અપનાવી લેવાથી થતા ફાયદાઓથી અવગત કર્યા હતા. - બે મેન્ટોર જરૂરી : એ.આઈ. માસ્ટરક્લાસના દોરને આગળ વધારતાં લીડરશિપ કોચ માનસી વાય. ઠક્કરે ચાણક્યનીતિનાં માધ્યમથી એ.આઈ.ની સમજ આપી હતી. ગુજરાતી, હિન્દી અને અંગ્રેજીના મિશ્રણ સાથેની સરળ શૈલીમાં તેમણે કહ્યું હતું કે, સફળતા મેળવવી હોય તો પબ્લિક મેન્ટોર અને સિક્રેટ મેન્ટોર હોવા જોઈએ અને સિક્રેટ મેન્ટોરની વાત સૌ પહેલાં સાંભળવી જોઈએ. - એ.આઈ. પર આંધળો ભરોસો બની શકે જોખમી : એ.આઈ. આખરે તેનું નામ જ સૂચવે છે તેમ `આર્ટિફિશિયલ' છે. તેના પર આંધળો વિશ્વાસ મૂકી ન શકાય. નેટ પર આવતી બાબતોને ચકાસ્યા સિવાય મૂકવી ઘણી વખત જોખમી બનતી હોય છે. - બ્રાન્ડ કાયમી છે એ ધ્યાન રાખો : માનસી ઠક્કરે કંપનીમાં એ.આઈ.ના ઉપયોગ પહેલાં ટીમ તૈયાર કરવા અને જ્યાં સુધી ટીમ તૈયાર ન થાય ત્યાં સુધી કંપનીમાં એ.આઈ. જ નહીં, સોશિયલ મીડિયા પણ ન કરો તેવી શીખ આપતાં સ્પષ્ટ કહ્યું કે, બ્રાન્ડ કાયમી છે એ વાત કાયમ યાદ રાખજો. - સંઘર્ષથી સફળતાનો માર્ગ : પરિવહન ઉદ્યોગમાં સીમાચિહ્નરૂપ સ્થાન ધરાવતા વી- ટ્રાન્સના મોવડી અશોક શાહે કંપનીના સંઘર્ષથી સફળતાની ગાથા સાથે એ.આઈ.ને સાંકળતાં ઉપસ્થિતોને કેટલીક મહત્ત્વની ગુરુચાવી આપી હતી. તેમણે પોતાનાં ઉદ્બોધનની શરૂઆતમાં જ સિદ્ધાંતોનાં મહત્ત્વને અંકિત કરતાં કહ્યું કે, સિદ્ધાંતની કેડી ભૂલશો તો વિકાસની મંજિલે પહોંચી શકાશે નહીં. - પડકારોમાં રહેલી તક પિછાણો : પોતે નાની વયે કંપનીમાં પ્રવેશ કર્યો તે પછી પડકારોના કરેલા સામનાના ઉદાહરણ સાથે શ્રી શાહે શ્રોતાઓને કહ્યું કે, નવું કરતા રહેવાથી સફળતા મળવાની સંભાવના વધી જાય છે. એ.આઈ.નું પણ એવું જ છે. તે અત્યારે પડકાર લાગી રહ્યો છે, પણ હકીકતમાં તેમાં રહેલી તકને પિછાણવાની જરૂર છે. - એ.આઈ.નો જમાનો છે એ સ્વીકારો : આજે અનેક કંપનીઓ અને વ્યક્તિઓ, પણ એ.આઈ.ને એટલું મહત્ત્વ આપી રહી નથી, પરંતુ એક વાત સમજો, એ.આઈ.એ આવતીકાલની અનિવાર્યતા બનવાની છે જો અત્યારથી તેની સાથે ચાલશું તો સફળતા મળવાથી કોઈ રોકી શકશે નહીં. - ગમતાનો કરીએ ગુલાલ : આરંભમાં, કાર્યક્રમના સહઆયોજક કચ્છ કોર્પોરેટ ફોરમના મુકેશ દેઢિયાએ એ.આઈ.ની ભૂમિકા બાંધતાં કહ્યું કે, આજના આર્થિક જગતમાં ઉદ્યોગ સાહસિકતા જ સૌથી મોટો ધર્મ છે. એ.આઈ.નો ઉપયોગ ઉદ્યોગના વિકાસને આગળ વધારશે. તેમણે કહ્યું કે, ધંધો એવો કરવો જ્યાં તમારી સ્ટ્રેન્થ હોય, જો એ તમારી હોબી હોય તો એવો ધંધો અવશ્ય કરવો જોઈએ. ચાર યુવાનોને મંચ પર બોલાવીને રસપ્રદ પ્રશ્નોત્તરીની તેમની છટા શ્રોતાઓને ખૂબ ગમી હતી. શ્રી દેઢિયાએ તેમના ફોરમની ગતિવિધિનો ખ્યાલ આપી તેમણે આ ફોરમ તમામ માટે ખુલ્લું મુકાયાનો પુનરોચ્ચાર કરતાં કહ્યું કે, અમે વિઝન વધાર્યું તો નવા વિચાર મળ્યા છે. - એ.આઈ. જ ખરું ભવિષ્ય : કાર્યક્રમની શરૂઆતમાં પ્રાસંગિક ઉદ્બોધન કરતાં સૌરાષ્ટ્ર ટ્રસ્ટના યુવા મેનેજિંગ ટ્રસ્ટી હાર્દિકભાઈ મામણિયાએ અરીસાનું ઉદાહરણ આપતાં કહ્યું કે, અરીસો પ્રતિબિંબ દર્શાવવાની સાથે સત્ય સાથે પણ પરિચય કરાવે છે. ચાર યંગસ્ટર સાથે મંચ પર સંવાદ કરીને હાર્દિકભાઈએ રદપ્રદ છણાવટ કરી હતી. એ.આઈ. આપણું ભવિષ્ય છે અને આપણે જેટલો એ બાબતનો સ્વીકાર જલ્દી કરશું, સફળતાના માર્ગે આપણી સફર એટલી સરળ બનવાની છે. - કચ્છમિત્રની પહેલ : કચ્છમિત્રએ હંમેશાં ટેક્નોલોજીને અપનાવી છે. એ.આઈ.ને કચ્છમાં લાવવાની પહેલ પણ આ અખબાર કરી  રહ્યું છે, એમ કહેતાં સૌરાષ્ટ્ર ટ્રસ્ટના ટ્રસ્ટી સંજયભાઇ એન્કરવાલાએ પ્રતિભાવમાં જણાવ્યું હતું કે, કચ્છમિત્ર અને જન્મભૂમિ ગ્રુપ હંમેશાં સમાજને ઉપયોગી થવા તત્પર રહ્યું છે. - વિવિધક્ષેત્રના શ્રોતાઓની વિશાળ હાજરી : સ્થાનિક જિજ્ઞાસુઓ ઉપરાંત સોશિયલ મીડિયા પર સક્રિય લોકો, ઉદ્યોગ સાહસિકોડોક્ટરો, વકીલો આયોજક સંસ્થાઓના મોવડીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કપિલ ગોસ્વામીએ સંચાલનનો દોર સંભાળતાં પોતાની ચમત્કૃતિનો અનુભવ કરાવ્યો હતો. એક તબક્કે અભિષેક કરે કપિલ ગોસ્વામી દ્વારા કાર્યક્રમના ટૂંકા, પરંતુ જીવંત સંચાલનની નોંધ લેવી પડી હતી. 

Panchang

dd