ભુજ, તા. 14 : ભુજનાં
પ્રવેશદ્વાર પર જ્યારે શહેરના સ્થાપકની પ્રતિમા સ્થાપિત થાય એ ખરેખર ગૌરવપૂર્ણ ક્ષણ
અને ઐતિહાસિક ઘટના હોવાનું સાંસદ વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું હતું. નગરપાલિકા દ્વારા શહેરનાં પ્રવેશદ્વાર સમા આર.ટી.ઓ.
રિલોકેશન સાઇટ ખાતે આવેલા એન્કરવાલા સર્કલના રિનોવેશન સાથે ભુજના સ્થાપક રા'બાવા ખેંગારજી પ્રથમની પ્રતિમા સ્થાપિત કરી લોકાર્પણ કરાયું, ઉપરાંત શહેરના ત્રણ બાગમાં વિકાસકામો કરીને ખુલ્લા મુકાયા હતા. આ અવસરે
સાંસદ શ્રી ચાવડાએ વધુમાં ઉમેર્યું કે,
શહેરના ત્રણ બાગને નવીનીકરણ કરી ખુલ્લા
મુકાતાં લોકોને હરવા - ફરવાની સુવિધાઓમાં વધારો
થશે. - ભુજના સ્થાપકની પ્રતિમા મુકાઈ એનું ગૌરવ
: વોટરમેન તરીકે ખ્યાતિ પામેલા અને કચ્છને
હરિયાળું બનાવવાની નેમ ધરાવતા સ્વ. દામજીભાઈ એન્કરવાલાના પુત્ર અને સૌરાષ્ટ્ર ટ્રસ્ટના
ટ્રસ્ટી સંજયભાઈ એન્કરવાલાએ આ અવસરે એન્કરવાલા સર્કલ પર ભુજના સ્થાપકની પ્રતિમા મુકાઈ
એ ગૌરવની ક્ષણ છે. આ ઉમદા કાર્ય બદલ પરિવાર વતી નગરપાલિકા તેમજ આ સર્કલ નવનિર્માણમાં
જોડાયેલા તમામનો આભાર વ્યક્ત કર્યો હતો. - કચ્છના વિકાસમાં હંમેશાં સહભાગી : આ અવસરે ખાસ ઉપસ્થિત સૌરાષ્ટ્ર ટ્રસ્ટના મેનેજિંગ
ટ્રસ્ટી હાર્દિકભાઈ મામણિયાએ એન્કર સર્કલના લોકાર્પણનો રાજીપો વ્યક્ત કરતાં જણાવ્યું
કે, કચ્છનાં વિવિધ ક્ષેત્રે વિકાસમાં સહયોગ માટે સૌરાષ્ટ્ર ટ્રસ્ટ અને કચ્છમિત્ર
હંમેશાં અગ્રેસર રહે છે અને રહેશે. - શહેરના વિકાસ માટે તૈયારી : જિલ્લા પંચાયતના પ્રમુખ જનકસિંહ જાડેજાએ જણાવ્યું કે, આવનારા દિવસોમાં શહેરના વિકાસમાં સહભાગી રહીશું. - 5.65 કરોડના ખર્ચે માર્ગોનાં કામો કરાશે : ભુજ નગરપાલિકાના પ્રમુખ રશ્મિબેન સોલંકીએ આ અવસરે ખુશીની લાગણી વ્યક્ત
કરી ઉમેર્યું કે, યુડીપી-88 વર્ષ 2025-26 ગ્રાન્ટ અંતર્ગત અંદાજિત 5.65 કરોડના ખર્ચે રસ્તાનાં કામો કરાશે તેમજ
આ રકમ તમામ વોર્ડ વાઇસ વહેંચણી કરી વિસ્તારનાં કામો કરાશે. - ભુજ પર્યટકોનું માનીતું સ્થળ : કારોબારી ચેરમેન મહિદીપસિંહ જાડેજાએ જણાવ્યું
કે, તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના પ્રધાનમંત્રી એવા નરેન્દ્રભાઇ મોદીની
દીર્ઘદૃષ્ટિથી કચ્છ આજે ટૂરિઝમનું હબ બની ગયું છે, જેમાં
ખાસ કરીને કચ્છનું પાટનગર ભુજ એ પર્યટકોનું માનીતું સ્થળ છે, ત્યારે સ્ફૂરેલા વિચારને પગલે શહેરની સ્થાપના કરી કચ્છનું મુખ્ય વહીવટી
મથક બનાવ્યું એવા રાવ ખેંગારજી પ્રથમની પ્રતિમા સ્થાપવી જોઇએ જે વિચાર આજે મૂર્તિમંત
થયો, અંદાજિત રૂા. 100 લાખના
ખર્ચે શહેરના ત્રણ બગીચા મંગલમ પાર્ક,
ખેંગાર પાર્ક અને દાદા-દાદી પાર્કનું નવીનીકરણ કરાયું, જેમાં
દાદા-દાદી પાર્ક માટે રૂા. 15 લાખની
ગ્ર્રાન્ટ સાંસદ વિનોદભાઇ ચાવડા દ્વારા ફાળવાઇ
છે, જે બદલ તેમનો આભાર વ્યક્ત કર્યો હતો. - રાજવી પરિવાર, અગ્રણીઓની ઉપસ્થિતિ : મૂર્તિના દાતા પબ્લિક પાર્ક સ્પોર્ટસ ક્લબના પરાક્રમસિંહ જાડેજા, રાજવી પરિવારના મયૂરધ્વજસિંહ જાડેજા (તેરા ઠાકોર), કૃતાર્થસિંહ જાડેજા (રોહા ઠાકોર),
કુંવર ઇન્દ્રજિતસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા
હતા. ઉપરોક્ત પ્રસંગે ભુજ નગરપાલિકાના ઉ.પ્ર. ઘનશ્યામભાઇ ઠક્કર, શાસક પક્ષના નેતા કમલ ગઢવી,
દંડક રાજેશ ગોર, શહેર ભાજપ પ્રમુખ મીત ઠક્કર,
નગરપાલિકા બાંધકામ સમિતિના ચેરમેન દિવ્યરાજસિંહ
જાડેજા સહિત સત્તાપક્ષના હોદ્દેદારો,
સભ્યો, અગ્રણીઓ
ઉપસ્થિત રહ્યા હતા.