• ગુરુવાર, 05 માર્ચ, 2026

ઉદ્યોગ-શિક્ષણના સેતુથી કચ્છમાં નવી રોજગારીના દ્વાર ખુલ્યા

ગાંધીધામ, તા. 6 : ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ ઇન્ડસ્ટ્રી દ્વારા ચેમ્બર ભવન ખાતે આયોજિત ગાંધીધામ કોલેજિયટ બોર્ડ-તોલાણી વિદ્યામંદિર તેમજ દીનદયાલ પોર્ટ ઓથોરિટીની સીએસઆર પહેલના સહયોગથી યોજાયેલી ઉદ્યોગ કેન્દ્રિત સ્કિલ ડેવલપમેન્ટ બ્રેઇન સ્ટામિંગ બેઠકમાં રોજગાર ક્ષેત્ર માટે ઉદ્યોગ શિક્ષણ અને કૌશલ્ય વિકાસના ત્રિવેણી સંગમરૂપ પોર્ટ, શાપિંગ, લોજિસ્ટિક, મરીન, ઊર્જા તથા સહાયક ક્ષેત્રોના અગ્રણીઓએ ચર્ચા કરીને ભવિષ્યલક્ષી માર્ગ ચિત્ર તૈયાર કર્યું હતું.  - આજનો સમય કૌશલ્ય અને  વ્યવહારુ જ્ઞાનનો છે : ચેમ્બર પ્રમુખ તેજાભાઈ કાનગડે આજનો યુગમાત્ર ડિગ્રીનો નથી, પરંતુ કૌશલ્ય અને વ્યવહારુ જ્ઞાનનો છે તેવું કહ્યું હતું. ઉદ્યોગોની જરૂરિયાત અને ઉપલબ્ધ માનવ સંસાધન વચ્ચે કૌશલ્યનો અભાવ જોવા મળે છે. આ અંતર દૂર કરવા ચેમ્બર સતત પ્રયત્નશીલ છે. તેમ કહીને આદિપુરની તોલાણી કોલેજમાં ચેમ્બરની પહેલથી ચાલતા ટેલી અને એકાઉન્ટના કૌશલ્યવર્ધક કોર્સ અને સફળતાનું ઉદાહરણ આપ્યું હતું. મરીન, પોર્ટ ઓપરેશન્સ, લોજિસ્ટિક તથા મશીન મેન્ટેનન્સ અને સેફ્ટી ડિજિટલ ટેક્નોલોજી તથા ગ્રીન એનર્જી જેવાં ક્ષેત્રમાં નવા અભ્યાસક્રમો ઘડવામાં આવશે તેમ જણાવ્યું હતું.  - કુશળ યુવા શક્તિ તૈયારનું વિઝન  : ચેમ્બર ઉપપ્રમુખ દીપક પારેખે ચેમ્બર ઉદ્યોગ અને શિક્ષણ વચ્ચે સેતુ તરીકે કાર્ય કરતા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ઓટોમેસન, ડિજિટલ લોજિસ્ટિક્સ ગ્રીન એનર્જી ટેક્નોલોજી અને સ્માર્ટ પોર્ટ ઓપરેશન જેવાં નવીનતમ ક્ષેત્રમાં ઇન્ડસ્ટ્રી અને ભાવિ જરૂરિયાતોને અનુરૂપ કૌશલ્ય વિકાસ કાર્યક્રમ તૈયાર કરવા માટે વ્યાપક ચર્ચાનું આયોજન કર્યું હોવાનું કહ્યું હતું. આ પહેલ દ્વારા કુશળ યુવા શક્તિ તૈયાર કરવાના ચેમ્બરનાં વિઝનને મૂળ સ્વરૂપ મળશે અને ઔદ્યોગિક વિકાસ વધુ વેગ પકડશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો. - માનવ સંસાધનની મોટી જરૂરિયાત પડશે : માનદમંત્રી મહેશ તીર્થાણીએ ચેમ્બરના ભવિષ્યનાં આયોજનની રૂપરેખા રજૂ કરતા કહ્યું હતું કે, આગામી સમયમાં અહીં કુશળ કામદારો સાથે મેનેજમેન્ટ તથા લીડરશિપ અને એડમિનિસ્ટ્રેટિવ ક્ષમતાવાળા માનવ સંશાધનની મોટી જરૂર પડશે. આઈએએસ તથા આઈપીએસના કાચિંગ સેન્ટરો તથા ઉદ્યોગ શિક્ષણ સંયુક્ત સંશોધન કેન્દ્ર કચ્છમાં સ્થાપવા ચેમ્બર પ્રયત્નશીલ છે તેમ જણાવ્યું હતું. - ઉદ્યોગ સમાજના ભવિષ્યનો ભાગીદાર  : ડીપીએ સીએસઆર હેડ એમ. કે. ખુશલાણીએ સીએસઆર પહેલના ઉદ્દેશ્યને સ્પષ્ટ કરતા જણાવ્યું હતું કે, ઉદ્યોગ જ્યારે સમાજનાં ભવિષ્ય નિર્માણમાં ભાગીદાર બને, ત્યારે જ સાચી સામાજિક જવાબદારી સિદ્ધ થાય છે.  દીનદયાલ કૌશલ્ય વિકાસ કાર્યક્રમ હેઠળ તાલીમ મેળવેલા યુવાનોને સીધા રોજગાર મળે છે, તે માટે ઉદ્યોગોની જરૂરિયાત મુજબ કોર્સ બનાવવામાં કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. - 115થી વધુ યુવાનને સીધી નોકરી મળી છે  : ગાંધીધામ કોલેજીયટ બોર્ડના સ્કિલ ડેવલપમેન્ટ અને પ્રોજેક્ટ હેડ કે વેંકટેશ્વરલુએ ડીપીએ  ચેરમેન સુશીલકુમાર સિંઘનાં માર્ગદર્શન હેઠળ ગ્રીન હાઈડ્રોજન, સોલાર વિન્ડ એનર્જી, ઇવી ટેક્નોલોજી, થ્રીડી પ્રિન્ટિંગ, શિપ બિલ્ડિંગ, લોજિસ્ટિક્સ તથા પોર્ટ મેનેજમેન્ટ જેવાં ક્ષેત્રોમાં તાલીમ કાર્યક્રમ ચલાવવામાં આવી રહ્યા છે. 500 તાલીમાર્થીમાંથી 150 મહિલાને વિશેષ તાલીમ આપવામાં આવી રહી છે, 115થી વધુ યુવાનને સીધી નોકરી મળી ચૂકી છે, આગામી સમયમાં કચ્છમાં અંદાજે ચારથી પાંચ લાખ કરોડ રૂપિયાનું રોકાણ આવનારું હોવાથી વિશાળ માનવબળની જરૂરિયાત ઊભી થશે, જેમાં ચેમ્બરના સહયોગની અપેક્ષા પણ તેમણે વ્યક્ત કરી હતી. - પ્રાયોગિક કોર્સોની તાતી જરૂરિયાત  : બેઠકમાં ઉદ્યોગ પ્રતિનિધિઓએ ક્રેન ઓપરેશન, કન્ટેનર હેન્ડાલિંગ, મેરિટાઈમ સેફ્ટી, વેરહાઉસ મેનેજમેન્ટ, ઇલેક્ટ્રિકલ-મેકેનિકલ મેન્ટેનેન્સ, રિન્યુએબલ એનર્જી અને ડિજિટલ લોજિસ્ટિક્સ જેવા પ્રાયોગિક કોર્સોની તાતી જરૂરિયાત રજૂ કરી હતી. આ બેઠકમાં ખજાનચી  કૈલેશ ગોર, કારોબારી સભ્ય અનિમેષ મોદી, હરિશ માહેશ્વરી, કમલેશ રામચંદાની, રાજીવ ચાવલા, લક્ષ્મણભાઈ આહીર, યોગેશ ઠક્કર, પોલીટેકનિક પ્રિન્સીપાલ એચ.જી. સાગર, ટીમ લીડર પ્રો. ઉત્પલ મહિચા, ટ્રાન્સપોર્ટ એસોસીએશનના પ્રકાશ ઠક્કર, કીર્તિ ભીડે, રાજેશ મઢવી, યોગેશ ઠક્કર, રાજુભાઈ ઠક્કર, વેલ્સ્પન ગ્રુપના વાઈસ પ્રેસિડેન્ટ મેજર ભગીરથાસિંહ જાડેજા અને સિનિયર મેનેજર દેવેન્દ્રાસિંહ ઝાલા, અગ્રવાલ ટિમ્બર્સના સુભાષ ગોયલ, વિનસ ઇન્ડસ્ટ્રીઝના સિનિયર મેનેજર એચ.આર. રીટા પ્રધાન તથા કોર્પોરેટ એડવાઈઝર એડીસન થોમસ સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા. 

Panchang

dd