ભુજ, તા. 6 : વિકસિત ભારત 2047ના લક્ષ્યાંકને હાંસલ કરવા
માટે અને ક્લાઈમેટ ચેન્જના જોખમો સામે સજ્જ થવાના હેતુથી કચ્છના ધોરડો ટેન્ટ સિટી ખાતે
`કલાઇમેટ રિઝિલિયન્ટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ' વિષય પર નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી
(એનડીએમએ) અને નેશનલ કાઉન્સિલ ફોર ક્લાયમેટ ચેન્જ, સસ્ટેનેબલ
ડેવલપમેન્ટ એન્ડ પબ્લિક લીડરશિપ (એનસીસીએસડી) દ્વારા સંયુક્ત રીતે યોજાયેલી કોન્ફરન્સની
શરૂઆત કરાઇ હતી. `ખેતી અને
દરિયાકાંઠાના વિસ્તારોમાં આજીવિકા સુરક્ષિત કરવા માટે ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને તૈયારીઓ' વિષયે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના
સભ્ય ડો. દિનેશકુમાર અસવાલે આગોતરા આયોજન અંગે ભાર મૂકીને નાગરિકોને આપદાઓનો સામનો
કરવા તાલીમબદ્ધ બનવા જણાવ્યું હતું તથા આપદા સમયે ઈવાક્યુએશન કેપિસિટી, સંસાધનોની ઉપલબ્ધતા અને પૂર્વ તૈયારીઓ અંગે માહિતી આપી એનડીએમએ, એનઆઇડીએમ, એનડીઆરએફ સહિતની આપદા પ્રબંધનની સંસ્થાકીય
કામગીરીને બિરદાવી હતી. એનડીએમએના ડિરેક્ટર મૃણાલિની શ્રીવાસ્તવે વિકસિત ભારતના નિર્માણ
માટે શ્રેષ્ઠ આપત્તિ વ્યવસ્થાપન પર ભાર મૂકી માળખાંકીય સુવિધાઓના વિકાસમાં ડિઝાસ્ટર
મેનેજમેન્ટને પ્રાથમિકતા આપીને આયોજન કરવા જણાવ્યું હતું. એનસીસીએસડીના ડો. કિરીટ શેલતે
ભૂકંપની આપદાઓ બાદ કચ્છના વિકાસને ડિઝાસ્ટર મેનેજમેન્ટની સાથેસાથે પુન:નિર્માણની પ્રતિબદ્ધતાનું
શ્રેષ્ઠ ઉદાહરણ ગણાવી ક્લાઈમેટ ચેન્જથી આપદાઓની
સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો હોવાથી આપદા વ્યવસ્થાપનની સાથેસાથે ટકાઉ વિકાસના
મોડેલથી વિકસિત ભારત 2047નું નિર્માણ
કરી શકાય એ બાબત પર ભાર મૂકતાં ભૌગોલિક પડકારોને અવસરમાં પરિવર્તિત કરીને આપદાનો સામનો
કરવા, સ્થળાંતર અટકાવવા, આધુનિક
ટેકનોલોજીના ઉપયોગથી આગોતરી જાણકારી નાગરિકો સુધી પહોંચાડવા સહિતની બાબતો પર ભાર મૂક્યો
હતો તથા આપત્તિ વ્યવસ્થાપનને માત્ર પ્રતિભાવ પૂરતું સીમિત ન રાખીને અટકાવવાની વ્યૂહરચના
તૈયાર કરવા જણાવ્યું હતું. બે દિવસીય કોન્ફરન્સ દરમિયાન વિવિધ ટેકનિકલ સત્રોમાં તજજ્ઞો
દ્વારા કૃષિ અને દરિયાકાંઠાના વિસ્તારોમાં આબોહવા પરિવર્તનની અસરો ઘટાડવા અંગે વિચાર-વિમર્શ
કરવામાં આવશે. કુદરતી આપત્તિઓથી થતાં આર્થિક નુકસાનને ઘટાડવા માટે વીમા કવચ અને નાણાકીય
જોખમ વ્યવસ્થાપનની જરૂરિયાત પર ચર્ચાઓ કરાશે. સરપંચ મિયાં હુશેને ધોરડો ગામની આત્મનિર્ભરતા
બાબતનો પ્રતિભાવ આપ્યો હતો. નવી યોજનાઓને રાજ્ય અને રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન યોજનાઓ
તેમજ એસએપીસીસીએસમાં સામેલ કરાશે. કોન્ફરન્સમાં ભારત સરકારના કૃષિ વિભાગના જોઈન્ટ સેક્રેટરી
એસ. રૂકમણી, ઈન્સ્યોરન્સ ડેવલપમેન્ટ એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી
ઈન્ડિયાના સભ્ય દીપક સૂદ, ઓડીશા એસડીએમના એડિશનલ ડિરેક્ટર મનીષ
અગ્રવાલ, ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ-ફોરેસ્ટ એન્ડ
ક્લાઈમેટ ચેન્જના ડેપ્યૂટી સેક્રેટરી રુચિકા દ્રાલ, કામધેનુ યુનિવર્સિટીના
પૂર્વ વીસી એ.આર. પાઠક, જૂનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટીના રિસર્ચ
ડિરેક્ટર ડો. એ. જી. પાનસુરિયા, ફૂડ એન્ડ એગ્રીકલ્ચરલ ઓર્ગેનાઈઝેશનના
પ્રતિનિધિ કોન્ડા ચાવા, ગુજરાતના પૂર્વ પ્રિન્સિપાલ ચીફ કન્ઝર્વેટર
ઓફ ફોરેસ્ટ ડો. આર.કે. સમા, નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઓશન ટેક્નોલોજીના
વૈજ્ઞાનિક ડો. વિજયા રવિચંદ્રન, એગ્રોસેલના પૂર્વ રિસર્ચ ડિરેક્ટર
સુરેશ આચાર્ય, યુએનડીપીના પ્રોજેક્ટ ડિરેક્ટર સ્વાતિ રઘુવંશી,
એનડીએમએમના પ્રતિનિધિ શ્વેતા વેદ્ય, એનડીએમના કન્સલ્ટન્ટ
શિશિર અગ્રવાલ સહિત ડો. આમીર અલી ખાન, સોવિક ડેય, ડો. આર. ગોપીચંદ્રન સહિતના તજજ્ઞો, નિષ્ણાતો,
વૈજ્ઞાનિકો અને વિવિધ રિસર્ચ તેમજ શૈક્ષણિક સંસ્થાઓના પ્રતિનિધિઓ તેમજ
જિલ્લા વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.