• ગુરુવાર, 05 માર્ચ, 2026

`ભારત રણભૂમિ દર્શન' કાર રેલી પહોંચી નારાયણ સરોવર

નારાયણ સરોવર (તા. લખપત), તા. 6 : ભારતીય સેનાની આર્ટિલરી રેજિમેન્ટની સ્થાપનાનાં 200 વર્ષ પૂર્ણ થવાના ઐતિહાસિક અવસરે પશ્ચિમની સરહદે `ભારત રણભૂમિ દર્શન' કાર રેલી શુક્રવારેતીર્થધામ નારાયણ સરોવર-કોટેશ્વર મુકામે પહોંચી હતી.   પવિત્ર યાત્રાધામ દ્વારકાથી શરૂ થતી આ કાર રેલી 3400 કિલોમીટરની યાત્રા કરીને દિલ્હી નેશનલ વોર મેમોરિયલ મુકામે સમાપન થવાની છે. ભારતીય નૌકાદળ અને સીમા સુરક્ષા દળના સંયોગથી આયોજિત આ અભિયાન દેશના વીર સૈનિકોના સાહસ અને બલિદાનને સમર્પિત છે, જેનો મુખ્ય ઉદ્દેશ ઐતિહાસિક રણભૂમિઓની મુલાકાત લેવાનો અને વિવિધ યુદ્ધ સ્મારકો પર શહીદ સૈનિકોને શ્રદ્ધાંજલિ આપવાનો તથા  ગ્રામજનો, વીર નારીઓ, ભૂતપૂર્વ સૈનિકો સાથે સંવાદ કરી તેમની સેવાઓ બદલ આભાર માનવાનો તથા નાગરિકોમાં રાષ્ટ્રીય ગૌરવ અને દેશપ્રેમની ભાવના મજબૂત કરવાનો છે. નારાયણ સરોવરમાં આવી પહોંચેલી કારરેલીએ વિદ્યાર્થીઓને પ્રેરણા આપી દેશ જાગૃતિ માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા તથા દરેક બાળકને સ્કૂલબેગ સાથે શૈક્ષણિક કિટ આપી હતી. આ અભિયાન અંતર્ગત એચપીસીએલ કંપનીના સહયોગથી ચિત્ર અને ગીત સ્પર્ધાનું આયોજન કરાયું હતું, જેમાં વિજેતા બાળકોને એચપીસીએલ કંપની દ્વારા ઇનામ અપાયાં હતાં. કાર રેલીના તમામ સભ્યો દ્વારા હાઈસ્કૂલનાં પ્રાંગણમાં વૃક્ષારોપણ કરાયું હતું, હાઈસ્કૂલના આચાર્યને `ભારત રણભૂમિ દર્શન' મોમેન્ટો અર્પણ કરાયો હતો અને આચાર્ય દ્વારા પણ ઉચ્ચ અધિકારીનું પુસ્તક અને સાલથી સન્માન કરાયું હતું. આ કાર્યક્રમમાં બીએસએફના યોગેશકુમાર અને આર્મીના કર્નલ આશિષ રંજન તેમજ ઉચ્ચ અધિકારીગણ ઉપરાંત નારાયણ સરોવર જાગીરના ગાદીપતિ સોનલલાલજી મહારાજ, ગામના સરપંચ તેમજ હાઈસ્કૂલના આચાર્ય નયનભાઈ વાંઝા ઉપસ્થિત રહ્યા હતા. 

Panchang

dd