• ગુરુવાર, 05 માર્ચ, 2026

64 દીક્ષાર્થીના સંયમ વેશ માટે કરોડોની ઉછામણી

મહેશ પી. મહેતા દ્વારા  : ભુજ, તા. 6 : મુંબઈમાં બોરીવલીના ચીકુવાડી ખાતે આયોજિત 64 મુમુક્ષુના સામૂહિક દીક્ષા મહોત્સવ `સંયમરંગ ઉત્સવ'ના ત્રીજા દિવસે ભક્તિ અને સમર્પણનો અદ્ભુત સંગમ જોવા મળ્યો હતો, આ ઐતિહાસિક અવસરે દીક્ષાર્થીઓના સંયમ જીવનના પ્રતીક સમાન `સંયમકવચ' (વેશ) અને આવશ્યક ઉપકરણો અર્પણ કરવા માટે સેંકડો ભક્તે ભારે ઉત્સાહ દર્શાવ્યો હતો. આ માટે થયેલી વિવિધ ઉછામણીઓની કુલ રકમ કરોડો રૂપિયા સુધી પહોંચી હતી. - સંયમ વેશ અને નામકરણની ઉછામણી  : જૈન ધર્મની પરંપરા અનુસાર, જ્યારે કોઈ આત્મા સંયમનો માર્ગ સ્વીકારે છે, ત્યારે તેમને દીક્ષાનાં વસ્ત્રો અને પાંચ આવશ્યક ઉપકરણ અર્પણ કરવાનું અનેરું મહત્ત્વ હોય છે. આ પવિત્ર અવસરે 64 દીક્ષાર્થી માટે અંદાજે 330થી વધુ બોલી બોલવામાં આવી હતી. દરેક દીક્ષાર્થીને ઉપકરણો અર્પણ કરવાની સાથે, દીક્ષા બાદના તેમના નૂતન સાધુ-સાધ્વી તરીકેનાં નામ જાહેર કરવાનો લ્હાવો લેવા માટે પણ શ્રદ્ધાળુઓમાં ભારે સ્પર્ધા જોવા મળી હતી. નોંધનીય છે કે આ દીક્ષાર્થીઓ 17 અલગ-અલગ સમાજમાંથી આવે છે, જેમના પરિવારોએ પોતાની સંપત્તિનો સદુપયોગ ધર્મ માર્ગે કરવાનું જાહેર કર્યું હતું. - ભક્તિમય કાર્યક્રમો અને ભાવભીની વિદાય : ઉત્સવના ત્રીજા દિવસે બપોરે `અષ્ટપ્રકારી પૂજા'નું આયોજન કરવામાં આવ્યું હતું. અમદાવાદના જાણીતા સંગીતકાર શનિ શાહ અને વડોદરાના શિવમ સિંઘના સૂરતાલ સાથે હજારો ભક્ત ભક્તિમાં લીન થયા હતા. રાત્રિ સત્રો દરમિયાન ભાવુક દૃશ્યો સર્જાયાં હતાં. બીજી રાત્રે 27 દીક્ષાર્થીએ પોતાની જીવનયાત્રા અને વૈરાગ્યની ગાથા વર્ણવી હતી, જ્યારે ત્રીજા દિવસે બાકીના 28  દીક્ષાર્થીની હૃદયસ્પર્શી દાસ્તાન સાંભળી ઉપસ્થિત મેદનીની આંખો ભીની થઈ હતી. - વરસીદાન અને શાહી શોભાયાત્રા : તા. 7મી ફેબ્રુઆરીના આ 64 દીક્ષાર્થીની શાહી દમામ સાથે શોભાયાત્રા યોજાશે. અંદાજે 10 હજાર લોકોની હાજરી અને 200 કાર્યકર્તાઓના પ્લાનિંગ સાથે આ યાત્રા મલાડ  (પૂર્વ)થી બોરીવલી (ચીકુવાડી) સુધી છ કિમી લાંબી રહેશે. આ દરમિયાન દીક્ષાર્થીઓ પોતાની ભૌતિક સંપત્તિનું `વરસીદાન' કરશે જે સમાજને સંદેશ આપે છે કે, સાચું સુખ સંપત્તિમાં નહીં, પણ ત્યાગમાં છે. આ સંપૂર્ણ શોભાયાત્રાનો લાભ પ્રભાબેન નટવરલાલ દોશી (વાળા-બનાસકાંઠા) પરિવારે લીધો છે. - શોભાયાત્રાનો માર્ગ  : સુભાષ લેન સર્કલ (મલાડ), રત્નપુરી જિનાલય, મલાડ સબવે, એન. એલ. કોલેજ, કાંદિવલી ફાયર બ્રિગેડ, પોઈસર ડેપો, રઘુલીલા મોલ, પોઈસર જીમખાના, ચીકુવાડી મેદાન. - વિજય-તિલક અને અંતિમ પ્રતિભોજન  : શોભાયાત્રાના સમાપન બાદ દીક્ષાર્થીઓને દીક્ષા ગ્રહણ કરતા પૂર્વે `િવદાય-તિલક' કરવામાં આવશે. જૈન પરંપરામાં આ તિલકને યુદ્ધે ચડતા સેનાપતિને કરવામાં આવતા `િવજય-તિલક' જેવું ગૌરવશાળી ગણવામાં આવે છે, કારણ કે આ મુમુક્ષુઓ આંતરિક વિકારો સામેનાં યુદ્ધે નીકળેલા શૂરવીરો છે. આ વિધિનો લાભ લેવા માટે પણ ભારે ઉછામણી બોલાવવામાં આવશે. ત્યારબાદ 7મીની સાંજે દીક્ષાર્થીઓ સંસારનું `અંતિમ પ્રતિભોજન' કરશે. આ તેમનું થાળી-વાટકામાં છેલ્લું ભોજન હશે. કારણ કે, દીક્ષા બાદ તેઓ આજીવન કાષ્ઠનાં પાત્રમાં જ ગોચરી (ભિક્ષા) ગ્રહણ કરશે. રાત્રે બાળવયે દીક્ષા લેનારા નવ મુમુક્ષુ તેમના વૈરાગ્ય પાછળની ગહન સમજણ અને પ્રેરક પ્રસંગો રજૂ કરશે. 

Panchang

dd