ગાંધીધામ, તા. 6 : ગાંધીધામ કોલેજીએટ બોર્ડ દ્વારા
સંચાલિત અંજના હજારી કોમ્યુનિટી ડેવલપમેન્ટ સેન્ટરના ઉપક્રમે અને સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા
દ્વારા અંજાર સરસ્વતી વિદ્યામંદિર તથા ચંદિયાની સરકારી માધ્યમિક શાળાની 10 જરૂરિયાતમંદ વિદ્યાર્થિનીઓને
સાઈકલનું વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ વિનામૂલ્યે કોમ્પ્યુટર તાલીમ વર્ગ પ્રમાણપત્ર
આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના કચ્છના એચ.આર. હેડ નીરજ કિશોરે
જણાવ્યું હતું કે, બેંક વિદ્યાર્થિનીઓને
સાઈકલ ઉપરાંત પંખા, સ્વચ્છ પાણી માટે ફિલ્ટર મશીન, સેનેટરી પેડ માટેના મશીન જેવી સુવિધાઓ આપીને સામાજિક જવાબદારી નિભાવવા પ્રયત્નશીલ
છે. ચંદિયાની માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓને આ વેળાએ સંસ્થાના કે વેંકટેશ્વર લુએ તાલીમાર્થીઓ
માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ)ની વિનામૂલ્યે તાલીમ આપીને ગ્રામ્ય વિસ્તારના યુવાધનને
આગળ વધારવા તત્પરતા દર્શાવી હતી. નીરજ સોનીએ બેન્કની યોજનાઓ અંતરિયાળ ગામડાઓ સુધી પહોંચાડવાની
ખાતરી આપી હતી. આ કાર્યક્રમમાં નીમેષ પ્રજાપતિ, અંજાર સરસ્વતી
વિદ્યામંદિરના ટ્રસ્ટી અરૂણભાઇ ભીંડે, ચંદિયા શાળાના આચાર્યા
કલ્પનાબેન ચૌહાણ તથા આચાર્યા ડિમ્પલબેન ઠક્કર, આચાર્યા નેહાબેન
મહેતા, શિક્ષિકા રાજુબેન ભાલિયા, નયનાબેન
ભટ્ટ ઉપસ્થિત રહ્યા હતા.